સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બલવન્તરાય ક. ઠાકોર/સન્માનાર્હ કોણ?

          બે જાતની વ્યકિતઓ સન્માનાર્હ છે. લક્ષ્મીનંદનને સન્માનાર્હ નથી ગણતો, સત્તાધારીને સન્માનાર્હ નથી ગણતો. કેવળ વિદ્યાનેય હું સન્માનાર્હ નથી ગણતો. દુનિયાદારી ચડતીને પણ હું સન્માનાર્હ નથી ગણતો. ભાગ્યદેવીના લાડકવાયાને હું સન્માનાર્હ નથી ગણતો. સન્માનાર્હ એક તો હું ગણું છું પૂરેપૂરાં બળ, આવડત અને દિલે મજૂરી કરતા મજૂરને. સાધન, ઓજાર આદિ વડે ઇષ્ટ વસ્તુ ઉપજાવવા તે એટલો તો મચીમથી રહે છે કે તેના હાથપગ, તેનાં આંગળાં, તેના સ્નાયુએ સ્નાયુ, તેની રગેરગ, તેની બુદ્ધિનાંય પડેપડ એ સાધનો અને ઓજારો, ક્રિયાઓ અને પ્રક્રિયાઓની ઊડી છાપ ગ્રહણ કરતાં કરતાં એ સાધનસામગ્રીના અને ઓજાર-હથિયારના ઉપર પ્રભુત્વ મેળવે છે અને ભોગવે છે; અને એ પ્રભુત્વ કુદરતી ફળ પરિપાક રળે છે અને આનંદે છે. ગુજરાતીઓને આવી સ્વેદઝેબમંડિત મજૂરી તરફ સન્માનબુદ્ધિ છે ખરી? આપણા ઊજળિયાત વર્ણો આવી મજૂરીને સન્માને છે અને પોતે પણ તે વેઠવાને તૈયાર છે? પોતાને ખેડૂત કહેવડાવનારી આપણી ઊજળિયાત ન્યાતોમાંથી કઈ કઈ જાતે હળ ખેડે છે, કોશ અને ઘાણી ચલાવે છે, ગળતું ખાતર તૈયાર કરે છે અને પાથરે છે, કૂવા ખોદે છે ને ગાળે છે, વરસતે વરસાદે ડાંગરના ધરુનો ક્યારાપલટો કરે છે વગેરે વગેરે? જે ન્યાતો અંગચોર છે, મહેનત-મજૂરીથી કાયર છે, તે કાપુરુષો ગુજરાતી પ્રજામાં ભૂષણરૂપ નથી; ભલે ને તેમને પ્રજાના બીજા વર્ગો અને વર્ણો સૈકાઓની કુરૂઢિથી ભૂદેવો, સૂર્યવંશી, ઠાકોર આદિ ગણતા આવ્યા હોય. સન્માનાર્હ હું બીજો ગણું છું બુદ્ધિમાન, બુદ્ધિસજ્જ, બુદ્ધિને વાપરી જાણનાર, ખેડનાર, પદોડનાર, નિચોવનાર, મથનાર, વલોવનાર, માથું ભમી ભમી ઘુમ્મ થઈ જાય, ફાટી પડતું લાગે, મૂછિર્ત થઈ જાય, ત્યાં લગી ખેદો ન છોડનાર મનન-પરાયણ નરને. કોદાળી, પાવડો, હળ, દંતાળી વગેરે જેમ મજૂરનાં ઓજાર છે તેમ વિદ્યા, શાસ્ત્ર, ઇતિહાસ, અનુભવ, અવલોકન, ભાવના અને સ્વપ્નાંની સાથે સાક્ષાત વિરાટનો આખો ચરખો, વિચારક માણસનાં સાધનસામગ્રીય છે, ઓજાર-હથિયારે છે. એણે માણસજાતની નબળાઈઓને પણ શોધવાની તથા પરામર્શવાની છે. એણે અસ્પર્શ્ય અને અપવિત્રને, સડાને, રોગને પણ તપાસવા—ચૂંથવાના છે. માણસોમાં સન્માનાર્હ જેટલો મજૂર છે તેટલો વિચારક છે, જેટલો વિચારક છે તેટલો મજૂર છે. વિચારકને કશું અપ્રસ્તુત નથી, સિદ્ધ નથી, કશું અસાધ્ય નથી. વિચારકને કોઈ પરમ ગુરુ નથી, વિચારક કોઈનું ગુરુપદ ચાહતો નથી. ગુરુપદ સમર્પવા આવે તેવાને સાફ કહી દે છે: ભાઈઓ, તમે પોતે પોતાના ગુરુ બનવા સમર્થ છો. નાના-મોટા સૌ સ્વતંત્ર વિચારક બની પોતપોતાના ગજા, અનુભવ, સંજોગો, સાથીઓ પ્રમાણે વિચારપ્રવૃત્તિમાં ધાયે જાય, એટલું જ તે તો વાંછે. [‘પંચોતેરમે’ પુસ્તક]