સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાબુ દાવલપુરા/સમભાવ સાહિત્ય પૂરતો જ નહીં

          ઈશ્વર પેટલીકરનો જન્મ અને ઉછેર ચરોતરના એક નાના ગામડામાં થયો હતો. તેની આસપાસના ગ્રામપ્રદેશમાં વસતા લોકોના સામાજિક વ્યવહારો, તેમના વ્યવસાયો તેમજ રીતરિવાજોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ તેમણે વર્ષો પર્યંત કર્યું હતું. પ્રાથમિક શિક્ષક તરીકે અને પછી ‘પાટીદાર’ માસિકના સંપાદક તરીકે તેમણે ગામડાંના અને શહેરના સમાજના પ્રશ્નો વિશે ઊડો રસ લઈને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ કરી હતી, તેને કારણે તેમની ઘણીબધી નવલકથાઓ અને નવલિકાઓમાં ચરોતરના જનસમાજનાં ઊજળિયાત તેમજ પછાત વર્ગનાં પાત્રો કેન્દ્રસ્થાને રહે છે. પેટલીકરનો દલિત વર્ગ પ્રત્યેનો સમભાવ કેવળ તેમના સાહિત્ય પૂરતો જ સીમિત નહોતો. અમદાવાદમાં પોતાના નવા નિવાસનું વાસ્તુ કરવાના મંગળ પ્રસંગે, આણંદનિવાસનાં વર્ષો દરમિયાન પોતાના કાર્યાલય અને ઘરમાં નેકદિલીપૂર્વક કર્તવ્ય બજાવનાર હરિજન સફાઈ કામદારને નોતરવાનું તેઓ ચૂક્યા નહોતા. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]