સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/નદીકાંઠે સૂર્યાસ્ત

Revision as of 06:44, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> વ્યજન કરતી ઠંડી મીઠી જરા લહરાઈને, સ્વજન-કર શી અંગે અંગે હવા સ્પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વ્યજન કરતી ઠંડી મીઠી જરા લહરાઈને,
સ્વજન-કર શી અંગે અંગે હવા સ્પરશી વહે.
સઘન ઢળતી વૃક્ષચ્છાયા અતીવ પ્રલંબની,
સરિતજળમાં કંપી કંપી વિલુપ્ત થતી જતી.
સરપ સળકે, મત્સ્યો કૂદે, હલે જલકાચબો :
જલચર તણી સૃષ્ટિ ગૂઢાં રહસ્ય થકી ભરી!
કુસુમદલને છેલ્લું ચૂમી, ટીપું મધનું લઈ,
અમરતભરી ગીતારી શી ગુંજે મધુમખ્ખિકા.
ઘર ગમ જતી ખેડુકન્યા ખિજાવત કોકિલા :
સ્વરહલકની સામાસામી બજે શરણાઈઓ.
ઉરપડળનાં એકાન્તોમાં છૂપા અભિલાખ શાં,
વિજન પથમાં બોલી ઊઠે, અહો, તમરાં કશાં!
અણુ અણુ લહે તૃપ્તિ, શાંતિ, સુધામય સ્પર્શથી,
મલયમધુરી સંધ્યા આવી ફરી ફરી ના ઢળે!
ક્ષણ અરધમાં શોભા, કિન્તુ, જતી ઊપટી; અને
નગરરચના ગાંધર્વી સૌ અલોપ થતી જતી.
સમ સમ થતી સીમાઓના, અહા, સૂનકારમાં
અરવ ગરજે અંધારાંનો અફાટ સમુદ્ર શો!
નજર ચડતું ચારે કોરે હવે નવ કોઈ યે :
તિમિરજલમાં એકાકી હું સરું જલદીપ શો!