સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/ભાઈબહેન

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે ઊંઘે ને અમે જાગતાં જી રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.
બિલ્લીપગે તે અમે ઉઘાડયા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે!
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.
ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતર ને કોતરને ચાલ્યાં વટાવતાં;
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે.
રૂપા તે રંગની રેતી વેરાયલી
પાસે વહે છે વહેણ વાંકડું જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું,
શાનું ગોઠે ઘર સાંકડું જી રે?
ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે!
ખોબો ભરીને વીણી શંખલાં ને છીપલાં,
આખાયે વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.
સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.