સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/હિના

પે’લવે’લી તને જોઈ મેં જ્યારે
આંખડી આંખમાં પ્રોઈને ત્યારે,
અલકલટેથી ખાઈ હિંડોળો
નેન જડ્યાં પગને પગથારે!
એમ તો તારાં નેણ બિલોરી
વેણથી યે વધુ બોલકાં, ગોરી!
લોપતી તારા લાખ મલાજા
કંચવાની ઓલી રેશમી દોરી!
સુન્દરી! તારી દેહની દેરીએ
રોમરોમે જલે રૂપના દીવા;
તો ય ઢળ્યાં જઈ લોચન પાનીએ
રૂપશમાની રોશની પીવા!
એવી દીઠી તારી પાનીએ હિના :
એ જ કાશી, મારું એ જ મદીના!