સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાળકોબા ભાવે/માની અંત્યેષ્ટિ ક્રિયા

          ૧૯૧૮માં ઇન્ફલુએન્ઝા આખા હિન્દુસ્તાનમાં ફેલાયો હતો અને હજારો લોકો તેના ભોગ બનેલા. અમારા ઘરમાંય માતા-પિતા, બહેન શાંતા તથા સૌથી નાનો ભાઈ દત્તુ, એમ ચાર જણ એ રોગમાં સપડાયાં હતાં. હું અને શિવાજી એ ચારની સેવામાં હતા. ઉપચાર તો ઘણા કર્યા, પણ માને તે લાગુ પડ્યા જ નહીં. તે વખતે દાદા (મોટાભાઈ, વિનોબા) સાબરમતી આશ્રમમાં હતા. સમાચાર મળતાંવેંત એ ઘેર આવી પહોંચ્યા. દાદાને જોતાં માના આનંદનો પાર ન રહ્યો. પરંતુ તે પછી થોડા દિવસમાં એમને ડબલ ન્યુમોનિયા લાગુ પડ્યો, અને તેમાં જ માનું અવસાન થયું. માની ઉત્તરક્રિયાનો વિધિ બ્રાહ્મણો પાસે કરાવવો કે નહિ, એ પ્રશ્ન હવે અમારી સામે ઊભો થયો. પિતાજીની દલીલ એવી હતી કે, “મારું મૃત્યુ થાય ત્યારે કોઈ પણ જાતના ક્રિયાકાંડ વિના જ મારો અગ્નિસંસ્કાર કરશો તો ચાલશે, કારણ કે ક્રિયાકાંડ ઉપર મને એવી કોઈ શ્રદ્ધા નથી. પરંતુ તમારી માતાની બાબતમાં તો તમારે તેના વિચારો ને ભાવના પ્રમાણે વર્તવું જરૂરી છે. તેની પોતાની શ્રદ્ધા મુજબ તેની અંત્યેષ્ટિ ક્રિયા તમારે કરવી પડશે.” દાદા કહે: “જો એમ જ થવાનું હોય, તો હું સ્મશાનયાત્રામાં નહીં આવી શકું.” એટલું બોલીને તેઓ ગંભીર અને કરુણ અવાજે ‘ગીતા’નો અઢારમો અધ્યાય વાંચવા બેસી ગયા. હું અને શિવાજી બંને માની સ્મશાનયાત્રામાં ગયા. પણ દાદા અમારી સાથે ન જ આવ્યા.

[‘વિનોબા સાથે બાળપણમાં’ પુસ્તિકા]