સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવાનદીન/કહો, તમે જુવાન છો?

From Ekatra Wiki
Revision as of 12:08, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તો પછી હાથ પર હાથ ચડાવી બેઠા કેમ છો? શું કાંઈ કામ મળતું નથી? અરે, કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તો પછી હાથ પર હાથ ચડાવી બેઠા કેમ છો?
શું કાંઈ કામ મળતું નથી? અરે, કામની ક્યાં કમી છે?
પાંચ માઈલ દોડી નાખો જોઈએ!
કોદાળી ઉઠાવો ને ધરતી ખોદી નાખો.
કુહાડી ઉઠાવો ને સાંજ સુધીમાં
પાંચ મણ લાકડાં કાપી લાવો!
એ ન કરી શકો તો ઘેર ઘેર ફરીને બીમારોને જુઓ,
જેનું કોઈ ન હોય તેને કાંઈક ઉપયોગી થાવ.
તમારી ઉંમર કેટલી? સોળ વરસ?
સોળ વરસનો નવજુવાન બાપકમાઈ પર જીવે?
છોડો એ સહારો, ને લાગી જાવ કામે!
દિવસ આખો મંડયા રહો.
સાંજ પડશે ત્યારે સમજાશે કે એમાં કેવી મોજ છે!
બાળપણનાં સ્વપ્નાં યાદ આવે છે?
તે વેળા શા શા ઉમંગો આવતા હતા?
પહાડો ચડવાના? જંગલો ઘૂમવાના?
તો ત્યારે કેમ નીકળી પડ્યા નહીં?
માબાપનો ડર હતો ત્યારે? પણ આજે કોનો ડર છે?
ભાઈબહેનોનો? સગાંસ્નેહીઓનો?
એવા ડર તો કમબખ્ત મરતાં લગી પજવવાના.
ભાઈબહેન પછી પત્નીનો, પછી બાળબચ્ચાંનો,
ને એમ કરતાં કરતાં કોણ જાણે કેટલાંયનો.
ફેંકી દો એ ડરને!
જેને તરવું છે એને તો ડર છોડીને
એક વાર ઝંપલાવવું જ પડે છે.
બચપણમાં તમારું અંતર જે જે સ્વપ્નાં ઘડતું હતું,
તે સાચાં પાડવા હવે કટિબદ્ધ થઈ જાવ!