સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભનુ ર. વ્યાસ, ‘સ્વપ્નસ્થ’/“સર્જન આ—”
‘કલમ-કિતાબ’માંથી તમે લીધેલી રજાથી ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિ જાણે મંદ પડી ગઈ લાગે છે. જે ઉષ્મા, સજીવતા એ પાનાં પર દેખાતી હતી તે બીજે ક્યાંય વરસોથી ન હતી, એનું ભાન હવે જ થાય છે. સર્જનનો આવિષ્કાર જોઈ રાચતી એ કલમ વાંસો થાબડતી થાબડતી જ ઠપકો આપી લેતી. મોટા મોભ પણ ખાંગા થઈ ગયા હોય તો અચૂક એ પાનાં પર ચિતરાઈ આવતા. એ હૃદયની સરાણે ચડાવવાની પરીક્ષા સહૃદય માણસ તો હંમેશાં વધાવી લે. “સર્જન આ—” એમ કહેવાવાળું કોઈ રહ્યું નથી.
[ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૪૧]