સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભાલચંદ્ર નેમાડે/અનુવાદકની નિષ્ઠા

Revision as of 12:13, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઉર્વશી પંડ્યાએ મારી મરાઠી કવિતાનો ગુજરાતી અનુવાદ દ્વારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ઉર્વશી પંડ્યાએ મારી મરાઠી કવિતાનો ગુજરાતી અનુવાદ દ્વારા કરાવેલો પરિચય તટસ્થ અને સંતુલિત છે. ૧૯૯૭-૯૮ના શૈક્ષણિક વર્ષ દરમિયાન અમે મુંબઈ યુનિવસિર્ટીમાં સહકાર્યકર્તા હતા. આ એક વર્ષના સમયગાળામાં ઉર્વશીએ ઘણી જહેમત અને નિષ્ઠાથી આ અનુવાદો કર્યા છે. બધી કવિતામાંથી વારંવાર પસાર થઈ કોઈ એક કવિતાની પસંદગી કર્યા બાદ થોડા દિવસો પછી ઉર્વશી મારી પાસે તે કવિતાની સંપૂર્ણ સમજ અને તૈયારી સાથે આવતાં અને એ વખતે તેમની પાસે મરાઠી કવિતાનો અનૂદિત પાઠ પણ તૈયાર રહેતો. એ પછી અમે મૂળ મરાઠી કવિતા અને તેના ગુજરાતી પાઠની પંક્તિએ પંક્તિ સાથે વાંચતાં-ચર્ચતાં. જરૂર લાગે ત્યાં મઠારીને અનુવાદને ક્ષતિ-રહિત બનાવતાં. ક્યારેક ઉર્વશી મરાઠીના દુર્બોધ અને ગહન અર્થને સારી રીતે સમજી શકવા છતાં અનુવાદ સંતોષકારક ન બનતો. તેથી ઘણાબધા નવા પાઠ તૈયાર કરી, અનેક ફેરફારો કરી આખરે ગુજરાતી કાવ્યબાનીમાં જે તે કવિતાને યોગ્ય આકાર ને ઓપ આપી શકાતાં. હું શ્રદ્ધાપૂર્વક કહી શકું કે બધા જ અનુવાદો મૂળ કૃતિને વફાદાર રહીને થયા છે. ભાષાકીય પ્રયોગોમાં પ્રાંતીય બોલી, કહેવતો અને રૂઢિપ્રયોગો અથવા લોકગીતો જેવા અત્યંત મહત્ત્વનાં પરિમાણોનું ઉર્વશીએ અત્યંત ધીરજપૂર્વક સફળતાથી કાવ્યાંતર કર્યું છે. ઉર્વશીના શબ્દભંડોળમાં મરાઠી શબ્દોના ગુજરાતી પર્યાયોથી હું ઘણો જ પ્રભાવિત થયો છું. મારી કવિતાનાં મૂળિયાં લોકગીતો અને અમૂર્ત વિષયોમાં હોવાથી તેને માટે ગુજરાતીમાં સંબંધિત પર્યાયો અને યોગ્ય લય શોધવાનું કામ ઘણું કપરું છે. ઉર્વશી ગુજરાતી અનુવાદમાં પણ મરાઠી કવિતાનો લય અને સંગીત સાહજિકતાથી લાવી શક્યાં છે.

[‘રામણદીવાના ઉજાસે’ પુસ્તક : ૨૦૦૧]