સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/ક્યાંથી શીખે છે?

          થોડાં વરસો પહેલાં વૈજ્ઞાનિકોને સવાલ થયો કે આ બધાં પંખીઓ માળો બાંધતાં ક્યાંથી શીખતાં હશે? કોણ તેને શીખવે છે? શું જોઈને તે માળા બાંધતાં શીખે છે? એટલે તેમણે એક પ્રયોગ કર્યો. થોડાંક પંખીનાં ઈંડાં લીધાં અને પ્રયોગશાળાની બંધ દુનિયામાં તેને રાખ્યાં. ઈંડાંમાંથી બચ્ચાં નીકળ્યાં, પણ પ્રયોગશાળાનો એ ખંડ એવો હતો કે જ્યાં તેમને માળાની કલ્પના પણ ન આવે. આવી રીતે, જેણે માળો કદી જોયો નથી, માળાની કલ્પના પણ જેને આવે તેમ નથી, તેવાં પંખીઓની ત્રીજી-ચોથી પેઢી ત્યાં ને ત્યાં પ્રયોગશાળામાં પેદા કરી. પછી ચોથી પેઢીનાં પંખીઓને બહાર કાઢી છૂટાં મૂક્યાં, ત્યારે વૈજ્ઞાનિકો એ જોઈને દંગ થઈ ગયા કે એ પંખીઓ સ્વાભાવિકપણે માળો બાંધવા લાગ્યાં! [‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૭૭]