સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/નારીનું એક જ રૂપ?

Revision as of 12:26, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એક સંબંધી હમણાં અમેરિકાથી આવ્યા હતા. એમણે કહ્યું “અહીં આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          એક સંબંધી હમણાં અમેરિકાથી આવ્યા હતા. એમણે કહ્યું “અહીં આપણી બહેનોને આપણે રસોડામાં વધુ પડતી કેદ કરી નથી? ખાવાપીવાની બાબતમાં વધુ પડતા લાડ કરવા આપણે ટેવાઈ ગયા છીએ. આ કારણે બહેનો રસોડામાં સવાર-સાંજના વધારે પડતા કલાક ગાળે છે. આટલા બધા કલાક રસોડામાં ગાળતી સ્ત્રી પોતાનો વિકાસ કેવી રીતે સાધી શકે? કાંઈ વાંચવાનો સમય તે ક્યાંથી ફાજલ પાડે? પોતાનાં બાળકોની સાથે કેટલો સમય ગાળી શકે? એ ઘરને સુંદર કઈ રીતે રાખી શકે?” આ ભાઈની વાતમાં તથ્ય છે. કચેરીઓ ને બૅન્કો બંધ હોઈ શકે, શાળા— કૉલેજોમાં છુટ્ટી હોઈ શકે, તાર-ટપાલની સેવાઓ પણ રજા પાળી લે, પણ આપણું રસોડું ત્રીસેય દિવસની સેવામાંથી નવરું ન પડે! આપણી થાળીને આપણે એટલી અટપટી બનાવી દીધી છે કે તેની તૈયારીમાં ગૃહિણીના ઘણાબધા કલાકો ચાલ્યા જાય છે. સાદાઈની વાતો કરનારા પણ તેમના સાદા ખોરાકની પળોજણ ઊભી કર્યા વગર રહેતા નથી. આપણે ત્યાં એવી રૂઢિ જડ ઘાલી બેઠી છે કે પુરુષો તો તૈયાર ભાણા ઉપર બેસે, રસોઈના કામમાં તો પુરુષોથી શાક સમારવા જેટલી મદદ પણ ના થઈ શકે! કેટલીક વાર તો આવું કોઈ કામ પુરુષને સોંપવા ગૃહિણી જ તૈયાર થતી નથી. કોઈ પણ પ્રકારના બીજા ઘરકામમાં પણ પુરુષની મદદની આશા કોઈ કરતું નથી. આપણને કબૂલ કરવું કદાચ ન ગમે, પણ રસોયણ કે કામવાળી સિવાયના બીજા કોઈ રૂપમાં આપણે સ્ત્રીને ખીલવા દીધી જ નથી. પત્ની તરીકે, માતા તરીકે, એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે એ પોતાનું સ્વરૂપ બતાવી શકતી નથી.

[‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૭૭]