સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/લોકો ભૂલ કરે જ નહીં?
એક શહેરમાં કોઈ પોલીસ અધિકારીને પ્રામાણિક રીતે છતાં સખ્તાઈથી કામ કરતો જોઈને તેની સામે દેખાવો અને બદલીનાં દબાણો થતાં આપણે જોયાં નથી? લોકોનાં દબાણોને જ આપણે છેવટની સત્તા ગણીશું, તો એવું નહીં બને કે લોકો સતત પ્રતિનિધિના માથા ઉપર જ બેસી રહે અને તેને એવાં કામો કરવાનો હુકમ કર્યા કરે જે સમગ્ર રીતે રાજ્ય કે રાષ્ટ્રના હિતમાં ના પણ હોય? અમુક જિલ્લાના લોકો તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એવું જ કહેશે કે, તમે આ જિલ્લામાં જ નર્મદાનાં પાણી આવે તેવો બંદોબસ્ત કરો અને નહિતર ખસી જાવ. આવું ના થઈ શકે તેમ પ્રતિનિધિ કહેશે, તો ઉશ્કેરાયેલા લોકો તેને ‘ભ્રષ્ટાચારી’ કે ગમે તે લેબલ આપશે. રાજા કંઈ ખોટું કરે જ નહીં, તે માન્યતા જુનવાણી અને જૂઠી છે; અને લોકશાહીમાં લોકો પણ કંઈ ભૂલ કરે જ નહીં તેવો ખ્યાલ પણ ખોટો છે.
[‘ગુજરાત સમાચાર’ દૈનિક]