સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભોળાભાઈ પટેલ/ઘર

          શહેરમાં સ્થિર થયા પછી, લગભગ બંધ રહેતું અમારું એ ગામડાગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાનાં ઘર કાઢી પણ નાખ્યાં હતાં. એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાનાં એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે હવે એ ઘર રાખી રાખવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીરણ બનતું જતું હતું. ચોમાસું ભારે હોય તો પતરાંના છાપરામાંથી પણ પાણી અંદર ઊતરે. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે. ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. એટલે બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહારકુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા. પછી એક દિવસ ‘ઓફર’ આવી પણ ખરી. ઓફર વાજબી હતી. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી, રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું? ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું, કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા. લાકડાં માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. છેક મોભારા સુધી ગારનાં તગારાં મારી બાએ ઉપર ચઢાવેલાં. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવાં ઘર બંધાવવા માંડ્યાં ત્યારે પોતાના દીકરાઓનાં એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતાં જોઈ, મનમાં થોડું રાજી થતાં બા-બાપા ઘણી વાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં. એ ઘરમાં જ અમ સૌ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારાં દાંપત્યજીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી. ઘરના આંગણામાં કેટલું રમેલા! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ દૂર પરગામ સુધી ભણવા ગયા. એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયેલાં. ત્યાં પાડોશીઓ સાથે ઊચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા—ભેંસ, પાડરાં, બળદ, રેલ્લા. એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને પછી દાદાનો ચોકો થયેલો, અને થોડાં વર્ષો પર મારા બાપાનો. અમારાં એ ઘરની બન્ને બાજુએ બીજાં ઘર છે. એક ઘર છે મારા ખરેખરના આજન્મ સાથીનું. તે પણ બંધ છે. મારો મિત્ર રોટલો રળવા દેશનાં અનેક સ્થળોએ ફરી, ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતાં. તેમને ઊઠી ગયે તો વર્ષો થયાં. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતાં તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે, પણ કુંવારો જ ઊઠી ગયો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે. આમ બધું બદલાઈ ગયું છે. છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? જૂનું તોયે બાપદાદાનું ઘર. એ ઘર છે, માત્ર ચાર દીવાલો ને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ‘ઘર?’ ઘર એ તો ભાવના છે. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીરણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણીવેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખી રાખવાનો શો અર્થ છે? સારા પૈસા ઊપજે છે. એટલા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકોને, તોય... છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે, તો એ ઘરમાં બધાં સાથે રહી લઈએ. વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખૂલ્યું. જોતજોતામાં તો નાનાંમોટાં પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું-ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડાગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. પરંતુ હવે ઘરની પ્રત્યેક દીવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં જ્યાં હું હંમેશાં બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજામાં અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. ત્યાં ભીંતે ટેકો દેતાં જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો, તે કહી રહી, “આટલે દહાડે આવ્યા અને હવે બસ...” હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી, ખીલા હતા પણ ઢોરઢાંખર નહોતાં. પરંતુ એ બધાં જ જાણે એ તરફ નજર જતાં એકસાથે ભાંભરી ઊઠ્યાં. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો... ઘરનાં આ નેવાં. કેટલાં બધાં ચોમાસાં એનું સંગીત સાંભળ્યું છે! અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું. ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ-કોઠલાઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. વચલા ખંડમાં, જ્યાં અમે સૌ જમતાં, ત્યાં થઈ ફરી વાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. અત્યારે સૌ આઘાંપાછાં છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે ઝાઝું કાઢે એમ પણ નથી. મેં પાસે જઈ પૂછ્યું, “આ શું? તું રડે છે બા?” અને એનાથી મોટેથી રડાઈ ગયું, “આ ઘર...” એટલું માંડ આંસુ અને હીબકાં સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હીબકાં વચ્ચે એણે કહ્યું, “આ ઘર.... હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી. પછી તમતમારે...” “પણ બા, તેં કહ્યું હતું ને?” “કહ્યું હશે. પણ હવે પાછા અહીં આવ્યા પછી... ના તમે ના કાઢશો.” એનું રડવાનું અટકતું નહોતું. બાને રડતી જોઈ મને દુ:ખ થયું પણ વિશેષ આનંદ થયો. થયું કે એનું હૃદય હજી જીવતુંજાગતું છે. એને હજી જગતમાં, જીવનમાં રસ છે. અમે તો માનતા હતા કે બા માત્ર દહાડા કાઢે છે. પણ ઘર માટેનો આ રાગ... મારા મનમાં પણ ઊડે ઊડે અપરાધભાવ તો હતો ઘર કાઢવાની વાતથી. પણ હવે તો રીતસરનો સણકો ઊપડ્યો. ઘર સૌની સંમતિથી વેચવાનું વિચારેલું. બાનાખત પણ થઈ ગયું હતું. જોકે તે દિવસથી દરેક જણ ઘરની વાત આવતાં મૂગું બની જતું. એટલામાં નાનો ભાઈ મકાન ખરીદનારની સાથે આવ્યો. ઘરનાં બીજાં સૌ પણ ભેગાં થઈ બાની આસપાસ બેસી ગયાં હતાં. બાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં, “આપણે નવું સગવડોવાળું મકાન આ ગામમાં જ બંધાવીશું, આ જ ઘરના પૈસામાંથી તમે કહેશો તેવું...” બા કહે, “આ ઘરને મોભે મેં ઈંટો ચઢાવી છે. તમારા બાપે કેટલી હોંશથી બાંધ્યું છે. એટલે તમતમારે મારા ગયા પછી ભગવાન કરે ને મહેલ ચણાવજો... પણ આ ઘર તો...” નાનો ભાઈ સ્થિતિ પામી ગયો. એણે મકાન ખરીદનારને કહ્યું, “ભાઈ, હમણાં ખમી જાઓ. આ ઘર આપીશું ત્યારે તમને જ આપીશું.” મેં જોયું કે અમ સૌની છાતી પરથી પથ્થર ઊતરી ગયો હતો. વરસાદ પછી ખૂલેલા આકાશ જેવું બાનું મોઢું જોઈને જાણે જીરણ ઘર હસી રહ્યું હતું. અદૃષ્ટ ગૃહદેવતાની પ્રસન્નતાનો સૌને સ્પર્શ થયો હતો.

પહેલાં અમે ભાઈઓ-બહેનો બધાં દિવાળીની રજાઓમાં મોટે ભાગે ગામડાનાં ઘરે જઈએ. બા-બાપા જાણે આ દિવસોની રાહ જોતાં હોય. ઘર ભરાઈ જાય કલકોલાહલથી. દિવાળીની રજાઓ પૂરી થતાં એક પછી એક કુટુંબએકમો નીકળી જાય. બન્ને બહેનો ચાલી જાય, અમે બન્ને ભાઈઓ છોકરાંછૈયાં સાથે નીકળીએ. આંતરે દિવસે, એ જ દિવસે સવારે કે સાંજે બા-બાપા પોતાનાં સંતાનોને ઝાંપા સુધી વળાવવા આવે. બાપા ક્યારેક ધીમે ધીમે ચાલતાં ભાગોળે બસ સુધી આવે. અમે અમારી ધમાલમાં હોઈએ. જલદી આવજો, સંભાળજો કહીને નીકળી પડતાં. પણ પછી ખાલી ઘરમાં પાછા ફરતાં વૃદ્ધ મા-બાપને ઘર કેવું ભેંકાર લાગતું હશે તે હવે કંઈક સમજું છું. આવાં તો ઘેરઘેર વૃદ્ધ મા-બાપ હશે, ખાસ તો ગામડાંમાં. કવિ ‘ઉશનસ્’ની ‘વળાવી બા આવી’ એ પ્રસિદ્ધ કવિતામાંનો વિરહબોધ મને અડકી ગયો. એ કવિતા મને આખી મોઢે હતી. હું ઘરની આગળની મોટી ગૅલેરીમાં બેસી એ યાદ કરવા લાગ્યો—ના, એ કવિતા હું રચવા લાગ્યો—જાણે એ પંકિતઓ સ્મૃતિમાંથી નહીં, મારી આ ક્ષણોની અનુભૂતિમાંથી ઊતરતી હતી—પહેલાં ત્રુટક ત્રુટક અને પછી સળંગ—જાણે છેકછાક વિના રચાઈ ગઈ: રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલાં ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજનાં, જવાનાં કાલે તો... દિવાળીની રજાઓ પડતાં, ગામડાગામમાં માતાપિતા સાથે રહેવા દૂર વસેલાં સંતાન આવતાં. ઘરમાં મનની એક ‘શાંતિ’ સ્થપાતી. પણ હવે રજાઓ પૂરી થતાં સૌ સંતાન જશે, એથી એ મનની શાંતિ ડહોળાઈ ગઈ છે. જવાને આગલે દિવસે રાત્રે બા-બાપા, ફોઈ અને છોકરાં-છૈયાં બેઠાં હતાં. હવે કદાચ આવતી દિવાળીએ વાત, એમ વિચારતાં હશે તે વખતે બા-બાપાએ, ગં.સ્વ. ફોઈએ આ બધાંની વચ્ચે પોતાને કર્મે લખાયેલા સંતાનોના વિરહને પણ જાણે જોઈ લીધો! પણ એને ઉવેખીને સૂઈ ગયાં. —જનક જનની ને ઘર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરનાં ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગ્યા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે, સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. છોકરાં-છૈયાંવાળું ભર્યું ઘર લઈને સવારે મોટાભાઈ ઊપડ્યા તેની સાથે જાણે અર્ધી વસતિ ખાલી થઈ ગઈ. નાનાં છોકરાંઓ જાય એનો ખાલીપો વધારે સાલે. એમના જતાં આખું ઘર શાંત બની ગયું, તે પછી: બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી. બે નાના ભાઈ મીઠું બોલતી અને હળવું હસતી એવી પોતાની નવોઢા પત્નીઓ લઈને બપોરે ગયા. પછી કવિ લખે છે: વળાવી બા આવી નિજસકલ સંતાન ક્રમશ:, ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. જે ઘરમાં હજી તો હમણાં સંતાનોનો, સંતાનોનાં સંતાનોનો કલકલ્લોલ હતો, તે આખા ઘરમાં વિરહ આજે વ્યાપી ગયો હતો—અને બા ઘરમાં જઈ શકી નહીં, એ પગથિયે જ બેસી ગઈ. કવિએ કહ્યું—‘પડી બેસી પગથિયે’—‘પડી બેસી’માં વૃદ્ધ માબાપની સંતાનોના જતાં અનુભવાતી મર્મભેદી નિ:સહાયતા પ્રકટ થઈ છે. ‘પડી બેસી પગથિયે’—પોતાના ગયા પછી મા આમ ઘરને પગથિયે જ બેસી પડી હશે, એવો સંતાનોને વિચાર આવ્યો હશે? એ તો પોતાની પ્રવૃત્તિની દુનિયામાં ખોવાઈ જવાનાં, પણ અહીં પાછળ રહેનાર? બીજા એક કવિએ કહ્યું છે: ઘરને તજીને જનારને મળતી વિશ્વની વિશાળતા, પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા. આખી વાતની વિડંબના તો એ છે કે વિચ્છેદભાવ દિવાળીના ઉત્સવ સાથે રચાય છે. દિવાળી મંગલપર્વ, મિલનપર્વ, પણ દિવાળી જતાં જ વૃદ્ધ મા-બાપને કર્મે લખાયેલ વિરહપર્વ. આ કવિતા એકદમ આપણી છે, મારી છે, તમારી છે. હું ઘરમાં બેઠો છું, આ કવિતા માનસપટ પર રચું છું. હું દિવંગત બા-બાપુનું તીવ્રતાથી સ્મરણ કરું છું. મેંય કદી વિચાર નહોતો કર્યો કે દિવાળીની રજાઓ પૂરી થતાં અમને વિદાય આપ્યા પછી ઘેર પાછાં ફરતાં બાપાના કે બાના પગ કેવા ઢીલા પડી જતા હશે—અને પછી ખાલી આંગણા કે માંડીમાં પ્રવેશતાં પથ્થરની જેર પર જ ખૂંભીને અઢેલીને બા બેસી પડતી હશે... આવું કેમ? કેમ આવું? આપણે સમજીએ ત્યારે મોડું કેમ થઈ ગયું હોય છે? એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી.... આ ક્રમ અનંત છે શું? [‘તેષાં દિક્ષુ’ પુસ્તક]