સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/અંતરની માટલી

          ધર્મઝનૂની મૌલવીઓએ મોગલ બાદશાહોના કાન ભંભેર્યા અને શીખ લોકો ઉપર તવાઈ ઊતરી. ઔરંગઝેબના વખતમાં તો મોગલોના જુલ્મોએ માઝા મૂકી. દશમા ધર્મગુરુ ગુરુ ગોવંદિસિંહ ત્યારે શીખ ધર્મની ગાદી પર. તેમણે આ જુલ્મોનો સામનો કરવાનો નિરધાર કર્યો. એમણે પ્રતિજ્ઞા લીધી કે — ચીડિયાસે મૈં બાજ ગિરાઉં, બિલ્લી સે મૈં શેર મરાઉં, સવા લાખપે એક ચડાઉં, તબ ગોવંદિસિંહ નામ ધરાઉં. સવા લાખની સામે લડવા નીકળે તેવા એક એક શીખ સિપાહીને હું તૈયાર કરું, તો જ મારું નામ ગોવંદિસિંહ! ગુરુ ગોવંદિસિંહે રણહાક વગાડી. ગુરુની વાણી તો મડદાંને પણ બેઠાં કરે તેવી! ગુરુના એક બોલ પર મરી ફીટવા હજારો જુવાનો થનગની રહ્યા. “વાહ, ગુરુ! વાહ, ગુરુ કી ફત્તહ!”નો હુંકાર કરતા શીખ બેટડા ખડા થઈ ગયા. માથે મોકળા કેશ અને હાથે ચમકતી કિરપાલ-જાણે કેશવાળી ખંખેરી સિંહ જાગી ગયા! ત્યારે એક બૂઢો આદમી એ રણબંકા જુવાનોને ટગરટગર જોઈ રહેતો. લડાઈના મેદાનમાં જવાની તેને જબરી હોંશ હતી. પણ કાયા કામ નહોતી કરતી. નેવું શિયાળા એણે જોઈ નાખ્યા હતા. હાથમાં સાવરણો લઈને એ ગુરુ સાહેબનું આંગણું વાળતો ને બેઠા બેઠા પરમાત્માના ગુણ ગાતો. ગુરુની હાકલ પડતાં આજ સહુ સંગાથે હાલી નીકળી નથી શકાતું, તેનો એને ભારે વસવસો રહેતો. એક દિવસ ગુરુ ગોવંદિસિંહ પાસે આવી, હાથ જોડી એણે કહ્યું : “ગુરુસાહેબ, મારે લડાઈના મેદાનમાં જવું છે. મને આજ્ઞા આપો.” ગુરુ તો બૂઢા સામે જોઈ રહ્યા. તેનો દેહ નર્યો હાડકાંનો માળખો હતો. અંગો ધ્રૂજતાં હતાં. ગુરુએ કહ્યું, “પણ બાબા, તમે રણમેદાનમાં જઈને શું કરશો? તલવાર ઉપાડવાની પણ શક્તિ નથી તમારામાં.” “મારા ગુરુ ખાતર હું માથું ઉતારી આપીશ,” બૂઢાએ કહ્યું. “બાબા, મારા શીખનાં માથાં એવાં સોંઘાં નથી.” થોડી વાર વિચાર કરીને ગુરુએ કહ્યું. “પણ તમે એક કામ કરો. લડાઈના મેદાનમાં ઘાયલ સૈનિકોને પાણી પાવાનું કામ તમારું.” બૂઢો તો રાજી રાજી થઈ ગયો. કાંધે પાણીની મસક ઉપાડીને ચાલી નીકળ્યો. પણ લડાઈના મેદાનમાં બૂઢાની હાજરી ઘણાને સાલવા માંડી. એની વિરુદ્ધની ફરિયાદો સાંભળી ગુરુ ગોવંદિસિંહે પૂછ્યું, “શું એ સોંપેલું કામ બરાબર નથી કરતો?” “ના, રે, ગુરુસાહેબ,” સરદારોએ કહ્યું. “કામ તો એના જેટલું બીજો કોણ કરતો હશે? મણ મણની મસક ઉપાડીને દોટ મૂકે છે. ઘાયલ ને તરસ્યાનું નામ સાંભળીને ઘમસાણ વચ્ચે ઘૂમી વળે છે. નથી ડરતો તીરથી, નથી ડરતો તલવાર કે ભાલાથી.” “ત્યારે? વાંધો શું છે?” “ગુરુસાહેબ, આ બૂઢો ઘાયલ શીખને પાણી પાય છે એમ દોડીને દુશ્મનને પણ પાણી પાય છે. ના પાડતાંયે કોઈનું માનતો નથી. પાણી કોણ માગે છે તે જોયા વગર જ એ તો પાણી પાવા લાગી જાય છે. મુસલમાન સિપાહીને માથે પણ પ્યારથી હાથ ફેરવે છે. એ જોયું નથી જતું, ગુરુસાહેબ!” ગુરુ ગોવંદિસિંહની આંખમાં જળજળિયાં આવી ગયાં. તેમણે બૂઢાને બોલાવ્યો અને શીખ સરદારોની હાજરીમાં પૂછ્યું, “બાબા, તમારી સામે ફરિયાદ આવી છે. તમે મુસલમાનોને પણ પાણી પાઓ છો?” બૂઢાએ હાથ જોડી કહ્યું, “દશમ પાદશાહ, હું તો આપની આજ્ઞાનું પાલન કરું છું. ‘પાણી! પાણી!’નો પોકાર જે કોઈ કરે તેને પાણી પાવા હું દોડું છું. મને બીજી કોઈ ખબર નથી.” બૂઢાના ધ્રૂજતા હાથને ગુરુએ પોતાના પંજામાં લઈ લીધો. આનંદ અને પ્રેમથી છલકાતા સ્વરે કહ્યું, “બાબા! તમે તો શીખ ધર્મને ઉજાળ્યો. ધન્ય છે! આપણી હસ્તીને પડકાર થતાં આપણે તલવાર ઉઠાવી છે. પણ મોતને બારણે કોઈ ભેદ નથી. પાણી માટે તરફડતા હરકોઈ સૈનિકને તમતમારે ખુશીથી પાણી પાજો. અને બાપા, એક બીજી વાત પણ તમારે કરવાની છે…” “આજ્ઞા કરો, ગુરુસાહેબ!” બૂઢો બોલ્યો. “મારા આ સરદારોના લોખંડી દિલમાં પણ તમારું પ્રેમજળ સીંચ્યા કરજો. આપણા ધર્મની તલવાર જેટલી તીખી છે, એટલું જ આપણા અંતરની માટલીનું જળ મીઠું છે, એ તેમને ભૂલવા ન દેતા!”

[‘વૈષ્ણવજન’ માસિક : ૧૯૬૨]