સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/અસહાય

હાંફે એની હજી છાતી, હૈયામાં ત્રાસ-ત્રાસ છે;
ડગલાં લથડે, ઝંખે: ક્યાંયે આશ્રય પાસ છે?
આંખે જીવનની આશા, કાને મોત ધપી રહ્યું;
પડઘે પડઘે એના, આયુ જાણે ખપી રહ્યું.
શિકારી કૂતરા વાંસે, આગે આ સસલી ધસે;
ત્રાગડા જિંદગી કેરા તૂટે તંગ નસે નસે....
કાળા, ક્રૂર જુવાનો બે હુડદાવી રહ્યા હસી—
સુંવાળી સસલી કેવી મોતના મુખમાં ફસી!
આછેરા ઘાસમાં એને ઓથ ક્યાંય મળે નહીં;
આખરે અટકી ઊભી, એનું કાંઈ વળે નહીં.
મૂઢ માનવતા જોઉં ઊભેલી અણુ-ઉંબરે—
કોણ જાણે મને ત્યારે દૃષ્ય આ નજરે તરે!
અને સસલીના શ્વાસે સારી માનવતા કળું:
અણુના ભડકે થાતું આખું આકાશ ધૂંધળું