સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/જનાજો

ખીલી છે ઉપર ચાંદની પૂર બહારે,
અને જાય છે આંહીં નીચે જનાજો.
સુણી વાયરે વાત આછી વહેતી :
ગઈ ગામની ગુલબદન જિંદગાની;
તમે તો નથી જાણતા એ જિગરને,
તમે તો નથી જોઈ એની જવાની :
હજી ગાન ગુંજ્યાં કરે એ ગળાનાં,
હજુ તો હિનાનો તરે રંગ તાજો;
ખીલી છે ઉપર ચાંદની પૂર બહારે,
અને જાય છે આંહીં નીચે જનાજો.
અમે હાથમાં હૈયું રાખી પરાણે
નિહાળ્યું નદીના કિનારે કિનારે :
વહી જાય મોજાં ઉપર માનવીનાં,
અરે, ફૂલનૌકા શું છેલ્લા વિહારે!
દબાતા ડુમે, ડૂસકે સાવ ધીમા
સરે ધ્રૂજતા બંદગીના અવાજો :
ખીલી છે ઉપર ચાંદની પૂર બહારે
અને જાય છે આંહીં નીચે જનાજો.
અને આજ તો ગુલબદન હોત પાગલ,
અને હોત સાજિન્દ બન્દા દીવાના,
હલાવી દઈ ગેબનાં ગુંબજોને
ભરી ચાંદનીમાં તુફાની તરાના :
કહે કોણ પણ આજ દુલ્હન પળી છે
પિયા કાજ આ મૌન પાળી મલાજો!
ખીલી છે ઉપર ચાંદની પૂર બહારે
અને જાય છે આંહીં નીચે જનાજો.
અહો, આજ આકાશ રૂપે રસેલું,
અને શ્વેત ચાદર બિછાવી જમીને!
ભલા, ચાંદ સ્વાગત કરે છે, કહો, ક્યાં?
હસી ચાંદ મુખનું નમીને નમીને :
છબી આજ ઓઝલ બને છે છતાંયે
નિહાળી દિલે નેન દેજો નમાજો;
ખીલી છે ઉપર ચાંદની પૂર બહારે
અને જાય છે આંહીં નીચે જનાજો.