સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/“—એમ કહી શકશે ખરી?”

          સહુથી પવિત્ર સ્ાંબંધ હોય તો તે ભાઈ-બહેનનો છે. “મારો વીર” કહેતાં સ્ત્રીના મુખ ઉપર જે ઉલ્લાસ, જે ગર્વ, જે આત્મીયતા જાગે છે, એ તો દેવોને પણ ઈર્ષા ઉપજાવે. ગુજરાતી ભાષાએ ‘વીર’ એટલે બહાદુર અને ‘વીર’ એટલે ભાઈ, એ બન્નેને જોડીને ભાષાને ભાવની અત્યંત ઉચ્ચ સપાટી પર મૂકી દીધી છે. જે પ્રજામાં વીર બેઠો હોય, એની બહેનો વગડામાંયે નિર્ભય ફરતી હોય. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં હું ભણતો હતો ત્યારે ત્યાં મેઘાણીનો કાર્યક્રમ હતો. એમણે મેના ગુર્જરીનું ગીત ગાયું. તેની એક પંકિત આજે પણ કાનમાં ગુંજે છે. મેના બાદશાહને સંભળાવે છે— મુને ન જાણીશ એકલી મારા ગુર્જર ચડે નવ લાખ રે! “બાદશાહ, મને અેકલી જાણીને ઉપાડી જવાની ગુસ્તાખી કરતો હો, તો રહેવા દેજે. મારા નવ લાખ ગુર્જરો તારું પગલું દબાવતા આવશે અને તને ધૂળ ચાટતો કરી દેશે.” પછી કોલેજના વિદ્યાર્થીઓ તરફ આંગળી ચીંધી મેઘાણીએ કહ્યું: “આ કોલેજની કોઈ પણ છોકરીની છેડતી થાય, તો તે ગુંડાને એમ કહી શકશે ખરી કે, મારી પાછળ મારા પાંચસો વીર બેઠા છે; તારી ખો ભુલાવી દેશે?”