સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિભાઈ પટેલ/થેલીમાંથી ડબ્બો કાઢીને...

          હું હોસ્ટેલમાં હતો ત્યારે અમારે વિદ્યાર્થીઓને એક ‘સોવેનિયર’ બહાર પાડવું હતું. તેમાં મુખ્ય મંત્રી તરીકેનો શુભેચ્છા સંદેશ લેવા અમે ગાંધીનગર ગયેલા. ત્યારે બાબુભાઈ કહે, “તમારી ભાવના સારી છે, પણ એટલા માટે અહીં સુધી ધક્કો શા માટે ખાધો? કાગળ લખ્યો હોત તોપણ સંદેશો મોકલી દેત.” તરત જ સંદેશો લખાવી, ટાઇપ કરાવીને ત્યાં ને ત્યાં અમને આપી દીધો... પણ વાત અહીં પૂરી થતી નથી. અમારું સોવેનિયર પ્રસિદ્ધ થાય તે પહેલાં બાબુભાઈની સરકાર ગઈ! ત્યાં તો બાબુભાઈનો પત્ર આવ્યો કે, હવે હું મુખ્ય મંત્રી નથી, માટે મારા સંદેશા નીચે ‘માજી મુખ્ય મંત્રી’ લખશો. ૧૯૯૦માં મોરબીથી વિધાનસભામાં ચૂંટાયા પછી બાબુભાઈએ ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં નર્મદા ખાતાનો હવાલો સંભાળેલો. તે વખતે ૮૦ વરસના બાબુભાઈ નિયમિત મોરબી જઈ પોતાના મતવિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળતા. એ જોઈને મુખ્ય મંત્રી ચીમનભાઈ એક વાર રમૂજમાં બોલેલા કે, બાબુભાઈ આ ઉંમરે છેક મોરબી સુધી નિયમિત જાય છે, પણ મારાથી અહીં નજીક ઊઝા સુધી જવાતું નથી, એટલે લોકો મારી ટીકા કરે છે! એક વાર મજૂર મહાજનના કાર્યક્રમમાં તેઓ વહેલા આવી ગયા, એટલે મેં કહ્યું કે, બાબુભાઈ, તમે વહેલા છો. તો મને કહે કે, “મારે હજુ ખાવાનું બાકી છે; ખાઈશ ત્યાં સુધીમાં સમય થઈ જશે.” એટલે મારી મૂંઝવણ વધી ગઈ કે એ સમયે બાબુભાઈને શું ખવડાવવું? પણ ત્યાં તો એમણે થેલીમાંથી ડબ્બો કાઢીને નાની ભાખરી ખાવા માંડી!