સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ હ. પટેલ/આધુનિકતાનો એરુ આભડી ગયો છે

          કપાઈ ગયાં છે મારાં ખેતરો, વચ્ચે પડી છે ઊભી સડક. ભરચક મકાઈમોલથી મલકાતાં એ ખેતરો વચ્ચે, રખવાળી કરવા દાદાએ બાંધેલા, ઊચા છાપરિયા માળા ઉપર બેસીને અમે ભણતરના પાઠ ગોખતા ને ડોડા શેકી ખાતા. એ માળાનું ઉલાળિયું કરી મેલતી અને વગડાવાટે પડેલી કાળી નાગણ જેવી વળ ખાતી સડક ઉપરથી આજે તો ટનબંધ માલ લાદેલા ખટારા પસાર થાય છે. જે ખેતર વચ્ચે બે ભાઈઓ સાથે કામ કરતા હતા ને શેઢે બેસી બપોરનાં ભાતાં ખાતા હતા તે ખેતર વહેરાઈ ગયું. એક ખેતર ઓલી પા, એક આણી મેર. જુદા પડી ગયા બેઉ ભાઈઓ. ઉઘાડિયાં-ત્રિકોણિયાં કપાયેલાં ખેતરોમાં હવે મોલ લહેરાતા નથી, માળા બંધાતા નથી, નવી પેઢીનાં પોતરાં ત્યાં પાઠ કરતાં નથી ને ભાઈઓ ભેળા બેસીને ભાતાં ખાતા નથી. હું જોઈ રહ્યો છું વખતના ખેલ ને ભણી રહ્યો છું જીવતરના પાઠ. બંધાઈ ગયો છે ડેમ મારી મહીસાગરને માથે. પુરાઈ ગયાં છે કોતરો. ધરતીના ખોળામાં આડાપડખે થયેલાં છેલ્લાં વૃક્ષોને તાણી ગયાં છે પાછલાં પૂર. ‘વૃક્ષો ગંધાય, વૃક્ષો ખાઉં’ કહેતો કોઈ શહેરી બકાસુર ધરણી ધમરોળતો ફરી રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી ઊઠી ગયાં છે ગામડાં. ભરખાતાં જાય છે જંગલો ને તૂટતી જાય છે ભેખડો. લુણાવાડાથી ઊટ પર ઘરનું કરિયાણું ભરી લાવતો ધૂળો બારિયો એના ઊટ સાથે જીવતરને વેચીને લમણે હાથ દઈને બેઠો છે, યમના તેડાંની રાહ જોતો. ભરચક નદીમાં બારેમાસ હોડી ફેરવીને ઘર-ગામ નિભાવતો રામજી હોડી મૂકીને ડુંગરો પાર ચાલ્યો ગયો છે. હોડી ખાલી હૈયા જેવી સૂનમૂન પડેલી છે ને ખાલીખમ નદીમાં રાક્ષસોનાં માથાં જેવી શલ્યાઓ બહાર આવી ગઈ છે. પાણીને વહેવાનું સાંભરે છે ને તડપતી માછલી જેવાં આ છટપટાતાં પાણી વહેવા માટે ઝાવાં નાખે છે. વઢાઈ ગયો છે મારો વગડો. બાંડો થઈ ગયો છે કોથળિયો ડુંગર. સમ ખાવા આપેલી એક કાચી નહેર સીમમાંથી એ રીતે વહે કે ઊચાં ખેતરોને પાણી જ ન મળે... ને નીચાં ખેતરમાં એની ઝમણ એટલી કે ભોંય ભેજમાં લથબથ રહે. એટલે કશું પાકે જ નહીં. આવાં ઝમતાં પાણીએ સૂકવી નાખ્યાં છે અમારાં વૃક્ષો. એક વખતે પાણી વિના ટળવળતાં વૃક્ષો-ખેતરોને હવે ‘પાણી લાગ્યું’ છે ને એ સુકાઈ ગયાં છે. ગોરવાળો આંબો હોત ત્યાં હવે ખાડો બચી ગયો છે. લાડવો આંબો ઠંૂઠા જેવો ઊભો છે. ધણને પોરો ખાવાની જગ્યા નથી રહી. તળાવ પુરાયું ને વડલા વીંખાયા. લીમડા પાંખા પડ્યા. બદલાઈ ગયું છે મારું ગામ. ત્યારે તો ચોમાસામાં લીલછાઈ જતી ટેકરીઓના ઢોળાવો ને સીમની લીલાશ જોતાં થતું કે મારો મલક રૂડોરૂપાળો છે. ને આજે? સાપણ સડકો ને વેરી વીજળીના તાર મારા ગામમાં એક વરવું ‘વિલાયત’ લઈ આવ્યાં છે. શહેર મારી ધૂળિયા શેરીઓમાં ડોકાવા લાગ્યું છે. પડસાળો પડી ભાંગી છે ને ગાલ્લાં પછીતમાં મુકાઈ ગયાં છે. બળદો વેચાઈ ગયા છે. ટ્રેક્ટરો ખેતરો ખેડે છે. હવે બાજરી-મકાઈના જમાના જ ગયા. રોકડિયા પાક લેવાના, ને ખાવાનાં ધાન બજારથી લાવવાનાં. ખાવાનાં અન્ન પકવવાં મેલીને કણબી વરિયાળી વાવે છે—દૂરના મલકને મુખવાસ સારુ. દવાઓ છાંટીને ઝેર પકવવામાં લોકો માહેર થયા છે. હું કોઈ પરાયા મુલકમાં આવ્યો હોઉં એમ પેલી ધૂળી નિશાળને, બાવરો બનીને, આધાર પામવા શોધું છું. ચૂંટણીએ વાવેલાં વેરઝેરનાં બીજ રાતોરાત વાડવેલા થઈને વધતાં જાય છે. ટીવીમાં મેચ ચાલે છે ત્યારે પ્રૌઢો પણ રન પૂછે છે ને ‘વડો પ્રધાન નરસીરાંમ? મારો હાળો મેંઢો સે’—થી લૈને રોજના રાજકારણની વાતો કરે છે. ગામની નેંહાળમાં આવેલી નવી મ્હેતીને મોટિયારો જોવા જાય છે. ગામમાં વધુ ટીવી ચેનલો સારુ ડિશ લાવવા ફાળો ઉઘરાવાય છે. વૃક્ષો કપાઈ ગયાં છે, નદી નથાઈ ગઈ છે... સીમ સૂની પડી છે. એકવીસમી સદીનો એરુ મારા ગામને આભડી ચૂક્યો છે. [‘સમકાલીન’ દૈનિક: ૧૯૯૮]