સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુસૂદન કાપડિયા/જીવન પર પ્રભાવ પાડનારાં

          પોતાના જીવન ઉપર કયાં પુસ્તકોનો પ્રભાવ પડ્યો તેનું આલેખન કરતા લેખો મેળવીને પ્રીતિબહેન શાહે ‘પીધો અમીરસ અક્ષરનો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તક અપરંપાર સમૃદ્ધિથી સભર છે. માત્ર આ એક જ પુસ્તકના વાચનથી બીજાં અનેક પુસ્તકોનો પરિચય મળી જાય છે. સૌથી મૂલ્યવાન તો છે કેટલાંક પુસ્તકોમાંથી ટાંકેલાં મધુર અવતરણો. લાભશંકર ઠાકરે ઇબ્સનના ‘એ ડોલ્સ હાઉસ’ની વિસ્તારથી વાત કરી છે. તમે જો આ નાટ્યકૃતિ વાંચવાના ન હો તો આ લેખ અચૂક વાંચજો. લા. ઠા.એ એનો મર્મ અને એનું રહસ્ય એટલાં ઉત્કૃષ્ટ રીતે પ્રકટ કર્યાં છે કે જાણે આપણી સમક્ષ એ ભજવાતું હોય એવો આસ્વાદ મળે છે. નોરાનું પાત્ર સજીવન થઈ જાય છે. નોરા [તેના પતિને] કહે છે : “પાપા મને તેમની ‘ડોલ-ચાઇલ્ડ’ કહેતા અને મારી સાથે રમતા. જેમ હું મારી ઢીંગલીઓ સાથે રમતી. અને હું તમારી સાથે રહેવા આવી ત્યારે, પાપાના હાથમાંની ઢીંગલી તમારા હાથમાં ટ્રાન્સફર થઈ. હું તમારી ઢીંગલી-વહુ બની રહી અને બાળકો મારી ઢીંગલીઓ. આ છે આપણો લગ્નસંસાર.” નોરા ઘર છોડીને ચાલી જાય છે, નીચેથી બારણું બંધ થવાનો ધમ અવાજ આવે છે. કહે છે કે રંગમંચ પર આ બારણું બંધ થવાથી આખું યુરોપ કંપ્યું હતું. હરિભાઈ કોઠારીનો ‘ગીતા પંથપ્રદીપ’ આ સંકલનના ઉત્તમ લેખોમાંનો એક છે. શંકરાચાર્યથી ગુણવંત શાહ સુધીના ‘ગીતા’નાં ભાષ્યો અને ‘ગીતા’વિષયક અનેક છૂટાછવાયા લેખો વાંચ્યા પછી પણ આના જેવો સંક્ષિપ્ત, સરળ અને વિશદ લેખ મેં ભાગ્યે જ વાંચ્યો છે. સુસ્મિતા મ્હેડ આનંદશંકર ધ્રુવનો એક પ્રસંગ ટાંકે છે કે તેમના ઘરમાં એક વખત આગ લાગી. તે સમયે આચાર્યશ્રીએ ગર્ભશ્રીમંત કુટુંબની માલમત્તા, તિજોરી કે ઝવેરાતને બદલે ઝપાટાભેર પોતાનાં બધાં જ પુસ્તકો ખસેડાવી બીજા ઘરમાં મૂકી દીધાં. ઉત્તરવયે તે પરિમલ સોસાયટીના ‘વસન્ત’ બંગલામાં રહેતા હતા. અંતિમ દિવસોમાં પોતાના મિત્રવત્ શિષ્ય રતિલાલ ત્રિવેદી પાસે તેમણે એક અભિલાષા વ્યક્ત કરી : “રતિભાઈ! મને એવો વસન્તોત્સવ ઊજવવાનું મન થાય છે કે પોળના ઘરનાં બધાં જ પુસ્તકો ગોઠવી, નમસ્કાર કરી એક પાટિયું મુકાવું કે The‘e have made me. રાધેશ્યામ શર્મા આનંદશંકર ધ્રુવના વિષાદને મૂર્ત કરે છે : “આનંદશંકર ધ્રુવ જેવા ગંભીર પંડિતે એક મોટા ગ્રંથાલયમાં ઊભા રહી, પુસ્તકો સામે હાથ લંબાવી, શકુન્તલાને નીરખી દુષ્યંતે કાઢ્યા હતા તેવા રસિક શ્લોક-ઉદ્ગારથી ચિંતા વ્યક્ત કરી હતી : ન જાને ભોક્તારમ્ : આ સર્વને કોણ ભોગવશે? ન જાણે!” આ સંકલનમાં સંપાદકના લક્ષ્યને સંપૂર્ણ વફાદાર રહીને લખાયેલો લેખ છે તે તખ્તસિંહ પરમારનો : ‘સંસ્કારબીજનું વાવેતર.’ કોલેજકાળ દરમિયાન વાંચેલાં અનેક ઉત્તમ પુસ્તકોની માત્ર યાદી જ આપીને, એના પ્રભાવનો સહેજ ઉલ્લેખ કરીને, લેખક ઉમેરે છે : “સંસ્કાર-બીજ-નિક્ષેપ તો બાળપણમાં જ થાય છે. આપણે ફળઝાડ વાવ્યાં હોય તેની માવજત કરવી જોઈએ. બીજ રોપ્યા પછી અંકુર ફૂટે તેને સાચવવા વાડોલિયું કરવું જોઈએ, જલસિંચન કરતા રહેવું જોઈએ. સારો ફાલ મેળવવા ખાતર આપતા રહેવું જોઈએ. યુવાવસ્થા-પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થામાં વાંચેલું સાહિત્ય એ વાડોલિયા-જલસિંચન ને ખાતરનું કાર્ય કરે છે. બીજનિક્ષેપ તો થાય છે નાનપણમાં વંચાયેલા સાહિત્યથી.” અને પછી લેખક આપણને બાળપણનાં પ્રિય કાવ્યો ને કથાઓની સહેલગાહે લઈ જાય છે. ન્હાનાલાલનું ‘સાચના સિપાઈ’, “મને તો ગમે મારી સારી કુહાડી, ભલાં માત દો પાણી માંહેથી કાઢી”નો ભુજંગી છંદ. આવી બાળપણમાં વાંચેલી બીજી અનેક કૃતિઓની સ્મૃતિને તખ્તસિંહ પરમારે મધુર રીતે નિરુપી છે. છેલ્લે, પુસ્તકો માટેના વર્ષા અડાલજાના શબ્દો રત્નચિંતામણિ જેવા છે : “…જીવનના આરંભકાળમાં આ પુસ્તકોએ ખૂબ આનંદમાં સમય ગુજારવામાં સાથ આપ્યો. બસ એટલું જ? ના. જીવનની દરેક સ્થિતિને સ્વીકારીને હસતાં શીખવ્યું. ‘ખૂલ જા સિમસિમ’ કહેતાં એક અદ્ભુત નિરાળી દુનિયામાં પુસ્તકોએ મારો પ્રવેશ કરાવ્યો. ન વીસા, ન પાસપોર્ટની જરૂરત. બેરોકટોક ગમે ત્યારે ગમે ત્યાં જઈ આનંદથી વિહરી શકાય. પુસ્તકપ્રેમે એકાંતને ચાહતાં શીખવ્યું. પુસ્તકોએ ઘણું ઘણું આપ્યું છે. એકાદ પાનામાં સમાઈ જતા કાવ્ય માટે ક્યારેક આખું હૃદય નાનું પડતું હોય છે. પુસ્તકો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે. એણે બાંધેલા ભવ્યાતિભવ્ય પ્રાસાદો જમીનદોસ્ત થઈ ગયા, પરંતુ આ સર્જન કાળની થપાટો ખાઈને અડીખમ ઊભું છે. એના ગઢની એક કાંકરી પણ ખરી નથી.”

[‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ : ૨૦૦૫]