સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુસૂદન હી. પારેખ/ઝવેરાતના પારખુ

          મારા પિતાશ્રી હીરાલાલ ત્રિ. પારેખનો જન્મ ૧૮૮૨માં. કિશોરાવસ્થાથી જ તેમને ઇતિહાસનો વિષય અત્યંત પ્રિય હોવાથી જૂના સિક્કા, હસ્તપ્રતો, શિલ્પસ્થાપત્ય વિશે તેમને તીવ્ર જિજ્ઞાસા રહેતી. શાળા-જીવન દરમિયાન તેમને સાહિત્યની કંઈ વિશેષ અભિરુચિ હોય એમ જણાતું નથી, પણ પાછળથી એ શોખ ખૂબ ખીલ્યો. કોલેજના અભ્યાસકાળમાં એમને ઉત્તમ કોટિના વિદ્વાનોનો લાભ મળ્યો. અમદાવાદમાં એ સમયે દયારામ ગીદુમલ જજ હતા. તેમણે અભ્યાસવાંછુ યુવકો સાથે અંગ્રેજી સાહિત્ય વાંચવાની ઇચ્છા પ્રકટ કરી, અને આચાર્ય આનંદશંકર ધ્રુવે તેમને સૂચવેલા વિદ્યાર્થીઓમાં મારા પિતા તથા દાદાસાહેબ માવળંકરનાં નામ પણ હતાં. આ સત્સંગથી તેમની સાહિત્યાભિરુચિ કોળી. એમના યુવાન હૃદયમાં એ સમયે ઉત્સાહનો થનગનાટ હતો. વિવિધ પ્રકારનું સાહિત્ય ગુજરાતમાં નિર્માણ કરવાનાં સ્વપ્નો તે સેવી રહ્યા હતા. કોલેજ પૂરી કર્યા પછી પિતાશ્રીની ઇચ્છા પુસ્તકવિક્રેતા અને પ્રકાશક થવાની હતી. ૧૯૧૦માં તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હવે ગુજરાત વિદ્યાસભા)ના સહાયકમંત્રી નિમાયા પછી ગુજરાતી સાહિત્યનો વિકાસ, જ્ઞાનકોશ, શબ્દકોશ વગેરેની તેમના ચિત્તમાં પડેલી યોજનાઓ સળવળાટ કરવા માંડી. પરદેશમાં પ્રગટ થતા સાહિત્યપ્રકારો પર તેમ જ કેળવણી, વિજ્ઞાન, ધર્મ, રમત, કળા વગેરે વિષયનાં સામયિકો પર તેમનું સતત લક્ષ રહેતું. એવાં સામયિકો ગુજરાતી ભાષામાં પણ પ્રગટ થાય તે જોવાની તેમની અભિલાષા હતી. એટલે ગુજરાતમાં ક્યાંક પણ કળા કે સાહિત્યનો પ્રયોગ કરતું સામયિક નજરે ચડે તો તેમના ઉમળકાનો પાર ન રહેતો. નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન આપી, પ્રકાશમાં આણવા તે હંમેશાં તત્પર રહેતા. ગિજુભાઈ બધેકા એક ખૂણે બાળકેળવણી દ્વારા ભાવિ પ્રજાના ઘડતરની મૂગી પ્રવૃત્તિ કરતા હોય, કે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય માટે ભેખ ધરીને સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ઘૂમતા હોય—પિતાશ્રીની નજર સતત તેવી પ્રવૃત્તિ પર મંડાયેલી જ હોય. સંસ્કારસેવકોમાં કે સાહિત્યકારોમાં રહેલું ઝવેરાત પારખવાની તેમની શકિત અદ્ભુત હતી. ગુજરાતી પ્રજામાં વાચનનો શોખ કેળવાય અને પુસ્તકોનો પ્રજામાં બહોળો પ્રસાર થાય તેની યોજનાઓ ઘડતાં તે થાકતા નહીં. પુસ્તકાલયો ઊભાં કરી, તેમને સમૃદ્ધ કરી, પ્રજાને તેનો અમૂલ્ય લાભ આપવા અંગે એવા જ ભેખધારી શ્રી મોતીભાઈ અમીન સાથે તે કૈંકૈં યોજનાઓ ચલાવ્યા કરતા. પોતાના પ્રાણરૂપ એવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ લખવાની એમની ઝંખના ૧૯૩૦ પછી પાર પડી. સોસાયટીના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનારા સંસ્કારસેવકો વગેરેની માહિતી તો એમાં છે જ; તદુપરાંત પ્રજાના સામાજિક ઇતિહાસ તરીકે પણ તેનું મૂલ્ય ઘણું છે. એમની બીજી સિદ્ધિ તે ત્રણ ભાગમાં લખાયેલો ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’નો ગ્રંથ છે. વર્ષોની મહેનતથી એકત્ર કરેલાં સેંકડો અવતરણો, કાપલીઓ અને લેખોની સામગ્રી તથા કેટલાંય પુસ્તકોના અભ્યાસ પછી તેમણે સર્જેલા આ ગ્રંથમાં ૧૮૦૧થી ૧૯૩૬ સુધીના રાજકારણ, સાહિત્ય, કેળવણી, પત્રકારત્વ વગેરે પાસાંનો ચિતાર આપેલો છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના નવ ભાગમાં લેખકોના જીવનપરિચય ઉપરાંત ગુજરાતમાં પ્રગટ થતા ઉત્તમ સાહિત્યના નમૂનાનો સમાવેશ કરીને તેમણે તેને મૂલ્યવાન બનાવ્યા છે. [‘કુમાર’ માસિક: ૧૯૬૫]