સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખ સલ્લા/સંજીવનીનાં મૂળ

          કેળવણ્ાીનું ધ્યેય ચારિત્ર્યનો સર્વાંગી વિકાસ હોય છે. એ માટે જોઈએ જાગ્રત, જ્ઞાનનિષ્ઠ અને કરુણાવાન શિક્ષકો. એમનાં વાત્સલ્ય અને પ્રેમ વિદ્યાર્થીના હૃદયને ખીલવવામાં પોષક બને. કેળવણીનો આ આદર્શ લોકભારતીમાં રહ્યાં રહ્યાં મેં અનુભવ્યો, તેનો પરિચય કેટલાક પ્રસંગો પરથી આપવો ઠીક થશે. આમાંથી લોકભારતીની સંજીવનીનાં મૂળ ક્યાં છે તેનો પરિચય પણ મળી શકશે. ૧૯૬૦ના જૂનમાં હું ઉચ્ચ અભ્યાસ માટે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ (સણોસરા)માં આવ્યો. નાનાભાઈ ભટ્ટના ઘર પાસે અમારું છાત્રાલય હતું. તેમના ઘરમાં કોઈ મોટેથી વાત કરતું હોય તો અમે સાંભળી શકીએ એટલા નજીક. અમારી બારીથી ૬-૭ ફૂટ દૂર સવારે તડકામાં નાનાભાઈ ખુરશીમાં બેસે. ઘરમાંથી તેમને ખુરશીમાં લાવે—લઈ જાય. તેમના સાથળનું હાડકું ભાગ્યું હતું તેથી તેઓ ચાલી શકતા નહીં. નાનાભાઈના મૃત્યુ પહેલાંનો લગભગ ત્રીજો મહિનો (ઓક્ટોબર ૧૯૬૧). વિદ્યાર્થીઓ સાથે પ્રાર્થનામાં બેસવાનો નાનાભાઈ સતત આગ્રહ રાખતા હતા. ડોક્ટર અને કુટુંબીજનો ના પાડતાં હતાં. એક દિવસ સૌ સંમત થયાં. તેમના ઘર પાસેનાં છાત્રાલયના આંગણામાં નાનાભાઈને ઊચકીને લાવ્યા. પ્રાર્થના શરૂ થઈ. થોડી વાર પછી મેં આંખ ખોલી: નાનાભાઈની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. થોડી વારે નાનાભાઈ સ્વસ્થ થયા. પ્રાર્થના પછી બોલવાની તેમની ઇચ્છા હતી. શબ્દો છૂટા છૂટા પણ મક્કમ હતા: “તમને સૌૈને મળવાની બહુ ઇચ્છા હતી. મને ઊચકીને લાવ્યા ત્યારે હું અહીં આવી શક્યો, એવી મારી તબિયત છે. પણ ઊચકાવાનું મને ગમતું નથી. હું મદ્રાસ ગયો હતો. ત્યાંથી સ્ટીમર પકડવા માટે હાથરિક્ષામાં બેસું તો જ પહોંચાય તેમ હતું. મેં ના પાડી. માણસ ખેંચે અને હું તેમાં બેસું તે મને ન શોભે. એ સ્ટીમર મેં જતી કરી. તમે તો યુવાન છો. આદર્શોમાં બાંધછોડ ન કરતા.” વળી તેમની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. અવાજ તૂટવા લાગ્યો, “પરિસ્થિતિ તો પ્રતિકૂળ હોય, પણ આપણાપણું કેમ છોડી શકીએ?” મેં પ્રત્યક્ષપણે સાંભળેલા તેમના આ છેલ્લા શબ્દો હતા. ૩૧ ડિસેમ્બર, ૧૯૬૧, સવારના લગભગ ૧૦-૧૫. નાનાભાઈનું અવસાન થયું. અગ્નિદાહ થયો સાંજે ૫-૩૦ વાગ્યે. મનુભાઈ પંચોળી થોડી થોડી વારે આંખ લૂછતા હતા. તેમનું નાક અને આંખ લાલ થતાં જતાં હતાં. અંતિમ દર્શન વખતે નાનાભાઈનાં ચરણોમાં ફૂલ અર્પણ કરતી વખતે મનુભાઈ મોટેથી રડી પડ્યા. સાંજે સ્મશાનેથી આવી, નાહી, જમી, પ્રાર્થના પહેલાં અમે ફરવા નીકળ્યા. મૂળશંકરભાઈના ઘરની બારી પાસે બે-ત્રણ વિદ્યાર્થીઓ ઊભા હતા. અંદર ઓરડામાં મૂળશંકરભાઈ સિતાર વગાડતા હતા. (તેઓ સંગીત વિશારદ હતા, પણ તેમણે ઘણા વખતે સિતાર વગાડી હતી.) લગભગ ૨૦-૨૫ મિનિટ હું ત્યાં ઊભો રહ્યો. શાસ્ત્રીય રાગની મને કશી ગતાગમ નહોતી. એ સૂરો એટલો અનુભવ કરાવતા હતા કે સિતાર વાટે કોઈક રડી રહ્યું છે. ૧૯૭૬નો પ્રસંગ. બુચભાઈનાં પત્ની પુષ્પાબહેનનું હૃદયરોગથી અવસાન થયું. (લોકભારતી પરિવાર તેમને માસીને નામે ઓળખતો.) બપોરે અઢી વાગ્યે એટેક આવ્યો. બુચભાઈ ત્યારે વર્ગમાં હતા. વિગત જાણી ઘરે આવ્યા. થોડી ક્ષણો સ્તબ્ધ શા ઊભા રહ્યા. પછી બેસી ગયા. આંસુ એક વાર પાંપણની ધાર ઓળંગી ગયાં. પછી આખો પ્રસંગ જાણે બીજા કોઈનો હોય તેટલી સાહજિકતાથી બધું જોતા-સાંભળતા રહ્યા. ૭૦ વર્ષની વય, હવે પછીનું એકાકી જીવન—કશુંય તેમની સ્વસ્થતાને ડગાવી શકતું ન હતું. ભાવનગરમાં મૂળશંકરભાઈને માસીના સમાચાર મોડા મળ્યા. તેઓ લોકભારતી પહોંચ્યા ત્યારે અગ્નિદાહ થઈ ગયો હતો. મૂળશંકરભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મૂળશંકરભાઈને લોકભારતીનો પરિવાર ‘ભાઈ’ એવા આત્મીય સંબોધનથી ઓળખતો. ત્રીજા (અંતિમ) વર્ષમાં ભાઈ અમારા ગૃહપતિ હતા. રાત્રે હાજરી પછી કાંતણ હોય. થોડા દિવસ સરખું ચાલ્યું. પછી વિદ્યાર્થીઓની હાજરી પાતળી થતી ગઈ. ભાઈ કાંતતા હોય. ચારપાંચ દિવસ ગયા. ન ઠપકો, ન ઉપદેશ. એક દિવસ વાત શરૂ કરી, હરિવલ્લભ ભાયાણીની ‘શબ્દકથા’ની. બીજા દિવસે દિલખુશભાઈ દીવાનજીની, ક્યારેક ગાંધીજીની, તો ક્યારેક નાનાભાઈ ભટ્ટની. ‘માનવીની ભવાઈ’ની વાત આવે, તેમ દાંપત્યજીવનની વાત પણ છણે. એમાંથી પ્રશ્નો જાગ્યા. એનું ફલક વિસ્તર્યું. એક વિદ્યાર્થીએ બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને. કાંતણમાં સંખ્યા વધવા લાગી. વિદ્યાર્થીમંડળની ચૂંટણી હતી. અમે છેલ્લા વર્ષમાં. મેં મહામંત્રી તરીકે ઉમેદવારી નોંધાવેલી. પ્રતિપક્ષી પણ અમારા વર્ષના જ. બધાં છાત્રાલયો બે જૂથમાં વહેંચાઈ ગયાં. ઉમેદવારો કરતાં ટેકેદારોનો ઉત્સાહ વધુ હતો. તેમાંથી કટ્ટરતા જન્મી. શૈક્ષણિક મૂલ્યો છૂટી ગયાં. ભાઈ મુખ્ય ગૃહપતિ તરીકે વિદ્યાર્થીમંડળના પ્રમુખ પણ હતા. ચૂંટણીનાં તંદુરસ્ત ધોરણો વિશે તેમણે પ્રાર્થના—પ્રવચન આપ્યું. બાજી સુધારવા અમને એક દિવસની મહેતલ આપી. પણ અમારી આંખે હરીફાઈનાં પડળ ચડ્યાં હતાં. અમે પાછા ન વળ્યા. બીજો દિવસ. સાંજે હાજરી પછી ભાઈ બોલ્યા, “મને લાગે છે કે તમારે હવે ગૃહપતિની જરૂર નથી. તમે પૂરતા તૈયાર થઈ ગયા છો. હવેથી તમારા કોઈ ગૃહપતિ નહીં હોય. તમારી મેળે છાત્રાલય ચલાવજો. હું આવતી કાલથી બાલવાડીનો ગૃહપતિ થઈશ.” સોપો પડી ગયો. પોતાને ઘેર ગયા. અમારી વચ્ચે વલોણું ચાલ્યું. મોડી રાત સુધી સાથે બેસી શિંગ-ગોળ ખાતાં ખાતાં અમારામાંથી બિનપક્ષીય ગંગારામ સર્વાનુમતે મહામંત્રી તરીકે પસંદ થયા. મનુભાઈ અમને અંતિમ વર્ષમાં ‘યુરોપનો ઇતિહાસ’ ભણાવે. તેમને વારંવાર બહારગામ જવાનું થાય. સમયપત્રક આરામ કરે. આવીને રાત્રે પોતાને ઘેર કે વહેલી સવારે સોનમહોર નીચે વર્ગો લે. જઈએ ત્યારે કોઈ દળદાર અંગ્રેજી પુસ્તક વંચાતું હોય. એક વાર પૂછી બેઠા: “તમે તો ઇતિહાસના અભ્યાસી છો. આટલાં વર્ષોથી ભણાવો છો, તોય તમારે વર્ગ પહેલાં વાંચવું પડે?” તેમણે તેમની વેધક આંખો અમારા પર માંડી. કહે, “એક પાનુંય વાંચ્યા વિના પાંચ વર્ષ ભણાવી શકું એટલું મેં વાંચ્યું છે. યાદ પણ સારું રહે છે. પણ મારો નિયમ છે કે દર વર્ષે નવું પુસ્તક વાંચવું.” સહેજ અટક્યા. “અધ્યયન કાયમ તેજસ્વી રહેવું જોઈએ.” પછી વર્ગ શરૂ થયો. રાત્રે આઠ વાગ્યે શરૂ થયેલો વર્ગ સવા દસે પૂરો થયો. મનુભાઈ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ‘રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ ભણાવતા. વર્ગો પૂરા નહીં લઈ શકેલા. તેથી સઘન અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માતૃધારા સંસ્થામાં બોલાવ્યા. મકાનો હજુ ચણાતાં હતાં. એક જ મકાનમાં દીવાલો ઉપરાંત ધાબું હતું. બારીબારણાં બાકી હતાં. તેમાં જ નિવાસ, વર્ગખંડ અને વરસાદ વખતે ભોજનખંડ. તેના એક ખૂણામાં મનુભાઈનો પલંગ. બાકી અમે સૌ લાદી વગરના ભોંયતળિયે, દરરોજ રાત્રે રેતીની વધઘટ કરીને સૂઈએ. મનુભાઈ દરરોજ ત્રણ તબક્કે વર્ગો લે. શિશુને જોઈને માતાની છાતીમાં પાનો ચડે, તેમ વર્ગમાં મનુભાઈમાં વિચારો ઊભરાય. સમય ઓછો પડે. પ્લેટો, મેકિયાવેલી, રુસો, મિલ, હેગલ કે માક્ર્સને પહેલા સ્થાપે, પછી નિર્મમ રીતે મૂલવણી કરે. સાર ગ્રહે, ફોતરાં ઉડાડી મૂકે. વિચારના વિકાસક્રમ સાચવીને વર્તમાન પ્રશ્નો દ્વારા વિશ્લેષણને જીવંત બનાવે. અવતરણો અને ઉદાહરણો અનાયાસ વણાય. ગાંભીર્ય, હળવાશ, પુણ્યપ્રકોપ, ચિંતનની સહોપસ્થિતિ રચાય. વર્ગો સિવાયના સમયમાં ક્યારેક પૂર્વતૈયારીરૂપે વાંચે. ક્યારેક રસોઇયા બહેનને ભાખરીનો લોટ કેમ બાંધવો તે બતાવે. રેતી ચળાતી હોય તો તેનાં તગારાં ઉપડાવે. ઈંટો ફેરવવાની લાઇનમાં જોડાય. એક દિવસ તાવ હતો. વિદ્યાર્થીઓની ‘ના’ ગણકાર્યા વિના વર્ગો લીધા, ઈંટોની લાઇનમાં પણ જોડાયા. તેમને લાઇનમાંથી બહાર કાઢવા અંતે વિદ્યાર્થીઓ આરામ કરવાને બહાને બેસી ગયા. ભોજનમાં એક દિવસ લાપસી કરવાનું ઠર્યું. વધુ ખર્ચ ન પોસાય તેથી તેલ વાપરવાનું હતું. તેમને ખબર પડી. આગ્રહ કરીને ઘી મંગાવ્યું. ઘીનું ખર્ચ સંસ્થામાં નખાવ્યું. કહે, “આ ઉંમરે છોકરાં ઘી નહીં ખાય તોે શું મારી ઉંમરે ખાશે?” એક રાતે ‘ઝેર તો પીધાં’ના ત્રીજા ભાગનાં અપ્રગટ છેલ્લાં બે પ્રકરણ વાંચ્યાં. બીજી રાતે એન્ડરસનની વાર્તા કહી. ત્રીજી રાતે પત્તે રમ્યા. ચોથી રાતે ગામના ચોકમાં વાર્તા કહી. ક્યારેક બેલ વગાડનાર ઊઘતોે રહે તો સવારે બેલ પણ વગાડે ને જગાડે! આ બધાંની સાથે પત્ર કે લેખ લખવા, સંસ્થાની વિગતો કાળજીપૂર્વક સાંભળવી, અનુભવ આધારિત સૂચનો કરવાં—બ્ાધું ચાલુ હોય.

[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૫]