સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/અંતરદેવતાને

From Ekatra Wiki
Revision as of 11:31, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હું કોને માટે લખું છું તેનો જવાબ સીધેસીધો આપવો મુશ્કેલ છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હું કોને માટે લખું છું તેનો જવાબ સીધેસીધો આપવો મુશ્કેલ છે; પણ મેં કેમ ને ક્યારે લખ્યું તેમાં કદાચ એનો જવાબ આવી જશે. પહેલું લખાણ મેં ચોથી કે પાંચમી ચોપડી ભણતો હોઈશ ત્યારે લખ્યું હતું. ગામડાગામમાં રામલીલા આવેલી. સાત રાત સુધી તે ભજવાય. ગામ આખું જોવા હલકે. આના કેફમાં એક નાટક લખી કાઢેલું. પરશુરામે પિતાની આજ્ઞા મુજબ માતાનો વધ કરેલો ને પછી પ્રસન્ન થયેલ પિતા પાસે માતાને સજીવન કરવા વરદાન માગેલું, તે પૌરાણિક કથા પર ખાસ્સું નાટક લખેલું. અરે, ગીતો પણ અંદર મૂકેલાં! કેવાં હશે એ ગીતો ને કેવું હશે એ લખાણ તે તો કલ્પી શકાય તેવું છે. તે નાટક થોડા વખત પછી વાંચી મેં જ શરમમાં તેને ફાડી નાખેલું. અમારી ગાયની કોઢમાં ઉનાળાની વરસતી લૂમાં, જાડી રિલીફ ટાંકે હું કલાકો સુધી લખ્યા કરતો. ઇન્ડીપેન તો તે દિવસે જોઈ નહોતી, પણ તલ્લીનતામાં કાંઈ ઊણપ નહોતી. લખાવતો હતો પેલો રામલીલાનો કેફ. ૧૯૩૦ના એ રણભેરીના દિવસો. દેશની થનગનતી જુવાની રણે ચઢી હતી. હું પણ તેમાં હતો. લડતના દિવસોમાં મીઠું ચોરવામાં, પત્રિકાઓ વહેંચવામાં વચ્ચે વખત મળતો. પાઠકસાહેબનું ‘દ્વિરેફની વાતો’ વાંચ્યું. ‘ખેમી’ તો ખેંચ્યા સિવાય કેમ રહે? આપણારામે પણ ત્રણચાર વાર્તાઓ લખેલી; તેમાં એક કોઈ દાતણવાળી પણ હતી. એક છાવણીમાં આવતી એક નાની રૂપાળી છોકરી મોટા ખખડધજ વરને પરણી, તેનાં કલ્પેલાં દુ:ખો પર હતી. પણ કોણ લખાવતું હતું મને? ‘દ્વિરેફ’ જ. ને કોને માટે લખતો હતો? લડત પત્યા પછી ‘દ્વિરેફ’ને તે મોકલવા. સદ્ભાગ્યે પોલીસ ઉપરી શેખસાહેબે છાવણી પર એક દહાડો ધાડ પાડી. મારાં કપડાં સાથે આ વાર્તાઓને પણ તેઓ જપ્ત કરી ગયા. વિસાપુર જેલમાં દીવાલો નહીં, તંબૂઓનું જ નગર. સખ્તાઈનું નામનિશાન નહીં. જોઈએ તેટલાં પુસ્તકો, પ્રેમાળ મિત્રો ને સરોવર જેવું તળાવ. રમણલાલની એકાદ નવલકથા તે અરસામાં વાંચી હતી. કઈ તે યાદ નથી, પણ લખવા માંડ્યું. આચાર્ય ભાગવતનાં ગાંધીવાદ પરનાં, સદોબા પાટીલનાં સમાજવાદ પરનાં વ્યાખ્યાનો, બાજુના શીખ સરદારના ‘ગુરુ કા બાગ’ સત્યાગ્રહના અનુભવો—આ બધું લખાણને રંગ આપતું હતું. વિસાપુર એ જેલ નહોતી, વિદ્યાલય હતું. ત્યાં જોઈએ તેટલી મુકિત, જોઈએ તેટલી શાંતિ ને જોઈએ તેટલું તપ અનાયાસે હતાં. તેમાંથી લખાયું ‘બંદીઘર’. કોને માટે તે ખબર નથી. છપાશે તેવી ધારણા તો હતી નહીં; પણ મનમાં પેલા વિરલ અનુભવનો સળવળાટ હતો. સાથોસાથ તે અનુભવને વ્યાપકતા સાથે અનુસંધાન કરાવનારાં વ્યાખ્યાનો હતાં. નમ્ર બનવા પ્રેરતી ‘ગુરુ કા બાગ’ની વાતો હતી. ‘બંદીઘર’ મારી પહેલી કૃતિ, પહેલી નવલકથા. છપાવામાં પાછળ, પણ લખવામાં આગળ. જે ઊડાણથી અનુભવ્યું તેને ઉત્સાહ ને નમ્રતાથી વહેંચી દેવાની ઉત્કંઠાથી તે લખાયું. પહેલાં છપાયાં ‘જલિયાંવાલા’ ને ‘૧૮૫૭.’ બન્ને નાટકો કહેવાયાં. ’૩૦-’૩૨ના સંગ્રામમાં હાર્યા હતા તેની અંદરની નિરાશાને ટાળવા માટે આ લખાયેલાં. પછી જાણીતું થયું ‘બંધન અને મુકિત’. સાચું કહું તો સાહિત્યના દરબારમાં એણે મને સન્માન અપાવ્યું. આગલાં પુસ્તકોમાં ભાવના હતી, સચ્ચાઈ પણ હતી, ભાષાની છટા પણ હશે, પણ મારી પરિતૃપ્તિ નહોતી. સારું કામ થયું એમ થતું, પણ સુંદર થયું તેમ નહોતું. ‘બંધન અને મુકિત’ લખાયા પછી મનને થયું, ‘સુંદર થયું’. પણ તે લખવાનું નિમિત્ત વિચિત્ર જ છે. આગલે વર્ષે ભાઈ જેઠાલાલ જોષીએ હ્યુગોનું પુસ્તક ‘૯૩’ આપેલું. ‘લે મિઝરાબ્લ’ તો જેલમાં મેં તન્મયતાથી વાંચેલું. પણ આ નવલકથાનું સૌંદર્ય અનેરું છે. મેઘાણીભાઈ વાંચીને મને ઉતારવા આગ્રહ કરે. આળસ અને અસ્થિરતા મને વળગેલાં. એમાં બહેનનાં લગ્ન આવ્યાં. ખર્ચના પૈસા મારે આપવા હતા. આ નિમિત્તનો માર્યો લખવા બેસી ગયો. ફ્રાન્સની ક્રાંતિને સ્થાને ૧૮૫૭ના બળવાને તેમાં ખેંચી આણ્યો. આઠમે દિવસે પૂરી કરી ઊઠી ગયો. કોને માટે આ લખ્યું હતું? શેના ધક્કા માર્યા? લેખકને ધનની જરૂર પડે છે, યશ પણ જોઈએ છે. તે તેને ધક્કો મારતાં હશે; પણ સહુથી વધારે જોઈએ છે વિરલ અનુભવ. ‘બંધન અને મુકિત’ અને ’૯૩’માં અપાર અંતર છે. ‘બંધન અને મુકિત’ લખી ત્યારે એ ચોપડી મારી પાસે હતી પણ નહીં. વાંચ્યે એક વર્ષ થઈ ગયું હતું. પણ મેં લખ્યું છે હ્યુગોની તે ચોપડીને તર્પણરૂપે. બહેનનાં લગ્નના પૈસા મળ્યા તે તો પરોઢે વનમાં ફરવા જઈએ ને માથે ઝાકળનાં ટીપાં પડે તેવો સુખદ અકસ્માત! ‘દીપનિર્વાણ’ પણ ૧૯૪૨માં જેલમાં લખાયેલું. વિસાપુરની જેવી જ શાંત મુક્ત તપોભૂમિ. ભારતનો સંગ્રામ હાર ને જીત વચ્ચે ઝોલાં ખાતો હતો. બીજું વિશ્વયુદ્ધ પણ આમ જ ઝોલાં ખાતું હતું. મારું મન પણ ઝોલાં ખાતું. તું: न हि कल्याणकृत कश्चित् दुर्गति तात् गच्छति| વાક્ય સાચું પડશે? બીજી બાજુ ઇંગ્લૅન્ડની મૂડીવાદી લોકશાહી પણ જે અડગ રીતે એકલી યુદ્ધ આપતી હતી તે પણ મનમાંથી આફરીન પોકારાવતી. ગ્રીસનો ઇતિહાસ વાંચતો હતો. નાનકડા ગ્રીસે ઈરાની શહેનશાહતનો જે વિરલ સામનો મૅરેથોન, સેલેમીસ, થર્મોપોલીમાં કર્યો તે નજર સામે જાણે થઈ રહ્યો હતો. મનમાં સળવળાટ થતો હતો. કોઈકે તો આને પ્રેમાનંદની માતા ગુર્જરીમાં ઉતારવા કોશિશ કરવી જોઈએ. તેમાં જયસ્વાલનું ‘હિંદુ પોલિટી’ હાથ આવ્યું. તેમાં ગણરાજ્યોએ એલેકઝાંડરના કરેલા સામનાનું વર્ણન વાંચ્યું. મૅક્રિન્ડલના એ વિગતો આપતા ગ્રંથો મંગાવ્યા, ફરી ફરી વાંચ્યા, હર્ષનો રોમાંચ અનુભવ્યો. જે ઇંગ્લૅન્ડ કરતું હતું, જે એથેન્સે કર્યું હતું તે અમે પણ કર્યું હતું. રગો કલમ લેવા માટે ઝણઝણવા લાગી. અકસ્માત રોકહિલનું ‘બુદ્ધ’ વાંચ્યું. તેણે મને છેવટે ધક્કો માર્યો. ને કશીયે અડચણ વિના જેમ સિમેન્ટના રસ્તા પર ગાડી ચાલે તેમ, લખાણ ચાલ્યું. કશી ચિંતા નહીં, કશો આવેગ પણ નહીં. કોને માટે આ લખ્યું હતું? પેલા સળવળાટને શમાવવા કે હારતા રાષ્ટ્રને પુનર્જીવિત કરનારી સંજીવનીને શોધવા? કોણ કહી શકે? છેલ્લી નવલકથા ‘ઝેર તો પીધાં છે’ કોને માટે શરૂ કરી? જાણીતા માસિક ‘કરંટ હિસ્ટરી’માં એક ચરિત્રમાળા આવતી. તેમાં પહેલા મહાયુદ્ધ પછીના જર્મનીના પરદેશ પ્રધાન રેથન્યુનું ચરિત્ર આવેલું. રેથન્યુ યહૂદી હતો ને આખા યુરોપનું સંઘરાજ્ય જોનારો સ્વપ્નઘેલો હતો. ઉગ્ર રાષ્ટ્રવાદીઓએ તેનું ખૂન કર્યું. તેના ખૂનીઓને જ્યારે સજા કરવાની વેળા આવી ત્યારે રેથન્યુની માએ કોર્ટને પોતાના દીકરાના ખૂનીઓને માફી આપવા વિનંતી કરેલી. પરિણામે તેની સજા ઓછી થઈ. હિટલર આવ્યા પછી આ ખૂનીઓ છૂટ્યા, રેથન્યુને મારવાને કારણે મોટા દેશભક્ત ગણાયા, તેમનાં પૂતળાં મુકાયાં. પણ એમાંનો એક આ સન્માનમાંથી છૂટીને ચાલ્યો ગયો. હિટલરની યહૂદી સામેની જેહાદ શરૂ થઈ. બીજું મહાયુદ્ધ થયું, ફ્રાન્સ પડ્યું, શરણે થયું. સાથોસાથ ફ્રેંચ દેશભક્તોએ ભૂગર્ભ હિલચાલ પણ ચાલુ રાખી. તે વખતે એક યહૂદીને આ ભૂગર્ભદળના સૈનિકે બચાવેલ. યહૂદીએ ઓળખાણ આપતાં કહ્યું, પોતે રેથન્યુનો ભત્રીજો હતો. ત્યારે પેલા સૈનિકે કહ્યું, “મારુ ંકામ આજે પૂરું થયું.” ને પોતાની ઓળખાણ આપી રેથન્યુના ખૂની તરીકેની. રેથન્યુની માતાએ ક્ષમા આપવાની જે વિનંતી અદાલતને કરેલી તેથી તેનો પલટો થયેલો ને હિટલરનું જર્મની છોડી તે ફ્રાન્સમાં ચાલ્યો ગયેલો. આટલાં વર્ષો હિટલરના પંજામાંથી યહૂદીઓને બચાવવામાં જ કાઢેલાં. તેણે કહ્યું, “આજે મારું પ્રાયશ્ચિત્ત પૂરું થયું.” ‘ઝેર તો પીધાં છે’ લખવાનો ધક્કો આપનાર આ પહેલો દસ્તાવેજ. ગાંધીનાં સત્ય ને અહિંસાની સચોટતાનો આ વિશ્વવ્યાપી સાહેદ. પણ ભારતમાં તે કઈ ભૂમિકાએ રજૂ કરવું? વીસ વર્ષ પહેલાં દક્ષિણામૂતિર્ના વિદ્યાર્થીઓને લઈ ભાણવડ ગયેલો. ત્યાંના અપંગાશ્રમને સંભાળનાર ભગત ધનારામ બાપાને જોયેલા. ભાણવડ બહારનું જગત તેમને જાણતું નથી. હું એક વાર જ મળેલો. આફ્રિકાની કમાણી આ અપંગોને સાચવવામાં જ ખરચતા હતા. ઘરની સ્ત્રીઓ આ અપંગો માટે દળે, ભરડે, રાંધે ને પોતે પીરસે. પણ પીરસે તે કેવું! જાણે સ્નેહરસ પીરસી રહ્યા છે! દિવસમાં એક કલાક ‘ભાગવત’ વાંચે, બાકી બધો સમય આ લૂલાં-લંગડાંની સેવામાં. તેમની શાંત, તેજોમય, પ્રેમમૂતિર્ રેથન્યુની સાથે જ ખડી થઈ. વિશ્વ જાણે એ બેનો મેળાપ કરાવવા માગે છે. એ જ અરસામાં એક બહેન મળ્યાં. વિધવા, પણ જાણે ભાણવડના પેલા બાપાની જ પુત્રી સમાં સ્નિગ્ધ, શીતળ. ત્રણ વર્ષની માંદગી જોઈ, પણ મોં પરથી ન સ્મિત સુકાયેલું જોયું, ન તો આંખનું અમી ઘટેલું જોયેલું; રોગનો જાણે સ્પર્શ નહોતો. પોતાની ક્લેશકંકાસવાળી દુનિયાને અમીમય કરેલી. પછી પોતાની સ્ત્રીની તબિયત સાચવવા બ્રહ્મચર્ય પાળનાર એક અસંયમી છતાં સંનિષ્ઠ યુવકનો મેળાપ થયો. પ્રેમમૂતિર્ને અખંડિત રાખવા માટે તેણે ભોગનું બલિદાન આપ્યું હતું ને તે પ્રસન્ન હતાે. ચારેનો મેળ કેમ એ જ વખતે મળી ગયો, તાંતણા મનમાં કેમ સંધાઈ ગયા, ખબર નથી. પણ તેને વ્યક્ત કરવા ‘ઝેર તો પીધાં છે’ લખાયું. વિવેચક ને વાંચનારે કરેલી કદર સહાયભૂત થાય છે. સામગ્રી વિરલ અનુભવો જ આપે છે, પણ લખાય છે તેને સર્વવ્યાપી કરવાની અદૃશ્ય મનીષાની પરિતૃપ્તિ માટે. ધન્યનામ ગુંસાઈજીએ પણ લેખકને આ જ આદેશ આપ્યો છે, स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथाम् સર્જન કોઈને માટે થતું નથી; કોઈને ઉપયોગી અવશ્ય થાય છે, પણ સર્જનનાં ફૂલો તો ચડે અંતરદેવતાને. [‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પુસ્તક]