સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/ઝંખના

          શરદબાબુને ઘણીબધી સ્ત્રીઓનો પરિચય થયેલો, સારી મનાતી કે નબળી મનાતી. પણ તેમાંની કોઈ તેમની કથાઓ માંહેલી રાજલક્ષ્મી, ચંદ્રા, પાર્વતી હોય, તે વાત અસંભવિત છે. તેવું હોત તો સમાજ વહેલો જ નિર્મળ ને પ્રાણવાન બની ગયો હોત. એ સ્ત્રીઓમાં કાંઈક તણખો અવશ્ય હશે જ; પણ શરદબાબુએ જે મહિમાપૂર્ણ નારીપાત્રો નખશિખ કંડાર્યાં, તે તો તેમની કલ્પના અને સ્ત્રીને પૂર્ણરૂપે જોવાની ઝંખનાને પરિણામે. શરદબાબુની વિરલતા મૂંગા અને સ્નેહસભર ત્યાગને સજીવ કરવામાં છે. ‘પરિણીતા’ની લલિતાથી માંડીને તેમની છેલ્લી અધૂરી કૃતિ ‘શેષ પરિચય’ સુધી તે ચાલ્યા કરે છે.