સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/મનુષ્યને સમજવાની ચાવીઓ

          કલકત્તામાં એક વાર ત્યાંનું પ્રસિદ્ધ સંગ્રહાલય જોવા અમે ગયેલા. રસ્તામાં ‘શ્રીકાન્ત’ [નવલકથા]નો પહેલો-બીજો ભાગ મારા હાથમાં આવ્યા. મ્યુઝિયમના દરવાજા આગળ જ હું તે વાંચવા બેસી ગયો. મિત્રો બે કલાક પછી જોઈને આવ્યા ત્યારે પણ હું વાંચવામાં તલ્લીન હતો. આટલી બધી એકાત્મતા આણવાની સાહિત્યકૃતિઓમાં શક્તિ હોય છે. સારી કૃતિની એક ખાસિયત ધ્યાન રાખવા જેવી છે. એ કૃતિ તેનું સમગ્ર સ્વરૂપ પહેલા વાચને જ પ્રગટ કરી દે છે, તેવું નથી. ઉત્તમ કૃતિ કુલ-કન્યા છે. વારંવારના અનુનય પછીથી તે પ્રાપ્ત થાય છે. કોઈ પણ સારી કૃતિ પ્રથમ વાચને તેનું સ્વરૂપ આપણને બતાવી દે જ, તેવું નથી. વાચન પણ એક તપ છે. તેમાં પણ બહારના રસોને થંભાવી દઈ, નિરાહાર થઈ, કૃતિ સાથે એકાકાર વૃત્તિથી બેસવું પડે છે. રવીન્દ્રનાથનું ‘કૃપણ’, ‘આવાગમન’, ‘અભિસાર’ અનેક વખત ભણાવ્યું છે ને જેટલો એકાકાર વૃત્તિવાળો થઈને તે કાવ્યો પાસે ગયો છું તેટલો નવો અર્થ, નવું રહસ્ય મને મળ્યાં છે. પ્રેમાનંદમાં એવો અનુભવ થાય, તેમાં નવાઈ જ શું? અને ‘મહાભારત’, ‘રામાયણ’ની તો વાત જ શી કરવી! વસ્તુતઃ, સાહિત્યસેવન એ આનંદ-તપસ્યા છે. તેમાં આનંદ છે માટે લહેર જ લહેર છે, કાંઈ તપસ્યા નથી, એવું નથી. તેમાં પણ અનિદ્રા અને અનાહારી રહેવું પડે છે અને ત્યારે જ તેમાં રહેલા દેવતા તેનો વરદ હસ્ત વાચકના શિર પર મૂકે છે.

મનુષ્યને હૃદય મળેલું છે, અને એ હૃદય અનેક ભાવોને અંદર ઝંખતું હોય છે. હૃદય એક મોટો દરિયો છે. એ દરિયાની વિશાળતાની બાબતમાં, ગહનતાની બાબતમાં ગરીબમાં ગરીબ માણસ અને છત્રાપતિ વચ્ચે કશો ફેર નથી. દરેકને અગાધ હૃદય મળ્યું છે. આ સાહિત્ય છે તે હૃદયની વાર્તા કહે છે. હૃદયનાં ઊંડાણની, હૃદયનાં તોફાનોની, હૃદયનાં વમળોની, હૃદયની મલિનતાની, હૃદયની શુદ્ધતાની, હૃદયમાંથી પ્રગટ થતા ભગવાનની, હૃદયમાં પ્રગટ થતા શેતાનની અને એ શેતાન અને ભગવાનના ઝઘડાની — ને એ ઝઘડામાંથી ધીમે ધીમે શેતાન કેમ ભગવાનમય થતો જાય છે એની વાર્તા. સંતોની વાર્તા કહેવી સહેલી છે, શેતાનની વાર્તા કહેવી અઘરી છે. કારણ કે શેતાન એ ખરેખર શેતાન નથી, પણ ભગવાન થવામાં નિષ્ફળતા મળવાથી મૂંઝાયેલો મનુષ્ય છે. આ સાહિત્યપદાર્થમાં મનુષ્યને સમજવાની, મનુષ્ય પ્રત્યે અપાર સહાનુભૂતિ કેળવવાની શક્તિ હોય છે. જે બધા મોટા સાહિત્યકારો થયા છે તેમણે સંસ્કૃતિની જો કોઈ મોટામાં મોટી સેવા કરી હોય તો તે એ કે મનુષ્યને સમજવાની ચાવીઓ એમણે આપી છે. સાહિત્યની શક્તિ મનુષ્યના મનને પરિશુદ્ધ કરવાની છે. પણ તે એવી રીતે નહીં કે આમાં બધું ચોખ્ખેચોખ્ખું છે. ચોખ્ખું નથી, છતાંય સહાનુભૂતિ રાખવા જેવું છે. કારણ કે કોઈને ચેન નથી ચોખ્ખું થયા વિના. આ પ્રકારની એક પ્રતીતિ સાહિત્ય કરાવે છે.