સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/મારી વાચનકથા

          મારા પિતાજી લુણસરની શાળાના મુખ્ય મહેતાજી હતા, એટલે શાળાની નાનકડી લાઇબ્રેરી મારે માટે ખુલ્લી સંપત્તિ હતી. લીલાં ને પીળાં પૂઠાંવાળી ‘વિજ્ઞાન વિલાસ’ની થોડી ફાઇલો હજી મારી નજર સામે તરે છે. તેમાં કટકે કટકે છપાયેલી વીર દુર્ગાદાસની વાતોએ મારા પર ભારે જાદુ કરેલું; ફરી ફરીને હું એ વાંચ્યા કરતો. એ બાળવયે તેના એક એક પ્રસંગ સાથે મેં મારા અંતરના તાણાવાણા ગૂંથેલ. શૌર્ય, ખાનદાની, વફાદારીના જે સંસ્કારોનાં બીજ મારામાં પડ્યાં હશે, તેમાં આ વાર્તાના ફરી ફરીના વાચને પૂર આવેલ. મારે મન દુર્ગાદાસ એક આદર્શ વીર પુરુષ બની ગયો. તેમાંયે, ઘેરાઈ ગયેલા દુર્ગાદાસના દળમાં ભળવા માટે નીકળેલ ગંભીરનું પાત્રા મારા મનમાં દૃઢતાથી વસી ગયેલું. શત્રુઓના કડક ચોકી પહેરાને તેણે અને તેના ચાર મિત્રોએ શબ અને ડાઘુ બનીને વટાવેલો.દુર્ગાદાસે કરેલો તેના મિત્રા માનસિંહની પત્નીની કામ-યાચનાનો અસ્વીકાર, શત્રુ મુસલમાન સરદારોમાંથી પણ ખાનદાન સેનાપતિઓ તરફનો તેનો ઉદાર વર્તાવ — આ બધી ઘટનાઓએ મારા ચારિત્રયગઠનમાં કેડીઓ પાડી દીધી, તેમ આજે હું જોઈ શકું છું. ઔરંગઝેબ અને રજપૂતો વચ્ચેના વિગ્રહના આ વાર્તારૂપ વાચને મારા મનમાં ગુલામી નિવારવા અને રાષ્ટ્રને મુક્ત કરવાની ઝંખના ઊભી કરી હોય તો નવાઈ નહીં. અને ૧૯૩૦માં જ્યારે હું ઘેરથી છાનોમાનો ભાગીને ધોલેરાની સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યો, ત્યારે પેલો ગંભીર મારી પડખે બેઠો હોય તો પણ નવાઈ નહીં.

લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરીને મારે વાંકાનેર હાઇસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક લાઇબ્રેરી હતી, પણ પુસ્તકો વાંચવા માટે તો ત્યાં ફી ભરવી જોઈએ; તે ક્યાંથી કાઢું? પરીક્ષા વખતે એક-બે છોકરાઓને ભણાવવાનું માથે લીધું. ટયુશનનો દર — મહિને આઠ આના! બે-ત્રાણ મહિના આમ કરીને વરસ આખાનું લવાજમ ભર્યું. પણ આ પુસ્તકાલય મારે માટે લુણસર જેવું નિર્દોષ ન નીવડયું. તેમાં પુસ્તકાલયનો વાંક ન ગણાય. તે મોટાઓ માટે પણ હતું; માત્રા કિશોરો માટે ન હતું. તેથી એવું પણ સાહિત્ય મારા હાથમાં — એટલે આખરે હૃદયમાં — આવ્યું કે જે મીઠા ઝેર જેવું નીવડયું. કિશોરવયે તો સાહસ, તરવરાટ, ઊથલપાથલ ગમે. એ વખતે તેવું સાહિત્ય પણ ઝાઝું નહોતું. પણ મને તો વાંચવાનું, અખંડ વાંચવાનું બંધાણ થઈ ગયું હતું. એટલે તે એક-બે વર્ષમાં મેં કેટલીયે અનર્થકારી નવલકથાઓ વાંચી. આ નવલકથાઓએ મને દિવાસ્વપ્નોની દુનિયામાં મૂકી દીધો. કોઈ કોઈ વાર તો આખી રાત આવી વાર્તાઓ વાંચવામાં વીતી જતી — સંધ્યા અને ઉષા બંનેનાં કિરણ અખંડ ઉજાગરે જોવાનું બનતું. જે ઉંમરે સ્ત્રીઓ વિશે કામભાવે વિચારવાનું સહજ ન ગણાય, તે ઉંમરે આ નવલકથાઓએ મને કાલ્પનિક સહવાસો ભોગવતો કર્યો. પણ આ રદ્દી નવલકથાઓની વચ્ચે જ મને ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ પણ વાંચવા મળ્યાં. જીવન સંસ્કાર-સમૃદ્ધ પરાક્રમો માટે છે, તેવું ભાન એ નવલકથાઓએ કરાવ્યું. કેટલી બધી વખત એ કૃતિઓ વાંચી છે — અને હજુ પણ એ તાજગીથી કેટલી બધી વખત વાંચીશ! બાળવયે મને રસ, ભાવના ને વીરોદ્રેકથી તરબોળ કરી મૂક્યો હોય, તો એ ‘નર્મગદ્ય’માં સંઘરાયેલ ‘ઈલિયડ’, ‘રામાયણ’ અને ‘મહાભારત’ના સારભાગે. આ ત્રાણ મહાન ગ્રંથોના સરળ છતાં સજીવ સંક્ષેપો મને એ ઉંમરે વાંચવા મળ્યા, તેને હું મારા જીવનનું એક પરમ સૌભાગ્ય ગણું છું. ‘મહાભારત’ અને ‘રામાયણ’નાં પાત્રો વિશે નર્મદે ટૂંકાં ટૂંકાં વાક્યોમાં જે નિર્ભય સમાલોચના કરી છે, તેની મારા પર ઊંડી છાપ પડી હતી. મહાપુરુષોને પણ તટસ્થ રીતે જોવા-કસવાના સંસ્કાર તેણે મને આપ્યા. ‘ઈલિયડ’નું સારદોહન એટલું રસાળ ને સચોટ હતું કે મને એ કથામાં પરદેશીપણું ન લાગ્યું. ત્યારે હું ત્રીજી ચોપડીમાં હોઈશ. એ ઉંમરના બાળકને ‘ઈલિયડ’ના વાચનમાં તન્મય, તદ્રૂપ કરી મૂકનાર નર્મદ એક વિરલ રસાત્મક અને અસાધારણ સારદોહક હતો તેવું લાગે છે. ગ્રંથ ઉત્તમ હોય ને તેને પચાવીને ઉતારનારો જો કલાકાર હોય, તો પરદેશની કૃતિ પણ સ્વાદિષ્ટ લાગે છે; એટલું જ નહીં, એનાથી પરભોમનાં વિકસેલાં શીલ અને સૌંદર્ય તરફ મમતા પણ જાગે છે તથા એ મુગ્ધાવસ્થામાં બે દેશો વચ્ચેનો પુલ અનાયાસે સર્જાઈ જાય છે. પછીથી વ્યાસ-વલ્લભના ‘મહાભારત’નું મોટું થોથું મારા હાથમાં આવતાં અલ્લાઉદ્દીનનો ખજાનો હાથ આવ્યા જેવું થઈ ગયું. નવરાશની એકેએક ક્ષણે હું એની ઉપર તૂટી પડતો; રમવાનું રહી જતું, ખાવાનું વિસરાઈ જતું. આ ‘મહાભારત’ના બધા પ્રસંગો કિશોરોને કુમારોને હંમેશાં માટે ઉચ્ચ ભાવોમાં તરબોળ કરે તેવા છે. વાંકાનેરમાં હું પાંચમી અંગ્રેજીમાં ભણતો હતો, તે વખતે જ ૧૯૩૦ની સત્યાગ્રહની લડત આવી. અમારું કુટુંબ ગરીબ ગણાય; પિતાજીને ત્રીસેક રૂપિયા પગાર મળતો. મારે પાંચ બહેનો, અમે બે ભાઈઓ — આ બધો સંસાર પિતાજી ધીરજ અને આસ્થાથી ખેંચતા. ભાઈઓમાં હું મોટો ને ભણ્યેગણ્યે કાંઈક ઠીક ઠીક હતો, એટલે બાપુજીને આશા હતી કે સારી રીતે મૅટ્રિક પાસ થઈ, ક્યાંકથી સ્કોલરશિપ મેળવી બી.એ. થઈ જઈશ અને તેમનો બોજો ઉતારીશ. પણ ત્યાં તો ગાંધીજીએ દેશના પ્રાણને હાકલ કરીને “કાગડા-કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો આશ્રમમાં નહીં આવું,” એવી ભીષ્મપ્રતિજ્ઞા લીધી અને મેં અભ્યાસ મૂકી લડતમાં પડવાનો સંકલ્પ કર્યો. મારી જોડે આવવા તૈયાર થયેલા છેલ્લી ઘડીએ ન આવી શક્યા. પણ હું તો નીકળ્યો તે નીકળ્યો જ. મને પ્રશ્ન એ થાય છે કે વાંકાનેર જેવા શહેરમાંથી એ દિવસે હું એકલો જ હોવા છતાં નીકળ્યો, તેનું આંતરિક કારણ શું? લડતનાં જોખમો ઘણાં કહેવાતાં. નીકળ્યો ત્યારે માથાં પછાડતી મારી બહેનનું ચિત્રા હજુ યે મારી સામે તરે છે. છતાં હું કેમ નીકળી શક્યો? ત્યારે એક જ જવાબ મળે છે કે — મારા વાચને આપેલા પ્રેરણાબળે. આ અજાણ્યા ને કઠણ માર્ગે ઇશારો કરીને મને ખેંચી જનારાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઈલિયડ’ અને ‘સૌરાષ્ટ્રની રસધાર’નાં બલિષ્ટ, સંનિષ્ટ ને મારે મન તો સજીવ પાત્રો.

આ ગાળામાં મારા ચિત્તના ઊર્ધ્વીકરણમાં સહજભાવે અનન્ય સહાય કરી હોય તો તે શરદચંદ્રે. ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં તો શરદ-સાહિત્યની ગંગા જ ગુજરાતમાં ઊતરી. ગાંધીજીના વિચારોમાં ઔદાર્ય, સહિષ્ણુતા ને આત્મબલિદાનના જે ઉન્મેષો હતા, તે જ કલાના માધ્યમ દ્વારા સજીવ થઈને શરદ-સાહિત્યમાં મારી સમીપે આવ્યા. ગાંધીવિચારનો મર્મ સુધીનો જે અનુભવ મને કાકાસાહેબ કે કિશોરલાલભાઈમાં નહોતો થયો, તે શરદચંદ્રમાં થયો. સાહિત્યની શક્તિ અદ્ભુત છે કે સામાન્ય ધર્મગ્રંથો જ્યાં અટકી જાય છે ત્યાંથી એ પોતાની યાત્રાનો આરંભ કરે છે. વાંકાનેરમાં ભંગાર નવલકથાઓના વાચને મને સ્ત્રીઓના કાલ્પનિક સહવાસમાં વિહરતો કરેલો. પણ મારાં એટલાં પુણ્ય કે તે પહેલાં વીરત્વથી ભરેલું સાહિત્ય વાંચેલું, અને સત્યાગ્રહની લડતે મારામાં પડેલી વીરતાને પ્રગટાવી. પણ આખરે જરૂર તો હતી સ્ત્રીઓ તરફના દૃષ્ટિકોણના પરિવર્તનની. કયા રસથી સ્ત્રી— સમુદાયને નીરખવો? શરદચંદ્રે એ દૃષ્ટિકોણ આપ્યો. શરદચંદ્રનાં સ્ત્રીપાત્રોએ જાણ્યો છે તેવો પ્રેમ તો કોઈએ જાણ્યો નથી. પણ એ બધી સંયમની મૂર્તિઓ છે. આ સંયમ વડે તેઓ પ્રેમને મહિમાવંત કરે છે. તેમના ચિત્તની અલૌકિક સમૃદ્ધિના તેજમાં શરીરની વાસનાઓ ક્ષીણ થઈ જાય છે. જીવનની આ મૂળભૂત ને પ્રબળ વાસનાના ઊર્ધ્વીકરણ વિશે શરદચંદ્રે જાણે જીવનભર મનોહારી વિશ્લેષણ કર્યા કર્યું છે. આ દૃષ્ટિકોણે મને ઘણું અજવાળું અર્પ્યું અને પેલી અનારોગી નવલકથાઓના વાચને જે નુકસાન કર્યું હતું, તેનું અનેકગણું સાટું વળી ગયું.

[‘મારી વાચનકથા’ : પુસ્તક]