સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/ગામડે ગામડે જ્ઞાનની પરબ પહોંચાડનાર

          ભિક્ષુ અખંડાનંદે જોયું કે ગુજરાતમાં જે સાહિત્ય ઉત્પન્ન થાય છે તે લોકભોગ્ય નથી, લોકહિતકારી પણ નથી. એ જોઈ ગયા કે લોકોમાં જીવન આણવું હોય, જાગૃતિ આણવી હોય, તો તેમને રુચે એવું, તેમનાથી પચાવી શકાય એવું, તેઓ સહેજે સમજે એવું સાહિત્ય તેમને માટે તૈયાર કરવું જોઈએ. આને માટે તે સ્થળેસ્થળે ભટક્યા અને જુવાનોને ખોળી કાઢી તેમની પાસે કામ લેવા લાગ્યા, અનેક ભાષાઓમાં લોકભોગ્ય થયેલા ગ્રંથોની શોધ કરી તેને ગુજરાતીમાં ઉતરાવવા લાગ્યા. પરિણામે એમણે ગુજરાતના હજારો સામાન્ય જનોને વાંચતા કરી મૂક્યા. ભિક્ષુ અખંડાનંદજીના પરિશ્રમે ‘સસ્તુ સાહિત્ય’ ગુજરાતના ઘરેઘરમાં પરિચિત શબ્દ થઈ પડ્યો છે. ઘણુંખરું અભણ મનાતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા ઘણા જણોનાં ઘરમાં એમણે પ્રસિદ્ધ કરેલા સ્વામી રામતીર્થના, સ્વામી વિવેકાનંદના ગ્રંથો, તુકારામની વાણી, ‘રામાયણ’, ‘ભાગવત’ આદિ ગ્રંથો મળી આવે છે, અને સૌ તેને રસપૂર્વક વાંચે છે. એમનાં બધાં પ્રકાશનો સાહિત્યની દૃષ્ટિએ નિર્દોષ નથી, એમાં સુધારાને ઘણો અવકાશ છે. છતાં સ્વામીજી જે કામ કરી ગયા છે તે મહાભારત કામ છે, એ વિશે શંકા નથી. “તેલ જુઓ, તેલની ધાર જુઓ” — એવી વૃત્તિથી કામ કરવાની સ્વામીજીને ટેવ નહોતી. અમુક પુસ્તક તો સરસ નથી થયું, હજી એને માટે બે-પાંચ વરસ સુધી રાહ જોઈએ, એવી વૃત્તિથી કામ કરવાની સ્વામીજીની ટેવ ન હતી. એમને તો એમ હતું કે મનુષ્યજીવન પરિમિત છે; કાચું-પાકું, અધૂરું-પૂરું ઈશ્વર આપણે હાથે જે પિરસાવે તે સમાજને માટે પીરસી જવું. કેટલોક સમય થયાં તેઓ લકવાથી પીડાતા હતા. બોલવું-ચાલવું-લખવું એ બધું કષ્ટમય થઈ પડ્યું હતું, છતાંયે અપંગ દશામાં પોતે નડિયાદથી અમદાવાદ આવતા. છેવટના દિવસોમાં તો એ જીવન એટલું કષ્ટમય બન્યું હતું કે, તેમણે જ ઈશ્વર પાસે મુક્તિ ઇચ્છી હશે. સ્વામીજી નિષ્કામ કર્મયોગનું સરસ ઉદાહરણ હિંદુસ્તાનના ભગવાધારીઓ માટે મૂકી ગયા છે.