સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/વિયોગદુઃખ

          સાજન જાતાં સૌ આંખોથી આંસુ ખરે; જે દી લોચન વર્ષે લોહી, તે દી સાજન સાચાં જાણિયાં સન ૧૯૧૭નો ડિસેમ્બર મહિનો હતો. તે વેળા હું ગાંધીજીની સાથે તાજો તાજો જ જોડાયેલો હતો. મુસ્લિમ લીગની કલકત્તાની બેઠકે છીંદવાડામાં પરહેજ થયેલા અલીભાઈઓમાંના એકને સરનશીન બનાવેલા અને સરનશીનની ખુરશી ખાલી રાખી હતી. ગાંધીજીને ત્યાં જવાનું ખાસ આમંત્રણ હતું. બપોરે અમે ત્યાં ગયા, તો ઉર્દૂ તકરીરોની બહાર ચાલી રહી હતી. દરેક બોલનાર પળે પળે એવાં વચનો કાઢતો હતો કે તેને આખી બેઠક ઊઠીને ‘આમીન’, ‘આમીન’ કહી વધાવી લેતી હતી અને હરેક આંખમાંથી આંસુ સરતાં હતાં. કેટલાકનાં ડૂસકાંનો અને જોરથી રોવાનો અવાજ પણ સંભળાતો. આ સમયે ગાંધીજીને બોલવાનું કહેવામાં આવ્યું. તેઓ રોવામાં ન જોડાયા, તેમણે તો શ્રોતાઓ પાસે કેટલાક સવાલોનો સીધો જવાબ માગ્યો. “આ આંસુનો ધોધ ચાલી રહ્યો છે તે આંસુ શું સાચાં છે? એ તમારા દિલમાંથી નીકળે છે? જો તમને શોકતઅલી અને મહમદઅલીના વિયોગનું દુઃખ ખરેખર લાગતું હોય, તો તમારી આંખમાંથી પાણી નહિ પણ આજે લોહી વહેવું જોઈએ. એ તમારાં આંસુ તમે બંને ભાઈઓને છોડાવવાને માટે પ્રતિજ્ઞાબદ્ધ છો, પ્રાણ આકરા કરવાને માટે તૈયાર છો એ વાતની સાક્ષી પૂરતાં હોય તો સાચાં છે.” એ જ પ્રશ્નો આજે આપણે પોતાને પૂછી શકીએ છીએ. ગાંધીજીને વળાવવા જનાર સ્વજનો સૌ સાચાં હતાં? તેમની વિદાયના દિવસે અનેક ઘરોમાં ખૂણામાં બેસીને રોનારાઓનાં આંસુ સાચાં હતાં? જો સાચાં હોય, તો આપણે તેમના ગયા પછી શું કર્યું? વિયોગદુઃખની વિહ્વળતાનું ચિત્ર આપણા સાહિત્યમાં — બલ્કે જગતના સાહિત્યમાં — ભરતના પાત્રામાં જેવું મળે છે તેવું ક્યાંયે નથી મળતું. ભરતને રામચંદ્રજીને વિદાય દેવાનો લહાવો નહોતો મળ્યો. ગાંધીજીને વિદાય દઈ તેમનો સંદેશ સાંભળવાનો જે લહાવો આપણામાંના કેટલાકને મળ્યો હતો, તે લહાવો ભરતના ભાગ્યમાં ન હતો. ભરતને પોતાના ભાઈના વિયોગના દુઃખની ખબર અયોધ્યા આવીને પડી, જે અયોધ્યામાં તેમનાં આંસુ લૂછીને તેમને સંસારનાં દુઃખ ક્ષણિક છે એમ સમજાવી રાજ લેવાનું સમજાવનારા સ્વજનો — અરે, ગુરુઓ પણ — પડેલા હતા. પણ ભરતે તેમાંના એકેની સલાહ કાને ન ધરી. તેને તો બધી સલાહ વિષમય લાગી. ક્ષણ પણ રામચંદ્રજીને જોયા વિના જીવવું તેને દુઃખરૂપ લાગ્યું. તક્ષણ જ તેણે રામચંદ્રજીના દર્શને જવાનો, તેમનાં ચરણસ્પર્શ કરી ટાઢા થવાનો, બને તો તેમને અયોધ્યામાં પાછા લાવવાનો, અને ન બને તો તેમની આજ્ઞા લઈ તેનો અક્ષરે અક્ષર પાળવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય કરાવીને જ તુલસીદાસ તેને રામચંદ્રજી પાસે નથી લઈ જતા. ભરત રામચંદ્રજીને મળે તે પહેલાં ભરતનાં અશ્રુથી ભીંજાયેલા તેના પ્રત્યેક પગલાનો, પ્રત્યેક સ્થળનો કવિએ ચિતાર આપ્યો છે. બહાવરા બહાવરા રથમાં ભરત નીકળે છે, ગંગાજી ઊતરવાનો સમય આવે છે ત્યાં રામચંદ્રજીનો પરમ ભક્ત ગુહક તેમને મળવા આવે છે. રામચંદ્રજીનો ભક્ત એટલે પોતાનો પૂજ્ય સમજી, દૂરથી જ રથમાંથી ઊતરી તે ગુહકને પ્રણામ કરે છે અને રામને જે શ્રદ્ધા ને ભક્તિથી જોતા તે જ શ્રદ્ધા અને ભક્તિ તેમને જોઈને અનુભવે છે. રામચંદ્ર ક્યાં ગયા છે તે જાણીને ભરત ગુહકની વિદાય નથી લેતા — તેઓ ક્યાં ઊતરેલા, ક્યાં સૂતેલા, ક્યાં બેઠેલા તે પૂછી લઈ તે પ્રત્યેક સ્થાનની પદ-રજ લે છે, અને રામનામના ઉચ્ચારણ સાથે આંસુ સારે છે. ગુહકની સાથે રામચંદ્રજી પાસે જઈ, તેમને કરેલી વિનવણી, આખરે તેમની પાદુકાભિક્ષા અને ખિન્ન હૃદયે નંદિગ્રામમાં પુનરાગમન — કઠણમાં કઠણ હૃદયને પિગળાવનારાં છે. રામચંદ્રજીનાં વનવાસનાં દુઃખો, સીતાજીનાં દુઃખો ભૂલી જવાય, પણ ભરતનું વિયોગદુઃખ, ભરતે કરેલી ૧૪ વરસની ઉગ્ર તપસ્યાની પ્રતિજ્ઞા, પ્રભુને મેળવવા પ્રભુનાં જેવાં દુઃખ-કષ્ટ વેઠીને રહેવાની પ્રતિજ્ઞા કોઈ ભૂલી શકે એમ નથી. આવી પરાકાષ્ઠાની ભક્તિ અને વિયોગદુઃખ પછી કરેલાં આવાં પરાકાષ્ઠાનાં તપ જે દેશે જાણ્યાં છે, તે દેશમાં ધર્મનો શું એટલો બધો લોપ થયેલો છે કે તે પોતાનું વિયોગદુખ ભૂલી જાય અને પ્રથમની કર્તવ્યવિમુખ વિલાસપ્રિય દશામાં ઊતરી પડે? જેલમાં જતાં પહેલાં ગાંધીજી પોતાનો સંદેશો પ્રજા આગળ મૂકતાં ન ચૂક્યા, ‘પતંગનૃત્ય’ જેવા લેખ લખી પ્રજાના રોગની ચિકિત્સા અને તેનું નિદાન પોકાર કરીને કહી ગયા. ગાંધીજીને માટે રોનારા કેટલાએ તે સંદેશાનો અમલ કીધો? જ્યાં આંખમાંથી લોહીની ધારા વહેવી જોઈએ ત્યાં, જ્યારે દેશમાં અખંડ વિરહાગ્નિ સળગતો હોવો જોઈએ ત્યાં, જ્યાં જોઈએ ત્યાં કાં તો નિરાશ ઉદાસીનતા અથવા તો મૃત્યુ તરફ ધ્યાન કરતી વરયાત્રાઓની નોબત વાગી રહી છે. આ દેશને વિયોગદુઃખ છે, એમ કોણ કહેશે? [‘નવજીવન’ અઠવાડિક : ૧૯૨૩]