સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/એ દેશની ખાજો દયા!

          કૂતરી છે, કૂતરી! કોણ? કરોડો મતદારોએ ચૂંટેલી જેની સરકારો દેશમાં ૧૪ રાજ્યોમાં શાસન સંભાળે છે, તેવા એક રાજકીય પક્ષના લાખો સભ્યોએ જેને પોતાની સંસ્થાના પ્રમુખપદે સ્થાપેલ છે, તે નારી કૂતરી છે! એવું તે વળી કોણ કહે છે? ના, ભીંડી બજારના કોઈ મવાલીના ગલોફામાંથી એ ગાળ નથી નીકળી, સરહદપારના રાષ્ટ્ર-શત્રુ લશ્કરી માંધાતાની જીભેથી એ અંગારો નથી પડયો, ગટરના પત્રાકારત્વના કસબી કોઈ છાપાવાળાને એ ગલીચતા નથી સૂઝી... ત્યારે? દુનિયાભરના હિંદુઓને નામે ચાલતી એક સંસ્થાના આગેવાને, હલકટપણાની આટલી નીચી કક્ષાએ ઊતરીને એક સ્ત્રીને માટે, પોતે જેને પેટે જન્મ લીધો હશે તેના જેવી જ એક માતાને માટે, આ બીભત્સ વાણી એક જાહેર સભામાં ઉચ્ચારેલી છે. સ્વામી વિવેકાનંદથી માંડીને મહાત્મા ગાંધી જેવા વિશ્વવિખ્યાત મહાપુરુષોને પેદા કરનાર હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને કલંક લગાડનારી આવી અશ્લીલતા સામે અવાજ ઉઠાવનારો એક પણ માઈનો પૂત એ સભામાં નીકળ્યો હશે? એવો ગંદવાડ જાહેરમાં ઓકનારાની ઉપર થૂથૂકાર કરીને સભામાંથી પાંચ બહેનો પણ બહાર નીકળી ગઈ હશે? પોતે હિંદુ છે એવો હુંકાર ગર્વથી કરનારા ત્રાપુંડધારી— ખેસધારીઓ અને લોહીતરસ્યાં ત્રાશૂળધારકોની તો આ બાબતમાં તેમના નેતા સાથે સંમતિ જ હશે ને? ભગવાન ઈસુ અને કવિવર રવીન્દ્રનાથની વાણીનો સમન્વય જેમની કવિતામાં કેટલાકને દેખાયો છે તેવા ખલિલ જિબ્રાનના શબ્દોને આપણા સાંઈ મકરન્દે ગુજરાતીમાં ઉતાર્યા છે, તે આજે સાંભરે છે : દોસ્તો, સફરના સાથીઓ! એ દેશની ખાજો દયા — જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.... ‘રંગ છે બહાદુર!’ બિરદાવી ફુલેકે ફેરવે, જે પ્રજા નાચી રહે ગુંડા-ટણકને ટેરવે, ને દમામે જીતનારાને ગણે દાનેશરી — હાય, એવા દેશના જાણે ગયા છે દી ફરી!... નવા રાજાને કહે વાજાં વગાડીને : જીયો! જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂરિયો — ને છતાં એ કોઈ બીજાને સત્કારવા એ જ નેજા! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહ વા! જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા, દોસ્તો, સફરના સાથીઓ! એ દેશની ખાજો દયા.