સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/કપડું ધોતાં રહેવું પડે છે

          એક ભાઈએ સવાલ ઉઠાવ્યો છે કે, “ગમે તેવાં લખાણો પણ રાષ્ટ્રીય હિતને નુકસાનકર્તા એવા આચરણ પર પ્રભાવક નિયંત્રાણ ન લાવી શકતાં હોય, તો માત્રા સતત લખ્યા કરવાનો અર્થ શું છે?” આપણું શિક્ષણ રાષ્ટ્રના અધઃપતનનું કારણ બની ગયું છે, એવું જણાવીને તેઓ પ્રશ્ન કરે છે કે તો પછી શું શાળા-કૉલેજોને તાળાં મારી દેવાં? અંતમાં તેઓ આક્રોશ કરે છે કે આ બધાંનું કારણ એ છે કે “પ્રત્યેક બાળકને એક જવાબદાર નાગરિક બનાવવાની બાબત પરિવાર, સમાજ, શિક્ષણ, ધર્મ તેમ જ સરકાર, બધાં જ નિષ્ફળ ગયાં છે.” આ જાતની લાગણી વત્તેઓછે અંશે બીજા લોકો પણ આજે અનુભવતા હશે. ભૂતકાળમાં પણ શુભ હેતુથી વિવિધ પ્રવૃત્તિ ચલાવનારાં સજ્જનો અને સન્નારીઓની મહેનત વ્યર્થ ગયાનો ભાવ લોકો અનુભવતા રહ્યા છે. એ સહુને કાંઈક આશ્વાસન મળે તેવા આ શબ્દો બબલભાઈ મહેતાના પુસ્તક ‘મારી જીવનયાત્રા’માં આવે છે : હું નાનો હતો ત્યારથી મને એવો સત્સંગ અને એવું વાચન મળ્યાં છે કે આ માનવજીવન કાંઈક સારાં કામ કરી જવા માટે છે, એવો સંસ્કાર દિવસે દિવસે દૃઢ થતો ગયો. આત્મતત્ત્વને ઓળખવું અને જનસેવા કરવી, આ બે માર્ગ સ્વામી વિવેકાનંદે મને નાનપણમાં ચીંધ્યા હતા. યુવાનીમાં કાકા કાલેલકરે ગુલામ ભારતને સ્વતંત્રા કરવાની અને ભારતનાં તૂટેલાં ગામડાંને બેઠાં કરવાની પ્રેરણા ને માર્ગદર્શન આપ્યાં. ગાંધીજીએ શરૂ કરેલી સ્વાતંત્ર્યની લડતમાં ૧૯૩૦થી હું મારો યત્કિંચિત ફાળો આપી શક્યો. ગાંધીજીએ ગામડાંમાં બેસીને સેવા કરવાનો આદેશ આપ્યો, એટલે ૧૯૩૪થી હું માસરા ગામમાં જઈને બેઠો. ૧૯૪૭માં એમણે નઈ તાલીમનો વિચાર મૂક્યો, એનો પ્રયોગ કરવા નિમિત્તે મારે થામણામાં આવીને બેસવાનું થયું. બંને ગામોમાં અનેક કામો થયાં એમાં હું ક્યાંક ક્યાંક નિમિત્ત બન્યો, તેમાં હું ઈશ્વરની કૃપા જોઉં છું. વર્ષો સુધી સેવાનાં કાર્યો કર્યા પછી કેટલાક લોકોના મનમાં થાય છે કે, આમાં કાંઈ વળ્યું નહીં. આ દુનિયામાં કોઈને કશાની કદર નથી — આવો નિરાશાનો ભાવ જાગતો હોય છે. મને આવી નિરાશા થતી નથી. બાળકના સદ્ગુણોનું નિર્માણ કુટુંબમાં થતું હોય છે, એટલે સ્વસ્થ કુટુંબજીવન એ સ્વસ્થ સમાજજીવનની આધારશિલા બને છે. બધા કહે છે કે દુનિયા બહુ બગડી ગઈ છે. પણ હું કહું છું કે એવાં કેટલાંય કુટુંબો છે કે જે આ બગડી ગયેલી દુનિયાને મીઠી મીઠી બનાવી રહ્યાં છે. કપડું ધોઈએ ને એ ફરીફરી મેલું થાય છે. એને ફરીફરી ધોતાં રહેવું પડે છે. એમ માનવ-મનને પણ વારંવાર ધોતાં રહેવું પડે છે.