સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/કલિયુગમાં ઋષિ-પરંપરા

          અમદાવાદ શહેરમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને મહાત્મા ગાંધીએ એક ઋષિકર્મ કરેલું. તે પછી ઘણાં વરસે સૌરાષ્ટ્રના સણોસરા નામના ગામડામાં લોકભારતી વિદ્યાપીઠ સ્થાપીને, પોતાને “મહેતાજી” તરીકે ઓળખાવનાર નાનાભાઈ ભટ્ટે પણ એવું ઋષિકર્મ કર્યું હતું. તેમના અવસાન પછી મનુભાઈ પંચોળી અને બીજા સાથીઓએ મળીને લોકભારતી સંસ્થાનો વિકાસ ચાલુ રાખ્યો. આફ્રિકામાં વસતા એક ગુજરાતી કુટુંબની કન્યા મૃદુલા એ લોકભારતીમાં અભ્યાસ કરવા આવી. પોતાની નિર્મળ તેજસ્વિતા અને ભક્તિને કારણે તે મનુભાઈ જેવા ગુરુની એક પ્રિય શિષ્યા બની. આગળ જતાં નાનાભાઈ ભટ્ટે મણારમાં સ્થાપેલી લોકશાળામાં મૃદુલાબહેન શિક્ષિકા બન્યાં. દરમિયાન રવિશંકર મહારાજના સમાગમમાં આવીને એમનું વાત્સલ્ય પામ્યાં. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી પાસે થોડો વખત રહેવાનું સદ્ભાગ્ય પણ તેમને સાંપડ્યું. તે દિવસોમાં અમેરિકાના મહાન હબસી વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા તેમણે પંડિતજીને અંગ્રેજીમાં વાંચી સંભળાવેલી. ત્યારે સુખલાલજીના મુખેથી શબ્દો નીકળેલા કે, આ કથામૃત ગુજરાતીમાં પણ વહાવી શકાય તો કેવું સારું! કાર્વરના સંતજીવનથી પ્રભાવિત થયેલાં મૃદુલાબહેનના અંતરમાં તો એ અભિલાષા હતી જ. પછી મનુભાઈને તેમણે આ વાત કરી ત્યારે જાણવા મળ્યું કે લોકભારતીની સ્થાપના પાછળ રહેલું ગુપ્ત પ્રેરક બળ હતું અમેરિકાના બે હબસી મહાપુરુષોનું જીવન : તેમાંના એક ટસ્કેજી નામની વિખ્યાત હબસી વિદ્યાપીઠના સ્થાપક બુકર ટી. વોશિંગ્ટન અને બીજા તેમના સાથી અને સમર્થ અનુગામી વનસ્પતિ વિજ્ઞાની જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર. પછી તો હબસીઓના ઋષિ સમા એ કાર્વરને લગતાં જુદાં જુદાં પુસ્તકો મૃદુલાબહેન વાંચતાં ગયાં. સાથોસાથ લોકશાળાના પોતાના વિદ્યાર્થીઓને એ જીવનકથાનું રસાયણ પાતાં ગયાં. એ લાંબા અનુભવને અંતે એમણે લખેલી કાર્વરની જીવનકથા ‘દેવદૂત’ને નામે ૧૯૬૭માં બહાર પડી.