સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર મેઘાણી/કવિતાનું ઝરણું

          “દરેક માનવીના અંતરમાં ક્યાંક કવિતાનું ઝરણું વહેતું હોય છે.” એક મહાન ઇતિહાસકાર તથા નિબંધકાર ટોમસ કાર્લાઈલ (૧૭૯૫-૧૮૮૧)ના અનુભવ અને ચિંતનમાંથી નીપજેલા આ શબ્દો છે. ફ્રાંસની ક્રાંતિ (૧૭૮૯) વિશેના એમના ગ્રંથમણિના પ્રકાશને કાર્લાઈલને અગ્રણી સાહિત્યકારોમાં સ્થાન અપાવેલું. આપણા સહુના અંતરમાં વહેતા કવિતાના ઝરણાને એમણે ચીંધી બતાવ્યું. તુલસીદાસથી માંડીને લોકગીતોના અનામી અદના રચનાકારોની કવિતા આપણી પ્રજાના દરેક સ્તરને સદીઓથી સ્પર્શતી આવી છે. વીસમી સદી દરમ્યાન ગુજરાતી વાચકોને જે કવિતા માણવા મળી તેમાંથી કેટલાંક કાવ્યો ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ત્રણ ભાગમાં સંગ્રહાયેલાં છે. એ ત્રણ ભાગની મળીને પોણો લાખ નકલ ત્રણેક વરસમાં છપાઈ હતી. એવો અંદાજ કરી શકાય કે તેનો એક યા બીજો ભાગ પાંચેક લાખ લોકોના હાથમાં આવ્યો હશે અને તેના કેટલાક અંશો તેમણે વાંચ્યા હશે. આ વાચકોએ માણેલાં તેનાં લખાણોમાં થોડીઘણી કાવ્યપંક્તિઓ પણ હશે. ફક્ત બે-બે પંક્તિની બનેલી કેટલીક યાદગાર કાવ્યકણિકા ‘અરધી સદીની વાચનયાત્રા’ના ફક્ત પહેલા ભાગમાંથી વીણીને અહીં રજૂ કરી છે. માત્ર બે જ લીટીમાં પણ મનુષ્યના અંતરને સ્પર્શી જવાની કેટલી બધી શક્તિ હોય છે, તેનો અનુભવ એમાંથી થાય છે. ‘નિબંધો’ નામના પોતાના પુસ્તકના બે ભાગથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર અમેરિકન લેખક રાલ્ફ વાલ્ડો એમર્સન (૧૮૦૩-૧૮૮૨) કહે છે તેમ, થોડાક જ શબ્દોમાં કેટલી પ્રચંડ શક્તિ રહેલી છે તે કવિતા આપણને સમજાવે છે અને આપણી વાચાળતાને અંકુશમાં રાખે છે. પણ મનોરમ્ય કાવ્યપંક્તિઓ આપણા ચિત્તમાં રમી રહે ત્યારે એના સર્જકોનાં નામ સ્મરણમાં રહે નહીં, એવું બનતું હોય છે. નીચે આપેલી કાવ્ય-કણિકાઓની સાથે તેનાં કવિ-નામ મૂક્યાં નથી તે એટલા માટે કે આપણી સ્મૃતિને આપણે જરા ઢંઢોળી શકીએ. જરા જુઓ તો, આમાંથી કેટલી કણિકાના કવિઓનાં નામ તમે યાદ કરી શકો છો? તેમાં મદદરૂપ થવા, બધી કણિકાઓ અને તેના કવિઓનાં નામ (અટક પ્રમાણે) કક્કાવાર આપેલાં છે. હવે એક એક કણિકા લઈને એ યાદીમાંથી તેના કવિ કોણ તે યાદ કરવાનો પ્રયત્ન કરી જોશો? જેમકે, કણિકા ૩૪ના કવિ રવીન્દ્રનાથ ઠાકુર (ક્રમાંક ૧૧) અને બંગાળી પરથી તેના અનુવાદક નગીનદાસ પારેખ (ક્રમાંક ૨૪) છે. એ રીતે બને તેટલી કણિકા અને તેના કર્તાનાં જોડકાં બનાવતા જવાય. (૧) અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા- નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા’! (૨) અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ! (ભગવાનની યે મા તો હશે જ ને?) (૩) અમૃત તો હાથે ન્હોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું- દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું! (૪) અહો, ઊગ્યા મુક્તિના સૂરજ, નિજનાં રાજ રચાયાં, પણ સુખશાંતિ તણા ચોઘડિયાં હાય, હજી નવ વાગ્યાં! (૫) આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતાં નથી તેયે નભાવી જાય છે. (૬) આપજો જેને ઉજાસો આપવાના- લો, અમે લીધી અમાસો : વાત શી છે? (૭) આપણાં એક વારનાં ચળકતાં ગીતો ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં. (૮) આ મારી પાસે શસ્ત્ર છે જે શબ્દ નામનું… છે શબ્દ ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું (૯) આ સૂની સૂની રાત મહીં કોઈ ઢોલક હજુ બજાવે છે. (૧૦) આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી;… આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને! (૧૧) આંખમાં અંગાર છે ને કાંઈ થૈ શકતું નથી, આદમી જૂંઝાર છે ને કાંઈ થૈ શકતું નથી! (૧૨) આંખમાં કાજળ આંજ્યું છે, માથું ઓળ્યું છે મીંડલાં લઈ; બજરબટા ને પારા નજરિયા, રાખતી એ સીવવાની સૂઈ. (૧૩) આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર- વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. (૧૪) આંખોમાં ઊગી ગ્યાં મહુડાનાં વન અને ગુલમ્હોરો ગાલમાં શા મ્હોરતા! (૧૫) આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ : ઘરમાં ઉજાસ મ્હારો વીર જો! (૧૬) ઉંબરે ઊભાં રહી રાહ કોણ જોશે, હવે દેશે હોંકારો કોણ હૂંફથી? (૧૭) એક ઘડી એ કબૂતરાં ને ઘડી અન્ય એ સાવજ. (૧૮) એકાકી, એકાંતઘોર મંડાણ પરે મથવું પડશે એકલપંડે દિનરાત. (૧૯) એ સર્વ એનાં વરદાન મંગલ- કૃતાર્થ થૈ, તૃપ્ત બની વધાવીએ. (૨૦) કદી વિસ્તરે રણ સમંદરના દિલમાં, કદી રણની આંખોમાં ડોકાય દરિયો. (૨૧) કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? -કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી! (૨૨) કેવી હશે ને કેવી નૈ? મા મને કોઈ દી સાંભરે નૈ! (૨૩) કેવું કેવુંક થશે ગુજરાત-કોણ જાણે?… આ તો ઉઘડંત રાત કે પ્રભાત-કોણ જાણે? (૨૪) કોઈ તો આવે, બુઝાવે આગને! કોઈ તો આવે, ખિલાવે બાગને! (૨૫) કો’ક કામળી, કો’ક બંસરી, કો’ક અધૂરું ગાન,… બધું ગયું વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન! (૨૬) ખરેખાત મા-પુત્ર સંબંધ કેવો? ખરે જાણવો પૃથિવી ને વૃક્ષ જેવો! (૨૭) ખાક તો તારી આ તલસતી લાલવરણાં ગુલાબો મહીં કોળવા. (૨૮) ખોરડાં મટી ગ્યાં, અમે ખંડેર કે’વાણાં, કિયે મોઢે દઈં આવકારા રે? (૨૯) ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું, ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું! (૩૦) ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું રે પોર. (૩૧) ચંદરની શીતળતા મા, તારે ખોળલે ને આંખોમાં ઝરમરતી પ્રીત. (૩૨) ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો-એક્કે કાચું રહે નહિ અંગ! (૩૩) ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને ભરી જૈશ એક-બે બક્કા, હો મા! (૩૪) ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે. (૩૫) જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં, હવે શું આવશે એથી ભયંકર?-જોઈ લેવાશે! (૩૬) જાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે? (૩૭) જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી, એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની. (૩૮) જો જાગી જશે મુજ માતા, નિજ અંગ પછાડી પંથે મારા ચરણ રંગશે રાતા! (૩૯) ઝીણી ઝીણી ઝરમર મેહ મીઠી વરસે. (૪૦) ડુંગરે ગાવલડી ભાંભરે, મને રહી રહી સાંભરે. (૪૧) ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા, છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત! (૪૨) તારા ઘરમાં, જા, નહીં રહીશું, વનવગડામાં ભાગી જઈશું! (૪૩) તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને આ પારે શું વા સામે પાર! (૪૪) તે પરોઢે જીવતા હોવું, પરમ આનંદ એ; હોવું પરંતુ જુવાન, તે તો સ્વર્ગસમ! (૪૫) દશે દિશ ભભૂકે અગન કેરી નાળું- છતાં માનું : માનવનું ભાવિ રૂપાળું! (૪૬) દેવ હાજર ના રહી શકે ઘર ઘર મહીં, મા સ્વરૂપે જન્મ લે જીવતર મહીં. (૪૭) દોસ્તો, સફરના સાથીઓ! એ દેશની ખાજો દયા- જ્યાં ધર્મનો છાંટો નહીં, ફીરકા છતાં ફાલી રહ્યા. (૪૮) ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓની દોટમદોટ; પવન ફૂંકાયા ધરતી ઉપર, ધૂળ તણા ત્યાં ગોટમગોટ. (૪૯) નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે- બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે! (૫૦) ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર ને ખેતરોને ખૂંદતું આવી રહ્યું છે કાગળો કેરું કટક. (૫૧) ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં; છે ભલે હથિયાર મારાં, ઘાવ તમારા હાથમાં! (૫૨) બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં. (૫૩) બને કે તું કો’ દી જનમીશ તરુ થૈ ભવરણે, તને હું છાયાથી લઈશ પરખી શીતલપણે. (૫૪) બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ. (૫૫) બાજુમાં ગુલ અને નજરમાં બહાર, હાથમાં જામ, આંખડીમાં ખુમાર! (૫૬) બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને. (૫૭) ભવ તણા સાગર મહીં કોનો સહારો, ક્યાં સુધી? તુંબડે નિજના અહીં સર્વને તરવાનું રહ્યું. (૫૮) ભાતું ખૂટી જજો ને પાણી ખૂટી જજો,… તોય મારો પંથ હજી બાકી હજો! (૫૯) ભારતની જીવનગંગામાં ભળી જઈ હું થાઉં અશેષ; ભારતની માટીમાં મળું, ત્યાં લ્હેરો મુજ સ્વપ્નાંનો દેશ! (૬૦) મનના મારા એકલ કૂબે જગ આખાની સાહ્યબી ઝૂલે! (૬૧) મરજીવા થઈ સાગર તરશું, પવન પલાણી થનગન ફરશું. (૬૨) મુલાયમ ગુલાબ-શું હૃદય, ધૈર્ય મેરુ સમું, પ્રચંડ પુરુષાર્થધોધ, નભ-શાં ઊંડાં સ્વપ્ન કૈં (૬૩) રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી; મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી. (૬૪) રાધા કોઈ મળે-ન-મળે, ના મળે ભલે; એ આપણી ફરજ છે કે વેણુ વગાડીએ. (૬૫) વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ. (૬૬) શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુધી? મૌન ના મૂકે મલાજો ત્યાં સુધી. (૬૭) સઘળાં સુખે સૂઈ રહે છો- આપણે તો, ભાઈ! જાગતાં રે’શું! (૬૮) સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા. (૬૯) સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ, હા! ફરી મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી. (૭૦) હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ગાર સફરી થૈ, વટાવી કાળના વગડા, પધાર્યા છે કિતાબોમાં. (૭૧) હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે, હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે (૭૨) હતા જન્મ્યા જ્યાં, તે લઘુક હતું આનંદ-ભવન; તમે ઝંખ્યું : આખ્ખું કરવું જગ આનંદ-ભવન! કવિઓ ૧. અનવર આગેવાન ૨. ‘ઉશનસ્’ ૩. ન્હાનાલાલ દ. કવિ ૪. મીરઝા કેમ્પે ૫. પિંગળશી મે. ગઢવી ૬. અમૃત ‘ઘાયલ’ ૭. રઘુવીર ચૌધરી ૮. ‘જટિલ’ ૯. ખલિલ જિબ્રાન ૧૦. ઉમાશંકર જોશી ૧૧. રવીન્દ્રનાથ ઠાકુર ૧૨. જયંતીલાલ સો. દવે ૧૩. જુગતરામ દવે ૧૪. નર્મદાશંકર દવે (નર્મદ) ૧૫. નાથાલાલ દવે ૧૬. મકરન્દ દવે ૧૭. હરજીવન દાફડા ૧૮. મણિલાલ દેસાઈ ૧૯. હેમન્ત દેસાઈ ૨૦. શિવકુમાર નાકર ૨૧. શંકરભાઈ બુ. પટેલ ૨૨. ઉપેન્દ્ર પંડ્યા ૨૩. જયન્ત પાઠક ૨૪. નગીનદાસ પારેખ ૨૫. પ્રહ્લાદ પારેખ ૨૬. ‘બાદલ’ ૨૭. દીપક બારડોલીકર ૨૮. હસિત બૂચ ૨૯. ‘બેકાર’ ૩૦. દેવેન્દ્ર ભટ્ટ ૩૧. યોગેન્દ્ર વિ. ભટ્ટ ૩૨. સુમન મજમુદાર ૩૩. ‘આદિલ’ મન્સૂરી ૩૪. ‘મરીઝ’ ૩૫. નીતિન વિ. મહેતા ૩૬. કરસનદાસ માણેક ૩૭. ઝવેરચંદ મેઘાણી ૩૮. દેવજી રા. મોઢા ૩૯. જયમલ યાદવ ૪૦. લાભશંકર રાવલ ૪૧. લોકસાહિત્ય ૪૨. વિલિયમ વર્ડ્ઝવર્થ ૪૩. શોભન વસાણી ૪૪. ભગવતીકુમાર શર્મા ૪૫. રાજેન્દ્ર શાહ ૪૬. ‘શાહબાઝ’ ૪૭. સુન્દરમ્ ૪૮. કિસન સોસા છેવટે, તમે બનાવેલાં જોડકાંનો તાળો આ યાદી સાથે મેળવી શકશો : કણિકા ૧ : કવિ ૫… ૨ : ૪૪… ૩ : ૩૬… ૪ : ૪૭… ૫ : ૩૪… ૬ : ૧… ૭ : ૨૩… ૮ : ૬… ૯ : ૧૬… ૧૦ : ૪૬… ૧૧ : ૧૭… ૧૨ : ૩૯… ૧૩ : ૨૩… ૧૪ : ૨૬… ૧૫ : ૩… ૧૬ : ૩૫… ૧૭ : ૨૮… ૧૮ : ૧૬… ૧૯ : ૪૭… ૨૦ : ૩૩… ૨૧ : ૬… ૨૨ : ૧૧… ૨૩ : ૨… ૨૪ : ૨૭… ૨૫ : ૭… ૨૬ : ૧૪… ૨૭ : ૪… ૨૮ : ૧૨… ૨૯ : ૨૧… ૩૦ : ૪૧… ૩૧ : ૨૦… ૩૨ : ૧૨… ૩૩ : ૧૧… ૩૪ : ૧૧… ૩૫ : ૧૯… ૩૬ : ૨૩… ૩૭ : ૪૮… ૩૮ : ૧૦… ૩૯ : ૪૫… ૪૦ : ૧૦… ૪૧ : ૩૧… ૪૨ : ૧૧… ૪૩ : ૨૫… ૪૪ : ૪૨… ૪૫ : ૩૬… ૪૬ : ૩૦… ૪૭ : ૯… ૪૮ : ૩૨… ૪૯ : ૩૬… ૫૦ : ૨૮… ૫૧ : ૨૩… ૫૨ : ૩૭… ૫૩ : ૨… ૫૪ : ૨૫… ૫૫ : ૬… ૫૬ : ૧૦… ૫૭ : ૨૯… ૫૮ : ૩૮… ૫૯ : ૧૦… ૬૦ : ૪૦… ૬૧ : ૨૮… ૬૨ : ૧૦… ૬૩ : ૧૫… ૬૪ : ૩૪… ૬૫ : ૨૫… ૬૬ : ૨૩… ૬૭ : ૪૩… ૬૮ : ૨૩… ૬૯ : ૨૨… ૭૦ : ૨… ૭૧ : ૧૮… ૭૨ : ૪૭. (કણિકાની સંખ્યા ૭૨ની થાય છે અને કવિઓની ૪૮, કારણ કે કેટલાક કવિઓની એકથી વધુ કણિકા આવે છે.) આની ઉપરથી ‘કૌન બનેગા ક્રોડપતિ’ જેવો કાર્યક્રમ બનાવવા માટે સુરેશ દલાલને અર્પણ!