સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/તમે

અમે રે વાળેલું કોરું આંગણું
તમે કંકુ-પગલાંની ભાત,
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
ભીંજે એક ભીતરની વાત…
તમારે સગપણે અમીં મ્હોરિયા.
તમે રે ચોપાટ્યું માઝમ રાતની
અમે ઘાયલ હૈયાના ધબકાર…
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
સોણલાના ઊઠે રે ઘમકાર…
તમારા સોણામાં અમીં મ્હોરિયા.
અમે રે રેવાલે છબતા ડાબલા
તમે ખરિયુંની ઊડતી ધૂળ,
આંખો અણિયાળી અમિયલ આભલું,
અમિયલ ધરતીનું કૂળ…
તમારે પડછાયે અમીં મ્હોરિયા.
શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
વરસ્યું આભ અનરાધાર;
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
શમણાં આવ્યાં કે સવાર?
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું!
[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૭]