સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/ઊલટાનો આનંદ

Revision as of 10:31, 23 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજ્યમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્વાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજ્યમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત અરજી કરી. પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુઃખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા. એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં હસતાં બોલ્યો : “એમાં દુઃખી થવા જેવું શું છે? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજ્યમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”