સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ શુદ્ધિ

પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય રામાનુજ ઘડપણમાં ખૂબ અશક્ત થઈ ગયા હતા. તો પણ કોઈના ખભાનો ટેકો લઈને તેઓ સ્નાન કરવા નદીએ જતા. નદી ભણી જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યના ખભા પર હાથ મૂકીને જતા, અને સ્નાન કર્યા પછી શૂદ્ર જાતિના શિષ્યના ખભાનો આધાર લઈને આશ્રમે પાછા ફરતા. રામાનુજની આવી વિચિત્રા રીત જોઈને જૂના વિચારના સનાતની લોકો બહુ અકળાતા. એક દિવસ તેઓ ભેગા થઈને રામાનુજાચાર્ય પાસે ગયા અને કહેવા લાગ્યા, “આચાર્યજી, આપે જોઈએ તો સ્નાન પહેલાં શૂદ્રનો સ્પર્શ કરવો; પરંતુ સ્નાન કરીને શુદ્ધ થયા પછી તો મલિન શૂદ્રના ખભા પર હાથ ન જ મૂકવો જોઈએ.” આ સાંભળીને આચાર્ય હસતા હસતા બોલ્યા, “અરે ભાઈઓ, તમે જેને શૂદ્ર સમજો છો તેના ખભા ઉપર હું સ્નાન કર્યા પછી હાથ મૂકું છું તે તો ઉચ્ચ કુલીન જાતિના મારા અભિમાનને ધોઈ નાખવા માટે. એ શુદ્ધિ હું પાણી વડે કરી શકું તેમ નથી.”