સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/પૂરા દસ હજાર નહીં!

જમશેદજી મહેતા કરાંચી શહેરના એક મહાન નાગરિક તરીકે જાણીતા થઈ ગયા. એમનું સાધુચરિત જીવન સૌને પ્રેરણા આપતું હતું. કરાંચીમાં લેડી ડફરીન સાર્વજનિક હૉસ્પિટલ છે. એક વાર એ હૉસ્પિટલ માટે ફંડ ભેગું કરવાનું સૌએ વિચાર્યું. જમશેદજી મહેતાને એ માટેની કમિટીમાં લેવામાં આવ્યા. કમિટીએ એવું ઠરાવ્યું કે જે જે દાતા દસ હજાર રૂપિયા આપે તેના નામની આરસની તકતી હૉસ્પિટલની દીવાલ પર મૂકવી. ઘણા સુખી ગૃહસ્થોએ મોટી મોટી રકમ નોંધાવી. જમશેદજીએ પણ દાનમાં રકમ આપી... પણ દસ હજારથી થોડાક ઓછા રૂપિયા તેમણે આપ્યા. એમણે દસ હજાર પૂરા કેમ નહીં આપ્યા હોય, તે કહેવાની જરૂર નથી ને? [‘જનસત્તા’ દૈનિક : ૧૯૭૬]