સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/“રોટી વડે નહીં — ”

સ્પેઈન દેશમાં આંતરયુદ્ધ ચાલતું હતું, તે વખતે ફાસીવાદી સેનાએ પાટનગર માડ્રિડને ઘેરો ઘાલ્યો હતો. ઘેરો ઘણા દિવસ સુધી ચાલ્યો. શહેરની અંદર અનાજ ખૂટી ગયું. ભૂખમરાથી લોકો પરેશાન થઈ ગયા હતા. આવી કટોકટી વખતે એક દિવસ ફાસીવાદીઓએ માડ્રિડ શહેર પર વિમાનમાંથી પાંઉરોટીનો વરસાદ વરસાવ્યો. એ રીતે ભૂખે મરતા પ્રજાતંત્રાવાદીઓને લલચાવીને તે પોતાના પક્ષમાં લેવા માગતા હતા. પરંતુ માડ્રિડના ભૂખ્યા નગરજનો એ પાંઉરોટીને અડયા પણ નહીં. વ્યવસ્થાપકોએ સડકો પરથી બધી પાંઉરોટીને ભેગી કરી. પછી એનાં બંડલો બાંધીને શહેરની બહાર ફેંકી દીધી. સાથે એક ચિઠ્ઠી મૂકી. તેમાં માડ્રિડવાસીઓનો જવાબ લખેલો હતો : “માડ્રિડ નગરીને ફાસીવાદી રોટી વડે નહીં જીતી શકાય. એ માટે તો તમારે લડવું પડશે. પ્રજાસત્તાકના રક્ષણ માટે અમે એકેએક જણ ખપી જવા તૈયાર છીએ.”