સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૂળજીભાઈ શાહ/તાર — તંબૂરના ને હૈયાના


દરભંગા(બિહાર)માં દર વર્ષે દુર્ગાપૂજાનો મોટો મેળાવડો થાય છે. તેમાં પ્રસિદ્ધ ઠૂમરી-ગાયિકા ગિરિજાદેવીને પણ આમંત્રયાં હતાં. પણ કોઈ બાબતમાં કાર્યક્રમના આયોજકોની સાથે તેમને બોલાચાલી થઈ ગઈ એટલે એ લોકોએ તેમને કહ્યું, “તમારો કાર્યક્રમ રાતના ચાર વાગ્યે થશે.” અને ચાર વાગવા આવ્યા ત્યારે એમણે શ્રોતાઓને કહ્યું કે હવે કાર્યક્રમ પૂરો થયો છે, એટલે શ્રોતાઓ તો ચાલ્યા ગયા. ગિરિજાદેવી મંડપમાં ગયાં ત્યારે ત્યાં કોઈ ન મળે. તેમને ઘણું દુઃખ થયું. મંડપની સામે જ દુર્ગામાતાની મૂર્તિ હતી, બાજુમાં ભગવાન શિવનું મંદિર હતું. તે જ વખતે પ્રભાતની પૂજાની શરૂઆત થઈ. ઘંટ અને શંખના નાદ સાથે ગિરિજાદેવીના હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા. તેમણે વિચાર્યું, લોકો સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન તો સાંભળશે જ ને? ગિરિજાદેવીએ દુર્ગામાતાની સામે બેસી આંખો બંધ કરીને તંબૂરના તાર છેડ્યા, અને તેની સાથે જ હૃદયના તાર પણ મળી ગયા. કોકિલ કંઠમાંથી રાગ અહિર ભૈરવ વહેવા માંડ્યો : “હે બેરાગી! રૂપ ધરે મેરે મન ભાયે.” …અને જ્યાં આખો મંડપ ખાલી હતો ત્યાં ધીમે ધીમે ત્રણથી ચાર હજાર માણસો ભેગા થઈ ગયા. તે પછી તેમણે ઠૂમરીમાં ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ અને જોગિયામાં ‘જનની મૈં ન જાઉં બિન રામ’ ભજન ગાયું. ગાતાં ગાતાં તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી.