સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૃદુલા મહેતા/જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“એય ટાબરા, ઊઠ! ચાલ જલદી કર!” બહાર તો હજી અંધારાં પથરાયાં હતાં. કડકડતી ટાઢમાં વહેલી સવારે એક ગોરો ખેડુ એક હબસી છોકરાને ઢંઢોળી રહ્યો હતો. “અલ્યા ઊભો થાય છે કે દઉં એક થોબડામાં! ચાલ ઊઠ!” ટૂંટિયું વળીને પડેલો નાનકડો છોકરો ચડપ કરતો બેઠો થઈ ગયો. પાતળા દોરડી જેવા હાથ-પગ, દૂબળું ફિક્કું મુખ અને માંડ માંડ દેખાય તેવી નાની-શી કાયા! ફેબ્રુઆરી માસની આકરી ટાઢ અને ખેડૂતનાં એથીયે વધારે આકરાં વેણ સાંભળીને બિચારો બાળ ધ્રૂજતો ઊભો રહ્યો. આખાયે બેડોળ અંગમાં તેની બે ચમકતી તેજસ્વી આંખો ધ્યાન ખેંચે તેવી હતી. જોકે તે બહુ બોલી શકતો નહિ, પણ તેની ચપલ ચકોર આંખો બધે ફરી વળતી. તે છ-સાત વર્ષનો થયો હતો. મરઘાં-બતકાંનું ધ્યાન રાખવું, ગાય દોહવી, બગીચામાં નીંદામણ કરવું એવું તો છ-સાત વર્ષનો ઢાંઢો કરી જ શકે ને! ગઈ કાલે તેણે કલાકો સુધી બગીચામાં કામ કર્યું હતું. તેની કમ્મર ભાંગી પડતી હતી. આંખોમાં ઊંઘ અને થાક ભર્યાં હતાં. પરાણે પરાણે તે નીચે આવ્યો. રસોડામાં સુઝનની હેતાળ નજર ભાળતાં જ તેની આંખો વાત્સલ્યથી ચમકી ઊઠી. “ના, ના હજી તે ઘણો નાનો છે. કાલનો તે ખૂબ થાકી ગયો છે. આજે મારે તેનું ઘરે કામ છે. તે ખેતરે નહિ આવે.” સુઝન પોતાના પતિને કહી રહી હતી. “ત્યારે મને કામમાં કોણ મદદ કરશે?” ખેડૂત ગુસ્સામાં બરાડી ઊઠયો, “આ બધો મોલ સડી જશે તેનું શું?... મરજે પછી ભૂખે!” “દેવાવાળો બેઠો છે. બિચારા છોકરાને સુખે રહેવા દો. કાલ સવારે કમાતો— ધમાતો થઈ જશે.” સુઝનના શબ્દે શબ્દે કરુણા ટપકતી હતી. છોકરો એકીટશે તેના તરફ જોઈ રહ્યો હતો. જાણે તેની વાણીમાંથી અમીના ઘૂંટડા પી રહ્યો હતો. “બહુ થયું”, ખેડૂત ભભૂકી ઊઠયો, “કેવો રૂપાળો ઘોડો હતો. બદલામાં આ આવ્યું ને?” કહેતાં તેણે બાળક તરફ એક વેધક દૃષ્ટિ નાખી અને બારણું ધડાક કરતું પછાડતો એ બહાર નીકળી ગયો. સુઝને બાળક પાસે આવી તેને છાતી સરસું ચાંપ્યું. બાળકની આંખમાં આંસુ ઊભરાતાં હતાં. માથે હાથ ફેરવતાં તે બોલી, “એ તો બોલે એટલું જ! ભકભકિયો સ્વભાવ પડયો. ચાલ, આપણે જલદી ચૂલો પેટાવીએ. એક વાર રોટલા પેટમાં પડશે એટલે બધું ઠીક થઈ જશે.” દૂર દૂર ક્ષિતિજ પરની ટેકરીઓ પર ઉષાની આછી છાંટ ઊઘડી રહી હતી. ખેડુ કાર્વર બહાર નીકળીને મોટા કોઠાર તરફ વળ્યો. તેનાથી નઃશ્વાસ નંખાઈ ગયો. એક દિવસ ધાનથી ભરેલો કોઠાર આજે કેવો ખાલીખમ પડયો હતો! એક દિવસ માઈલો સુધી પથરાયેલાં તેનાં હરિયાળાં ખેતરો જોઈને આંખ ઠરતી. ફળથી લચી પડતી ઘટાદાર વાડીને લીધે નજીકમાં નજીક રહેતા ખેડૂતનું ઘર પણ દેખાતું નહીં. પણ આજે તો ધરતી જાણે ખાવા ધાય છે. ને પેલો છોકરો પણ શું કામમાં આવવાનો હતો? અમેરિકાના પ્રજાજીવનમાં એક ભારે મોટો ઝંઝાવાત ઊભો થયો હતો. ગુલામીનાબૂદીનો પવન ફૂંકાયો હતો. કેટલાંક રાજ્યો કોઈ પણ ભોગે સમાજનું આ કલંક ધોવા માગતાં હતાં. જ્યારે કેટલાંક રાજ્યોને ગુલામીનાબૂદી પરવડે તેમ નહોતું. ગુલામીનાબૂદી કરવા ઇચ્છતા અને ગુલામી જાળવી રાખવા ઇચ્છતા પ્રાંતો વચ્ચે ભારે રસાકસી અને ખેંચતાણ ઊભાં થયાં. રાજ્યો વચ્ચેના આ વિગ્રહમાં સૌથી વધારે સાઠમારી મીસુરી રાજ્યના ભાગ્યમાં આવી હતી. ત્યાંની પ્રાંતીય સરકારે જાહેર કરેલું : “શહેરને ધજાપતાકાથી શણગારો. દરેક વ્યક્તિને માલૂમ થાઓ કે આજે ઈ. સ. ૧૮૬૫ના જાન્યુઆરી માસના ૧૧મા દિવસે મીસુરી પ્રાંતમાં સદાને માટે ગુલામી નાબૂદ થાય છે. હવે પછી ઈશ્વર સિવાય કોઈ માલિક નથી, કોઈ ગુલામ નથી. આતશબાજી ફોડો, રોશની કરો. માનવજંજીરો તૂટી છે. અંધારપછેડો ચિરાયો છે, પ્રકાશનાં કિરણો ફેલાયાં છે. સ્વાતંત્ર્યની ચેતના પ્રગટી છે. પ્રભુનાં શ્યામલ સંતાનો માટેનું સુવર્ણ પ્રભાત ખીલ્યું છે.” જાહેરાત રોમાંચક હતી. પ્રભુના એ શ્યામલ સંતાનો સુધી પહોંચી — ન — પહોંચી તે પહેલાં તો રાજ્યો રાજ્યો વચ્ચેના વિગ્રહે એવું સ્વરૂપ પકડયું હતું કે આ પ્રદેશમાં આવેલા ખંતીલા જર્મન ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. તેમને ગુલામીપ્રથા ગમતી જ ન હતી. તેમને ખેતીમાં મદદની જરૂર પડતી એટલે ગુલામો ખરીદવા પડતા, પણ જર્મનીમાં પડેલી ટેવ મુજબ તેની સાથે સાથીના જેવો જ વર્તાવ રાખતા. કાર્વરને પણ ખેતર પર કામની ખેંચ પડવા લાગી. મજૂરો મળતા નહીં અને પરાણે પકડી લાવેલા ગુલામોના વ્યાપારના સહભાગી થવાનું તેને ગમતું નહીં. પણ શું કરે? તે વખતે કાર્વરની પત્ની સુઝન નોકરડી મેરીને ખરીદી લાવેલી. અત્યંત શરમાળ અને નમ્ર મેરી ઘરકામમાં ઉપયોગી થતી. તેનો પતિ થોડા માઈલો પર એક મોટા જમીનદારને ત્યાં ગુલામ હતો. ઘણી વાર મહિનાઓ સુધી તે તેની પત્નીને મળવા આવી શકતો નહિ. તેના મૃત્યુના સમાચાર પણ ઘણા મોડા મળ્યા હતા. કોઈકે કહ્યું હતું કે કંઈક લાકડું માથે પડતાં તેનું મૃત્યુ થયું હતું. તે પછી મેરી જાણે મૂંગી થઈ ગઈ હતી. તેની વાણી, તેનું હાસ્ય સુકાઈ ગયાં હતાં. ક્વચિત્ પોતાના નાના બાળક જ્યૉર્જને ઊંઘાડતાં તેનું એકાદ હાલરડું સંભળાતું. મેરી અને તેનાં બાળકો રહેતાં તે ભાંગી પડેલી ઝૂંપડી તરફ કાર્વરની નજર પડી. તેનો ગુસ્સો ઓસરી ગયો. તેની પત્નીની વાત તેને સાચી લાગી. તે બિચારા માંદલા બાળક પાસેથી કામની શી આશા રાખવી! પાંચ વર્ષ પરનો ભૂતકાળ તેની નજર સામે તરવા લાગ્યો. કેવી ભયંકર ઠંડી હતી તે રાતે! ચાબખા વીંઝાતા હોય તેવા પવનના સુસવાટા વચ્ચે પોતે દોડીને ઘરભેગો થયો હતો. ગામમાં સમાચાર જાણવા મળ્યા હતા : “ગુલામોને સાચવજો — લૂંટારાઓ સરહદ વટાવીને આ પ્રદેશમાં આવી પહોંચ્યા છે.” પગ દોડતા હતા તે કરતાં વધારે વેગથી તેનું મન કામ કરી રહ્યું હતું. આજુબાજુ દરેક ઘરનાં બારણાં ટપોટપ બંધ થઈ રહ્યાં હતાં. ગુલામીનાબૂદી અંગેના આંતરવિગ્રહના તે દિવસો હતા. અમેરિકા આખું ખળભળી ઊઠયું હતું. યુદ્ધના છેલ્લા દિવસો હતા છતાં કેટલાક પ્રાંતોમાં હજી ગુલામોની બહુ જ સારી કિંમત ઊપજતી. બીજી ચોરીઓ કરતાં ગુલામોની ચોરીમાં ઘણો નફો રહેતો. પોતે ઘરે પહોંચ્યો એટલે તરત જ ઘોડાને તબેલામાં મૂકી બરાબર તાળું વાસ્યું. લૂંટારુઓનું ભલું પૂછો! હાથ આવ્યું તે ગમે તે લેતા જાય! દૂરથી મેરીના હાલરડાનો ધીમો સૂર કાને પડતો હતો. ઘરમાં પગ મૂકતાં તેણે સુઝનનો ચિંતાતુર ચહેરો જોયો. સમાચાર અહીં પહોંચી ગયા હતા. બંનેએ સાંભળેલી વાતો એકબીજાને કહી. “આપણે મેરી અને તેનાં બાળકોને અહીં ઘરમાં લઈ લઈએ તો કેમ?” છેવટે સુઝને કહ્યું. “પેલાઓ તો મરદોની શોધમાં છે, સ્ત્રીઓને કોઈ નહીં કનડે!” કહેતાં કહેતાં પોતે પથારીમાં લંબાવ્યું. આખા દિવસના થાકે તેની આંખોને ઘેરી લીધી. પરંતુ તેની ગણતરી ખોટી પડી. મધરાતને સુમારે વાતાવરણને ભેદી નાખતી એક કારમી ચીસ સંભળાઈ. તેણે ઓળખ્યો તો મેરીનો જ અવાજ હતો. કાર્વરે એકદમ બંદૂક ઉપાડી અને છલાંગ મારતો બહાર નીકળી ગયો. કાળી ઘોર અંધારી રાતમાં તેને પોતાને હાથ પણ દેખાતો ન હતો. માત્રા દૂર દૂર સરી જતા ઘોડાના દાબડા અને કોઈની ગૂંગળાતી દબાતી ચીસોના પડઘા તેના કાન પર અથડાયા. તે મેરીની ઝૂંપડી તરફ દોડયો. તેને પગે કાંઈક અથડાયું. મેરીની નાની છોકરી ઝૂંપડી બહાર અર્ધબેભાન દશામાં પડી હતી. તેના માથામાંથી લોહીની ધારા વહેતી હતી. તેનો ભાઈ ખૂણામાં ધ્રૂજતો ઊભો હતો, ઝૂંપડી નિર્જન હતી. મા અને સૌથી નાના બાળકનો પત્તો ન હતો. ગામમાં મદદ મેળવવા તે પહોંચે તે પહેલાં ઘણો સમય વીતી ગયો હતો. ગામમાં તેને ઘણા સમદુખિયા મળ્યા. લૂંટારાઓની પાછળ પડવું જોઈએ તેમ સૌને લાગ્યું હતું. “મારા ઘોડા પર કોઈ તેમની પાછળ પડે તો જરૂર આંબી શકાય. કોઈ જાય તો હું મારો ઘોડો આપું.” કાર્વરે સૂચન મૂક્યું. બધાએ તે વધાવી લીધું અને જનારા પણ મળી આવ્યા. તેમણે પૂછ્યું, “તમે પૈસા લાવ્યા છો?” “હં... તમારે પૈસાની જરૂર પડશે. હા. પણ એમ કરોને. તે લૂંટારાને બદલામાં ઘોડો આપી દેજો. પણ જુઓ, ના છૂટકે જ ઘોડો આપજો. અહીં પાછા આવે તો સાથે લાવજો, એટલે હું તેમને પૈસા ચૂકવી દઈશ. ન જ માને તો પછી ઘોડો આપીને મેરીને તો છોડાવી જ લાવજો.” દિવસો પસાર થઈ ગયા. કંઈ સમાચાર ન હતા. પખવાડિયા પછી પેલા આવ્યા. “તેમણે તો અમને ભારે ઠગ્યા. વાંકોચૂંકો એવો માર્ગ પકડયો હતો કે ભલભલા ગોથાં ખાય. માંડ હાથ આવ્યા. છેવટે ઘોડાના બદલામાં મા-દીકરાને મુક્ત કરવાનું કબૂલ્યું. કહેવડાવ્યું : ઘોડાને ઝાડે બાંધીને તમે દૂર ચાલ્યા જાઓ. અમે ઘોડાને તપાસશું અને જ્યારે અમારું રણશીંગું સંભળાય ત્યારે આવીને મા-દીકરાને લઈ જજો! વિશ્વાસ તો નહોતો બેસતો પણ તે સિવાય છૂટકો ન હતો. છેવટે રણશીંગું સંભળાયું, પણ ઘણે દૂરથી... અમે એકદમ દોડયા. ઝાડ નીચે પાણીથી તરબોળ ધ્રૂજતા બાળકનું આ પોટકું ભાળ્યું. ઘોડો લઈને તેઓ પલાયન થઈ ગયા હતા.” આવનારે એકસામટી બધી વાત કરી નાખી. વાત સાંભળતાં જ સુઝનની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. તેણે બાળકને લઈ લીધું. તેનું ટાઢુંબોળ શરીર પહેલાં તો નિશ્ચેતન લાગ્યું. સુઝન ધ્રૂજી ગઈ. થોડા દિવસ પહેલાં જ અનેક સારવાર છતાં મેરીની દીકરી હાથતાળી દઈને ચાલી નીકળી હતી. ઊંડે ઊંડે પણ આ બાળકમાં પ્રાણ ટકી રહ્યો છે તેમ વર્તાયું અને સુઝનની વત્સલતાએ ઉપચારો કરવામાં કંઈ બાકી ન રાખ્યું. દિવસો સુધી એ ટચૂકડો છોકરો ઉધરસમાં બેવડો વળી જતો. જાણે શ્વાસ જતો જ રહેશે. વખત જતાં જરાક ચેતન આવ્યું. તોપણ તેનો વિકાસ એટલો મંદ હતો કે તે લાંબું જીવશે તેમ લાગતું ન હતું. સૌ કહેતાં કે મહેનત નિરર્થક જશે. પણ સુઝન હિંમત હારવા તૈયાર ન હતી. “મેરીનું બાળક જીવવું જ જોઈએ. તે જીવશે જ.” મક્કમ સ્વરે તે કહેતી. ધીમે ધીમે બાળકમાં જીવન આવ્યું. ઊઠતાં-બેસતાં અને ડગલીઓ ભરતાં તે શીખી ગયો. આમ ધીમે ધીમે તે મોટો થવા લાગ્યો, પણ તે બોલી શકતો નહીં. પેલી જીવલેણ ઉધરસમાં જાણે તેનો કંઠ ગૂંગળાઈ ગયો હતો. ગમે તેવા પ્રયત્ન છતાં તે એક શબ્દ પણ ઉચ્ચારી શકતો નહીં. ક્યારેક ગોટા વાળતો, પણ તેની તે ભાષા કોઈ ઉકેલી શકતું નહીં. પરંતુ વાણીમાં જે વ્યક્ત ન થતું તે તેની ચમકતી આંખોમાં બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતું. સુઝને કહ્યું, “મારા જીવનમાં ક્યારેય મેં આવી તેજસ્વી આંખો જોઈ નથી.” “એ તેજસ્વિતાની શી કિંમત છે જ્યારે તે આવા દુર્બળ અને કંગાળ શરીર સાથે બંધાયેલી છે?” કાર્વરે જવાબ આપ્યો. “ભગવાનને ખબર!” સુઝને કહ્યું, “પણ તેણે આ બાળકને આપણે ભરોસે મૂક્યું છે.” “મને વિશ્વાસ છે કે હું મારી ફરજ અદા કરીશ.” કાર્વરે ગંભીરભાવે કહ્યું. “અને હું પણ.” સુઝનનો અવાજ રણકી ઊઠયો. મેરી વિષે ફરી કાંઈ સાંભળવા મળ્યું નહીં. એટલે છેવટે પેલા કીમતી ઘોડાના બદલામાં આ મૂંગો અપંગ બાળક તેમને માથે પડયો હતો...... આ બધાં જૂનાં સ્મરણોમાં ડૂબેલા કાર્વરે નિરાશામાં ડોકું ધુણાવ્યું. ત્યાં કોઈકે તેનું પહેરણ ખેંચ્યું. તેણે પાછળ વળી જોયું. પેલો નાનો છોકરો ધીમું ધીમું હસતો ઊભો હતો. કાર્વરથી હસ્યા વગર ન રહેવાયું. “વાહ, નાસ્તો તૈયાર છે, એમ ને! ચાલ, હું પણ તૈયાર છું.” તેણે પ્રેમથી બાળકનો કાળો ટચૂકડો હાથ પોતાના હાથમાં લીધો અને ખુશમિજાજે એ ઘર તરફ વળ્યો. આ જોઈને સૂઝને સંતોષનો દમ લીધો. તે બોલી : “એ બોલે એટલું જ. મનમાં કાંઈ નહિ.” [‘જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર’ પુસ્તકનું પહેલું પ્રકરણ]