સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આ અંધકાર


આજે વીરતાનો નાશ થઈ ગયો છે. આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધોળે દહાડે ગામમાં ધાડ પડે તેની સામે પણ આપણે ઊભી શકતા નથી.. એક હજારની વસ્તીમાં આઠ માણસો આવી લૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે, એ દેખાવ આખી દુનિયામાં હિંદુસ્તાનમાં જ બની શકે છે. આઠ માણસને હઠાવી ન શકે એવા, શરીરે તદ્દન દુર્બળ ગામડિયા નથી. પણ તેઓને મરણનો ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કોણ જોખમમાં નાખે? છો ને લૂંટે! સરકારનું કામ છે, એ ફોડી લેશે, એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. પડોશીનું ઘર બળે, તેની લાજ લૂંટાય, માલ જાય, તેની પરવા નથી. જ્યાં સુધી આ અંધકારનો નાશ નથી થયો, ત્યાં લગી હિંદુસ્તાનમાં ખરી શાંતિ થવાની નથી. જો આપણે આત્મરક્ષણની શક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો જમાનાઓ સુધી સ્વરાજને માટે નાલાયક રહેવાના છીએ.