સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/તેની ઊંડી અસર પડે છે


‘નવજીવન’ એક પણ અયોગ્ય ભાવનાનું, અસત્ય ખબરનું કે અવિવેકી ભાષાનું વાહન નહીં થાય એવો પ્રયત્ન અમે નિરંતર કર્યા જ કરશું, અને તેમાં અમે ભૂલ ન કરીએ તેની ચોકી અમારા વાચકવર્ગને અમે સોંપીએ છીએ. અમારે લખાણો કરીને બેસી રહેવું, એ બસ નથી. ભણેલ કે અભણ ગુજરાતી સ્ત્રી કે પુરુષને ‘નવજીવન’નો સંદેશો ન મળે ત્યાં સુધી અમારું કાર્ય બરાબર થાય છે એમ અમને જણાય જ નહીં. એવા ઘણા માણસો છે કે જેઓ, વાંચતાં આવડે છે છતાં, દેશમાં શી શી પ્રવૃત્તિ ચાલે છે તે જાણવાને ઉત્સુક નથી, વર્તમાનપત્રો વાંચવા ઇચ્છતા નથી અને જો વાંચે છે તો જે વાંચવામાં જરાયે તસ્દી ન પડે એવું વાંચે છે. આ વર્ગને ‘નવજીવન’નો સંદેશો અમારા ઉત્સાહી વાચકો પહોંચાડી શકે છે. તેવાઓએ ‘નવજીવન’ મંડળી કહાડવી. તેનો માત્ર એક ટૂંકો હેતુ રાખવો. તે મંડળી અમુક વખતે, અમુક જગાએ મળે, ‘નવજીવન’ વાંચી જાય, અને તેની ઉપર ચર્ચા કરે. આ કાર્ય ઘણું સહેલું છે, પણ એમાંથી પરિણામો ઘણાં ભારે નિપજાવી શકાય છે. શુદ્ધ વિચારો, શુદ્ધ કાર્યો, શુદ્ધ ભાવોની અસર પ્રજાની ઉપર ઘણી ઊંડી પડે છે. [‘નવજીવન’ અઠવાડિક : ૧૯૧૯]