સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/સ્વરાજ-વૃક્ષનું બીજ


મારી જિંદગીની અંદર મેં અનેક કાર્યો કર્યાં છે. તેમાંનાં ઘણાં કાર્યોને માટે મારા મનમાં હું મગરૂરી પણ માનું છું; કેટલાંકને સારુ પશ્ચાત્તાપ પણ થાય છે. એમાંનાં ઘણાં મોટી જવાબદારીવાળાં હતાં. પણ અત્યારે જરાયે અતિશયોક્તિ વિના હું કહેવાને ઇચ્છું છું કે, મેં એવું એક પણ કાર્ય નથી કર્યું કે જેની સાથે આજે કરવાના કાર્યનો મુકાબલો થાય. આ કાર્યમાં મને જોખમ લાગે છે તે એક જ વસ્તુ છે, કે હું જે કાર્ય કરવા બેઠો છું તેને માટે હું લાયકાત ધરાવતો નથી. આમ હું વિવેકદૃષ્ટિથી નથી કહી રહ્યો. પણ મારો આત્મા જે કહે છે તે હું તમારી સામે આલેખી રહ્યો છું. અત્યારે આપણે સ્વતંત્રતાનું જે બીજ રોપી તેને પાણી પાઈ તેમાંથી સ્વરાજનું સુંદર વૃક્ષ બનાવવું છે તે ચારિત્રાથી જ ઊછરશે. એ અચલિત શ્રદ્ધા મારામાં નહીં હોત, તો હું નિરક્ષર આ કુલપતિનું સ્થાન કબૂલ ન જ કરત. આ કાર્યની અંદર જ જીવવાને તેમ મરવાને હું તૈયાર છું, અને તેથી જ આ મહાન પદ મેં ધારણ કર્યું છે. એક વણિકપુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે. વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે તમારા અધ્યાપકોમાં શ્રદ્ધા રાખજો. પણ જો તમે તમારા અધ્યાપકોને બળહીન જુઓ, તો તે સમયે તમે પ્રહ્લાદના જેવા અગ્નિથી એ અધ્યાપકોને ભસ્મ કરી નાખજો અને તમારું કામ આગળ ચલાવજો. એ જ મારો વિદ્યાર્થીઓને આશીર્વાદ છે. અંતમાં હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું અને એ પ્રાર્થનામાં તમે સહુ નિર્મળ હૃદયથી જોડાજો : હે ઈશ્વર! આ મહાવિદ્યાલયને એવું બનાવ કે જે સ્વતંત્રતાનો જાપ આપણે રાતદિવસ જપીએ છીએ તે સ્વતંત્રતા તેની અંદરથી મળો. અને એ સ્વતંત્રતાથી એકલું હિંદુસ્તાન જ નહીં, પણ જેમાં હિંદુસ્તાન એક બિંદુમાત્ર છે તે આખું જગત સુખી થાઓ. [ગુજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયના ઉદ્ઘાટન પ્રવચનમાં : ૧૯૨૦]

*

એક દિવસ એવો આવે કે અહીં કોઈ ન રહે, કુલપતિ જ બેઠો હોય. શિક્ષક પણ એ જ હોય અને શિષ્ય પણ એ જ હોય; એની સામે એનો રેંટિયો પડ્યો હોય. એટલી શ્રદ્ધા તમારામાં હોય તો તમે એક નહીં પણ એક હજાર પેમ્બ્રોકS પેદા કરશો. ક્યાં ઇંગ્લૈંડ અને ક્યાં હિંદ, જેમાં કેટલાંય ઇંગ્લૈંડ સમાઈ જાય! પણ આપણામાં એટલી વીરતા છે? ધીરજ છે? વીરતા અને ધીરજ વિના શ્રદ્ધાનો પાક નથી ઊતરતો. અધ્યાપકોમાં શ્રદ્ધા હશે તો તેઓ એક જ અવાજ કાઢશે; વિદ્યાર્થી પણ એક જ અવાજ કાઢશે; તે કહેશે કે, હું એકલો હઈશ તોપણ શું? એમ જે વિદ્યાર્થી એક છતાં નીડર થઈને બેસશે તેમાંથી ૧૦૦ પાકશે. (* ઇંગ્લૈંડની પ્રસિદ્ધ કૉલેજ. એની ઉત્પત્તિ નાનકડાં ઝૂંપડાંમાંથી થઈ હતી, અને તે પણ એક વીર વિધવાથી — જે પરણી તે જ દિવસે રાંડી હતી. તે સેવાધર્મને વરી. તેણે સંન્યાસીઓ અને સાધુઓ શોધ્યા અને તેમને રહેવાને ઝૂંપડાં બાંધી આપ્યાં. એ ઝૂંપડાંમાંથી આજની મોટી પેમ્બ્રોક થઈ, જેમાંથી સ્પેન્સર અને ગ્રે જેવા કવિ પાક્યા, પિટ જેવા રાજ્યનીતિધુરંધર પાક્યા અને બ્રાઉન જેવા પંડિતો પાક્યા.) [ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં આપેલા વ્યાખ્યાનમાં : ૧૯૨૮]

*

આપણે ત્યાં એક પણ આદર્શ અધ્યાપક રહી જાય, એક પણ આદર્શ વિદ્યાર્થી રહી જાય, તો આપણને સફળતા મળી છે એમ સમજીશ. જગતમાં હીરાની ખાણો ખોદતાં પણ પથ્થરના ડુંગરા નીકળે છે અને અથાગ પરિશ્રમ પછી એકાદ હીરો નીકળે છે. દક્ષિણ આફ્રિકામાં હીરાની ખાણનું જે દૃશ્ય જોયું તેનું શું બ્યાન આપું? ધૂળ અને પથ્થરના મોટા પહાડ પડ્યા હતા. કરોડો રૂપિયાનો ખર્ચ એના ઉપર થઈ ચૂક્યો હતો અને તેને અંતે લાખો મણ ધૂળ નીકળ્યા પછી બેચાર શેર હીરા નીકળે તો ભાગ્ય! પણ એ ખાણવાળાનો મનોરથ તો અનુપમ હીરો કાઢવામાં હતો. કોહિનૂરથી પણ ચડિયાતો હીરો કાઢીને જ ખાણનો માલિક કૃતાર્થ થવા માગતો હતો. મનુષ્યની ખાણ પર પણ લાખો અને કરોડો ખર્ચીને આપણે ખોબા જેટલાં રત્નો અને હીરા કાઢી શકીએ, તો કેવું સારું! એ રત્નો ઉત્પન્ન કરવાના ભાવથી જ આ વિદ્યાપીઠ ચાલવી જોઈએ. [બિહાર વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં કરેલા ભાષણમાં : ૧૯૨૭]

*

ખાદીના મૂળમાં જે કલ્પના છે તે તો એ છે કે ખાદી ખેડૂતોને સારુ અન્નપૂર્ણાનું કામ કરનારી છે, હરિજન વણકરોનો પ્રાણ છે. ઓછામાં ઓછા ચાર માસ ખેડૂતો નિરુદ્યમી રહે છે, તેમને ખાદી ઉદ્યમ આપે છે. આ દેશમાં જો આપણે લોહીની નદીઓ ન વહેવડાવવી હોય, લોકોને આજે છે તેથી વધારે પશુ ન બનાવી દેવાં હોય, તો ખાદીનો આ વ્યાપક સંદેશો ઝિલાવો જોઈએ. સામ્યવાદને નામે પ્રવર્તે છે તે સામ્યવાદ નથી. હિંદુસ્તાનને પચી શકે તે સામ્યવાદ રેંટિયામાં ગુંજે છે. [ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો સાથે ચર્ચામાં : ૧૯૩૪]