સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/સમુદ્રનાં મોજાંનો લય


જુલાઈ મહિનામા ઉમાશંકરભાઈનો જન્મદિવસ. તેમના છેલ્લા જન્મદિવસે મોડી સાંજે હું, કાતિર્ક, યોગેશ અને પરેશ વર્ષાભીની હવામાં રસ્તા પરના ખાબોચિયાંનું સ્કૂટરથી પાણી ઉડાડતાં ઉડાડતાં તેમના ઘરે પહોંચેલા. અમે પહોંચ્યા ત્યારે દિવસના છેલ્લા મુલાકાતી ભોળાભાઈ નીકળવાની તૈયારીમાં હતા. ઉમાશંકરભાઈને તે દિવસે ઠીક ન હતું, ઝીણો તાવ હતો. કૅન્સર ડિટેક્ટ નહોતું થયું પણ તેની અસરની શરૂઆત થઈ હશે. માંદગીથી અને આખો દિવસ ચાલેલી શુભેચ્છકોની અવરજવરથી થાકેલા હતા. પથારીમાં બ્રાઉન કલરની શાલ ઓઢીને બેઠા હતા. થાક્યા હતા, પણ અમે આવ્યા તે તેમને ગમ્યું. દાદા આખા દિવસ પછી પૌત્રો સાથે એકલા પડે ને હળવા થાય તેવા હળવા લાગતા હતા. અમે બધા શુભેચ્છા વ્યક્ત કરવા પગે લાગ્યા, તો દરેકને અમારા નામ સાથે શુભેચ્છાઓ લખી ‘સપ્તપદી’ની એક એક ચોપડી આપી. તેમના જન્મદિવસ નિમિત્તે ગળ્યું મોઢું કરવા મીઠાઈ ખાધા પછી અમને એક વિચાર આવ્યો કે આ દિવસની યાદગીરી રાખવા કેસેટ પર તેમની કવિતા રેકોર્ડ કરીએ. કેસેટ-પ્લેયર તો ઘરમાં સામે જ પડ્યું હતું, તેથી જેમ સુથારનું મન બાવળિયે તેમ મારું મન ત્યાં ચોંટેલું હતું. થાક અને તબિયતને હિસાબે તેમણે રેકોડિર્ંગ કરવાની ના પાડી. પણ પછી અમારી હઠ સામે તેમનું ચાલ્યું નહીં—તેમાં વળી નંદિનીબહેનનો આગ્રહ પણ ભળ્યો. અંતે તેઓ તૈયાર થયા. કેસેટ-પ્લેયરની સિસ્ટમ નવી હતી તેથી તેના ઓપરેશનમાં થોડી તકલીફ પડી. લાગ્યું કે ઉમાશંકરભાઈ માંડ તૈયાર થાય છે ત્યાં કેસેટ-પ્લેયરે વ્યવધાન ઊભું કર્યું! એક દહેશત હતી કે હાથમાં આવેલી તક સરી તો નહીં જાય? ત્યાં વળી પ્લેયરે યારી આપી. ઉમાશંકરભાઈએ ‘સમગ્ર કવિતા’ હાથમાં લઈ કવિતાપાઠ શરૂ કર્યો. થાક અને માંદગીમાંય અવાજ નિરામય હતો. અમે એક પછી એક કવિતા યાદ કરાવતા જઈએ: ‘રહ્યાં વર્ષો તેમાં’, ‘ગયાં વર્ષો તેમાં’, ‘ધારાવસ્ત્ર’—ને બહાર ખરેખર ઝાપટું પડતું હતું. એ વરસાદના ધધૂડાનો, પવનનો, ભીંજાતી કોયલના ટહુકારનો અવાજ પણ રેકોડિર્ંગમાં ઝિલાયો. ગ્રંથસ્થ ન થયેલી પણ તે ગાળામાં લખેલી ‘ગ્રાંડ કેન્યોન’ પરની છેલ્લી કવિતા પણ તેમાં ઉતારેલી. મને લાગે છે કે તે કદાચ તેમનું છેલ્લું સચવાયેલું રેકોડિર્ંગ છે અને તે પણ તેમના જન્મદિવસનું! જ્યારે પણ આકાશવાણી સ્ટુડિયોમાં રેકોડિર્ંગ હોય ત્યારે તેમને લેવા-મૂકવા જવાનું. હું લેવા ઘરે પહોંચું ત્યારે તૈયાર જ હોય, ખાલી ચંપલ જ પહેરવાનાં હોય. રસ્તામાં એક દિવસ મેં કહ્યું કે “ ‘મહાભારત’ એ તમારા અને બધાંના રસનો વિષય. તમે તેમાંથી માત્ર પસાર જ નથી થયા પણ પાને પાને રોકાઈ વરસો તેની સાથે ગાળ્યાં છે. તો અમારી પેઢીને તમારી એ દૃષ્ટિનો, અભિગમનો, જ્ઞાનનો લાભ મળે તે માટે તમારા ઘરે મહિને—પંદર દિવસે એક નાની પ્રવચન-બેઠક ગોઠવીએ, રસિક મિત્રોને જાણ કરીએ અને તમારા જ કેસેટ-પ્લેયર પર તેને રેકોર્ડ પણ કરીએ. અમારી શરત માત્ર એટલી જ કે તમે ‘મહાભારત’ પર બોલો.” મારી સ્કીમ તેમને પસંદ આવેલી. થોડી વાર મૌન રહ્યા પછી કહે, “તારી વાત સારી છે. આપણે જરૂર કરશું. વ્યાસનું મારા પર મોટું ઋણ છે. હાથમાં લીધેલાં કેટલાંક કામો પૂરાં થાય પછી બાકીનું જીવન વ્યાસ અને ગાંધીજીના ખોળે જીવવું છે. હું થોડો નવરો પડું પછી આપણે જરૂર કરીએ.” તેમણે હાથ પર લીધેલાં કામોથી અને પાછળથી તબિયતને લીધે તે શક્ય ન બન્યું. છતાં જ્યારે જ્યારે પણ મળવા જતો ત્યારે હું ઉઘરાણી જરૂર કરતો. હંમેશાં તેમણે એમ કહ્યું કે, આપણે જરૂર કરીશું. વધુ વખત જવાને લીધે જ્યારે મારા આગ્રહમાં સંકોચ ભળવા લાગેલો ત્યારે એક વાર તેમણે મને કહેલું, “ ‘મહાભારત’ વિશે પૂછતાં મારી પાછળ પડી જતાં અચકાઈશ નહીં. તું તારું કામ નહીં પણ મારી પાસે મારું જ કામ કરાવી રહ્યો છું.” વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાને લીધે સાહિત્યનું અને ઉમાશંકરભાઈનું સીધું શિક્ષણ તો હું પામ્યો નથી. પણ અમારી આ લાગણી તેમની પાસે રજૂ કરતાં એક વાર તેમણે એક સાંજે તેમના અંદરના રૂમમાં મારા અને યોગેશ માટે અંગ્રેજી કવિતાનો રીતસરનો ક્લાસ લીધેલો. લગભગ દોઢ-બે કલાક સુધી. તેઓ વરસો પછી એમ. એ. નો પિરિયડ લેતા હોય તેમ ટોમસ ગ્રેની ‘એલિજી રીટન ઇન અ કન્ટ્રી-ચર્ચયાર્ડ’ અને ટોમસ હાર્ડીની ‘કવિની ઇચ્છા’ કવિતાઓની લીટીએ લીટી વાંચતા જાય, ‘between the lines’ જે હોય તે પણ સમજાવતા જાય. છેક છત સુધી ચડી ગયેલી ચોપડીઓવાળા ઘોડા, ટેબલ પર જવાબ આપવાની રાહ જોતા કાગળો, ટેબલની એક તરફ ઉમાશંકરભાઈ, બીજી તરફ ખુરશી પર હું અને યોગેશ. ઉપરથી પડતો બલ્બનો પ્રકાશ અને વિદ્યુત-લતાશી એક પછી એક ઉજાળતી પંકિતઓ, બધું કિલક થઈ ગયું છે. તે દિવસે તો અમારા માટે ચા બનાવવા ગયા (તેમના હાથની ચા અને ચીવટપૂર્વક છાલ ઉતારેલું સફરજન ખાવાવાળા અમે પણ ભાગ્યશાળી હતા.) ત્યારે તેમના બુકકેસનો કાચ સરકાવી ચોપડીઓ જોયેલી. એક પુસ્તક હજી યાદ છે ‘Divine Comedy’. તેમણે ચાલીસ-પચાસ વરસ પહેલાં તે પુસ્તક બે વાર વાંચ્યું હતું અને તેમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને વિશેષ કરીને ‘ઉપનિષદ’ અને ‘ગીતા’ના પેરેલલ ક્યાં છે તે પંકિતઓ અંડરલાઈન કરેલી ને ટાંચણ કરેલું. તેમની સાથે થોડી વાર બેસો તોપણ બેચાર વાત, વિચાર કે રજૂઆત એવી થાય કે તમને કાયમ માટે યાદ રહી જાય. ‘મહાભારત’ના ગમતા પાત્ર વિશે પૂછ્યું, તો તેમણે કૃષ્ણ, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર, વિદુર કે દ્રૌપદી નહીં પણ દુર્યોધનનું નામ આપેલું! તેમના હૃદયના કોઈ ખૂણામાં આપણો આ ખલનાયક વસી ગયેલો. નેધરલેન્ડ્ઝથી મારો મિત્ર યાપ સ્લુરિંક અમદાવાદ આવેલો, તો તેને લઈ ઉમાશંકરભાઈને ઘરે ગયેલો. આમસ્ટરડામ, હેગ, રોટરડામની વાતો કરી તેને વાતો કરતો રાખેલો. નીકળતી વખતે બહાર ઓશરીમાં અમને વળાવવા આવ્યા ત્યાં વળી વાર્તાએ વળગ્યા. વાતવાતમાં ક્યાંથી ‘કાન્ત’ની ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’—તે પંકિતઓ બોલ્યા ને ગુજરાતી ભાષાનો એક અક્ષર પણ ન સમજનારા મારા ડચ મિત્રે કાવ્યના લય પરથી તેને પામી જઈને મને પૂછ્યું: “Are these lines related to sea?” એ કવિતામાં યાપને સમુદ્રમાં મોજાંનો લય પકડાયો!