સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવંત ત્રિવેદી/મેઘાણીભાઈ

From Ekatra Wiki
Revision as of 06:02, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search

આ વસંતનાં ફૂલોમાં હું યુગો સુધી ઢાંકી રાખીશ
દેવળમાં બળતી મીણબત્તી જેવો
તમારો વેદનાનો ચહેરો…
તમારાં જુલ્ફાંમાં
સાવજની કેશવાળીના પછડાટથી ત્રામત્રામી ઊઠતું ગીરનું રાન
કંઠના ટોડલા પર બેઠેલું મોરલાના અવાજનું ટોળું
ઘેઘૂર અધબીડયાં પોપચાંમાં
હમણાં ધોધમાર વરસું વરસું કરતા અષાઢના આકાશ જેવી
મોરપીંછની આંખો…
તમે ચાલીસ ચાલીસ વર્ષ પહેલાં
ઘોળીઘોળી ભરેલા પિયાલામાંથી ઊભરાઈને
આજે અત્યારેય
મને કસુંબીના છાંટા ઊડે છે, મેઘાણીભાઈ!
પગમાં ક્રાંતિનાં પગરખાં
આંખોમાં થીજી ગયેલાં આંસુના દ્વીપ
ને ઝોળીમાં બારમાસીનાં વેડેલાં ગીત —
જોઉં છું તો ગોધૂલિ ટાણે
કોઈના લાડકવાયાની આરસખાંભી પર
તમે લોહીના અક્ષરે કવિતા લખી રહ્યા છો…
[‘પરિપ્રશ્ન’ પુસ્તક]