સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત શુક્લ/જ્ઞાનની ગરજ નથી


દિલ્હીની બે યુનિવર્સિટીઓના અને ૬૬ કૉલેજોના પાંચેક હજાર અધ્યાપકોની વાંચવાની આદત વિશે શ્રી અખિલેશ્વર ઝાએ કરેલી મોજણીમાં ૯૫ ટકા જેટલા અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે નિયત થયેલાં પાઠયપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી! “સામાન્ય વાચન પણ નહીં?” એવા ધારદાર પ્રશ્નના જવાબમાં મોટા ભાગના અધ્યાપકોએ એમ જણાવ્યું હતું કે પોતે ‘ઈલસ્ટ્રેટેડ વીક્લી’ કે ‘બ્લિટ્ઝ’ જેવાં સામયિકો વાંચતા હોય છે. પોતપોતાના વિષયનાં વિશિષ્ટ સામયિકોનું વાચન કરનારા અધ્યાપકોની સંખ્યા જૂજ હતી. “કૉલેજના કલાકો પછી અને રજાઓમાં તમે શું વાંચો છો?” એવા સવાલના જવાબમાં એક અધ્યાપકે કહ્યું : “એ સમયગાળા દરમ્યાન બજારમાંથી ખરીદી કરવાની, છોકરાંના ભણતરની, એમનાં લગ્નની, એમની નોકરીની ઘણી બધી જવાબદારીઓ અદા કરવાની હોય છે, તેમાં વાંચવાનો સમય જ ક્યાંથી મળે?” ઉપરનું ચિત્રા ૯૫ ટકા અધ્યાપકોનું છે. બાકીના પૈકી ૩ ટકા જેટલાના વાચનમાં મોટે ભાગે જાતીયતા, ગુનાખોરી અને જાસૂસીનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. પછી રહ્યા બે ટકા જેટલા અધ્યાપકો, જે ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે. આ તારણો એમ કહી જાય છે કે ૫૦૦૦ પૈકી ફક્ત ૧૦૦ અધ્યાપકો પોતાની વિદ્યાકીય સજ્જતાને સજાવતા રહેનારા, એટલે કે અધ્યાપક નામને સાર્થક કરનારા છે. એટલું પણ પુણ્ય પહોંચે છે, એનું આશ્વાસન લઈએ. (સાથે સાથે, પ્રશ્નાો ટાળવાને બદલે સાચકલા ઉત્તરો આપવા માટે દિલ્હીના અધ્યાપકોને શાબાશી પણ આપીએ.) તેમની પરિસ્થિતિ સમજવાનો પણ પ્રયાસ કરીએ. કેટલાંયે વર્ષોથી, ખાસ કરીને સ્વરાજ્ય મળ્યા પછી યુનિવર્સિટીઓ ને કૉલેજો ફાલીફૂલી પછી, જે અધ્યાપકોની ભરતી થતી રહી છે તે મરવાને વાંકે જીવતા ઉચ્ચ શિક્ષણના વારસદાર વિદ્યાર્થીવર્ગમાંથી થતી રહી છે. એ ઉચ્ચ શિક્ષણમાં ઉપચાર ખાતર ભણવામાં ને ભણાવવામાં આવે છે. ત્યાં ભણનારાંને ગરજ નોકરીની છે — જ્ઞાનની નહીં. સારા પગારની નોકરી માટે ડિગ્રી જોઈએ એટલે જેમતેમ કરી પરીક્ષાઓ પસાર કરવી, ડિગ્રી મેળવવી અને જોઈતી નોકરી મળે એટલે હાશ કરવી. પછી તે નોકરી છોડવાનો પ્રસંગ ન આવે તે માટે સંગઠનો કરવાં, દબાણ લાવવું અને શિક્ષણના સ્તરને સવિશેષ નીચું આણવું, વિદ્યાર્થીઓ પોતાની સામે વિરોધ ન કરે તે માટે એમને ઉદારતાથી પરિણામો આપવાં — એમ વંચનાનો વ્યાપક કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે. જો હાલની સંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. [‘સંદેશ’ દૈનિક : ૧૯૭૮]