સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/વીજળીના ચમકારે...


પ્રવાસકથા ‘સૌંદર્યની નદી નર્મદા’ માટે સાહિત્ય અકાદમી(દિલ્હી)નો પુરસ્કાર જેમને મળ્યો, તે શ્રી અમૃતલાલ વેગડે ૫૦ની વયે, ૧૯૭૭થી ટુકડે ટુકડે નર્મદાની પદયાત્રા, ધામિર્કતાથી નહિ પણ સૌંદર્યની દૃષ્ટિથી શરૂ કરી અને બંને કાંઠે મળીને ૨,૬૨૪ કિલોમીટરની યાત્રા ૧૯૯૯માં પૂરી કરી. એ પછી અત્યારે ૭૬ની વયે પણ એમની નર્મદાયાત્રા ચાલુ રહી છે. ‘સૌંદર્યની નદી નર્મદા’માં અંતે, એમનાં પત્ની કાન્તાબહેનનો લેખ છે: ‘મારા પતિ’. એમાં કાન્તાબહેને સગપણ અગાઉ પહેલી વાર એમને જોયા ત્યારનું વર્ણન છે: “વધેલી હજામત, આંખે ચશ્માં, ટૂંકો લેંઘો ને રબરનાં કાળાં જૂતાં! મને એ ખાસ ગમ્યા નહીં. પણ જ્યારે ખબર પડી કે એ શાંતિનિકેતનમાં ભણ્યા છે અને હવે શિક્ષક છે, તો હું સગપણ માટે તૈયાર થઈ ગઈ.” લગ્નના બીજા જ દિવસે તેઓ કોદાળી, પાવડો ને તગારું લઈને સામેની નાલી ખોદવા લાગેલા! પહેલાં એ મા સાથે અને લગ્ન પછી પત્ની સાથે ઘંટીએ દળવા બેસતા. હજી, આ ઉંમરેય, આ દંપતી સાથે ઘંટીએ બેસીને દળે છે! નર્મદાની યાત્રા એમણે બે પુસ્તકોમાં આલેખી છે: ‘પરિક્રમા નર્મદામૈયાની’ (૧૯૯૪), જેમાં ૧૯૭૭થી ૧૯૮૭ સુધીમાં તૂટક તૂટક કરેલી પદયાત્રાનું વૃત્તાંત છે; સૌંદર્યની નદી નર્મદા’(૨૦૦૧)માં ત્યારબાદ બાકી રહેલી ઉત્તરકાંઠાની યાત્રાની કથા છે. તેઓ કહે છે: “મને હંમેશ લાગ્યું છે કે આ પુસ્તક મેં ક્યાં લખ્યું છે? નર્મદા લખાવતી ગઈ અને હું લખતો ગયો.” (પૃ. ૨૦૦) એમનું ગદ્ય પણ અમરકંટકમાંથી નીકળતી રેવા જેવું—સહજ વહેતું-ઊછળતું-કૂદતું—રમતિયાળ; ક્યારેક પટ પહોળા થાય, ક્યારેક સાંકડા, ક્યારેક વેગ વધે, ક્યારેક ધીરગંભીર. લેખકની પદયાત્રા મધ્ય પ્રદેશમાં ચાલતી ત્યારે પહેલાં હિન્દીમાં લખાતું, પછીથી ગુજરાતીમાં; અને યાત્રા ગુજરાતમાં ચાલતી ત્યારે પ્રથમ ગુજરાતીમાં લખાતું, ત્યારબાદ હિન્દીમાં! બીજી ભાષામાં લખતાં વળી કંઈક ઉમેરાતું જાય, એટલે પહેલી ભાષામાંય પાછા ફેરફાર થાય. કાંટછાંટ સતત ચાલે. બધા જ લેખો ઘૂંટાઈ ઘૂંટાઈને પાંચ-છ વાર લખાય. તેઓ લખે છે: “હું મારા લેખોને ખૂબ કઢું છું, એક ભાષાના ગ્લાસમાંથી બીજી ભાષાના ગ્લાસમાં ઠાલવતો જ રહું છું, થોડી મલાઈ મિલાવું છું, થોડું ઠંડું થવા દઉં છું, ગ્લાસને ઠાંસી ઠાંસીને ભરું છું, પછી જ મારા વાચકોને આપું છું. છતાં મનમાં ડર તો રહે જ છે કે ક્યાંક કોક કહી ન દે કે આ દૂધ તો પાણીવાળું છે!” (પૃ. ૧૯૯) ‘જ્યારે મને લાગે કે નર્મદાનું અમુક સૌંદર્ય શબ્દોમાં ઠીકથી વ્યક્ત નહીં થઈ શકે, આને માટે રંગો-રૂપાકારો ઠીક રહેશે, ત્યારે હું એને ચિત્રોમાં વ્યક્ત થવા દઉં. જ્યારે લાગે કે આને માટે શબ્દો ઠીક રહેશે, ત્યારે શબ્દોમાં કહું.’ (પૃ. ૧૯૬) નર્મદા પરિક્રમાનાં એમનાં ચિત્રોનાં પ્રદર્શનો ભોપાલ, ઇંદોર, કોલકતા, મુંબઈ તથા દિલ્હીમાં યોજાયાં છે. (ગુજરાતમાં હજી બાકી!) જેમણે નર્મદા સાથે જ નહિ, નર્મદાકાંઠાનાં વનો, વૃક્ષો તથા લોકો સાથેય અભિન્નતા અનુભવી છે એવા ચિત્રકાર-લેખક અમૃતલાલ વેગડને સાહિત્ય પરિષદના જ્ઞાનસત્ર દરમ્યાન જોવાનું-મળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. મધ્યમ ઊચાઈ, પાતળો બાંધો પણ શરીર કડેધડે, ૭૬ની વય પણ ૬૫ના લાગે, મેદ જરીકે નહિ—ન શરીરમાં, ન ગદ્યમાં; ઊચો ખાદીનો લેંઘો, ઝાંખો-બ્રાઉન ખાદીનો ઝભ્ભો, ઉપર કાળી જાડી લાઇનિંગવાળી સ્લેટિયા રંગની ખાદીની બંડી, પગમાં રબરનાં ચંપલ. શ્યામળો વાન, લંબગોળ ચહેરો (દાઢી કરેલી), ચહેરા પર પ્રસન્નતા, હોઠ પર મધુર સ્મિત, પાછળ તરફ જતું મોટું કપાળ, સફેદ વાળ, સપ્રમાણ નાક, વધારે આગળ નહિ ધસેલી હડપચી, સહેજ પહોળા કાન—આ જ કાનોએ સાંભળ્યા છે વહેતી નર્મદાના અનેક સૂર, અનેક રાગ. આ કાન, મધરાતે પવનમાં હિલોળા લેતાં વૃક્ષોનાં પાંદડાંનો ધ્વનિ કઈ રીતે જુએ છે: “મેં જોયું કે સાગવનનાં વૃક્ષોમાંથી આવતો ધ્વનિ પીપળાથી આવતા ધ્વનિથી ભિન્ન હોય છે.... .....વૃક્ષોનાં પણ ઘરાણાં ચાલે છે. પીપળાનું ઘરાણું સૌથી વધુ પ્રચલિત છે” (પૃ. ૫૬). જાડી કાળી ફ્રેમનાં ચશ્માંના લંબચોરસ કાચ પાછળની આંખોમાં જાણે રેવાનાં જળ ચમકે! આ આંખોએ કેટકેટલાં રૂપો માણ્યાં છે નર્મદાનાં! અમરકંટકથી ઉદ્ભવતી; વનો, પહાડો અને ખીણોમાંથી વહેતી, હસતી-રમતી, રખડતી-રસળતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી, વળાંકે વળાંકે સૌંદર્યની વૃષ્ટિ કરતી, વિન્ધ્યાચલ અને સાતપુડાનું રક્ષણ પામતી; કપિલધારા-દૂધધારા-ધુંઆધાર અને ધાવડીકુંડમાં ભૂસકા મારતી, સાંકડી ખીણોમાં અતિવેગે દોડતી, ભેખડો ભેદતી, પહોળા પટમાં ધીમી પડીને પડખાં ફેરવતી, ચટ્ટાનોથી ટકરાતી—ધીંગાણાં ખેલતી—ઘૂમરીઓ ખાતાં ખાતાં વળી તેજ દોડતી; બરગી બંધ અને સરદાર સરોવરમાં બંધાતી, અનેક ખેતરોની ભૂખ-તરસ સંતોષતી, અનેક સહાયક નદીઓને પોતાનામાં સમાવતી, અંતે નિરાંતે સમુદ્રમાં સમાતી. આટઆટલી નદીઓમાંથી કેવળ નર્મદાની જ પરિક્રમા થાય છે—“નર્મદા કેવળ નદી નથી, કંઈક વધુ છે.” આ કંઈક, किमपि—શબ્દોથી, ચિત્રોથી કે રેખાંકનોથી દર્શાવી ન શકાય, એ તો માત્ર અનુભવી શકાય, પામી શકાય. વીજળીના ચમકારે લેખકે નર્મદાનો ચળકતો દોર જોયો છે ને જાણે જાત પરોવી દીધી છે! [‘પરબ’ માસિક: ૨૦૦૫]