સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુનાથજી નાયક/પંદર જ મિનિટ


ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે. પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ : ૧૫ મિનિટમાં — સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઇકલ ઉપર ૩ કિલોમીટરનું અંતર કાપી શકાય. સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય. શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય. મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય. ઘરના બે-ત્રાણ ઓરડાની સફાઈ કરી શકાય. પોતાનાં કપડાં ધોઈ શકાય. ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય. અક્ષર સુધારવા તથા વિચાર સ્થિર કરવા ડાયરી લખી શકાય. ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય. ધ્યાનમાં એ રાખવાનું છે કે ૧૫ મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ. [‘લોકજીવન’ પખવાડિક : ૧૯૭૦]