સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/બે મોરચે


ભાયાણીસાહેબ પ્રાકૃતમાં પીએચ.ડી. થયેલા. ૧૯૪૫થી ’૬૫ સુધી ભારતીય વિદ્યા ભવનમાં સંશોધન અને અધ્યાપન કર્યું. પછી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાઈ અમદાવાદ આવ્યા. પત્તાંની અમુક રમતો એ એકલા રમે. કલાકોના વાચનલેખન વચ્ચે અડધો કલાક એકલા એકલા આમ પત્તાં રમી લે. એમને આરામ મળી જાય. એ સંગીતના શોખીન. એકલા એકલા સંગીત સાંભળતા હોય, પણ કોઈ માણસ આવે તો એ પહેલો. કોઈ સાચો જિજ્ઞાસુ આવી ચડે તો એ પોતાના મુદતી કામને પણ બાજુ પર મૂકી દેવાના. પછી આરામના મર્યાદિત સમય પર કાપ મૂકી પેલું કામ પૂરું કરવાના. એમને ત્યાં બે હીંચકા: એક વરંડામાં અને બીજો આંગણામાં. ક્યારેક બેથી સાત સુધી બાળકો હીંચકો ખાતાં હોય, રમતાં હોય, લડતાં હોય, ચણામમરા ખાતાં હોય કે અંદરઅંદરના ઝઘડા અંગે દાદાને ફરિયાદ કરતાં હોય. દાદા દરેકનું સાંભળે ને દરેકની તરફેણમાં બોલે. પછી પોતાના ઝઘડાનું સ્વરૂપ સમજાવવાનો આગ્રહ જતો કરી બાળકો એમનું રમવાનું આગળ ચલાવે; દાદાને એમનાં થોથાં સાથે ગડમથલ કરવા દે. ક્યારેક દાદાને બે મોરચે કામ કરવું પડે. કોઈ અભ્યાસી કંઈક પ્રશ્નો લઈને આવ્યા હોય, અને અહીં બાળકો ક્ષણેક્ષણે નવા પ્રશ્નો ખડા કરતાં હોય. આંગણે લીલા કરતા શિશુલોકને વચ્ચે વચ્ચે પ્રેમથી જોઈ લઈને પોથીપંડિતો સાથે કામ પાડવું, એ એમનો સ્વભાવ.