સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીકુમાર પંડ્યા/ખરા વાચનવીર


“બાપા, તમને આમાં મઝો નહીં આવે, આ તો સાહિત્યકારોનો મેળાવડો છે. મોરારિબાપુનું ધામ છે ઈ સાચું, પણ બાપુ કથા નથી કરવાના. માટે ઈ વરાહેં (સમજણથી) આવ્યા હો તો પાછા વળી જાઓ.” સ્વયંસેવક બોલ્યો. મહુવામાં નદીકિનારે મોરારિબાપુના કૈલાસ ગુરુકુળમાં ગુજરાતભરના સાહિત્યકારોનો ત્રણ દિવસનો મેળો હતો તે સાહિત્યરસિકો માટે જ હતો. એમાં મેલખાઉ લાંબી ચાળનું પહેરણ ને કાઠિયાવાડી ચોરણી ઠઠાડીને આવેલા, ખીચડિયા વાળ અને ધોળી મૂછવાળા ગામડિયા કણબીનું કામ નહીં. પણ આવનાર ગામડિયા જણે જવાબ વાળ્યો : “અરે, મારા વાલા, સાહિત્ય માટે જ આવ્યો છું. નકર આંયા કોની પાંહે ટાઇમ છે? મારે તો મા સરસ્વતીના છોરું પાંહેથી બે વેણ સાંભળવાં છે.” જૂનાગઢ જિલ્લાના ઉના ગામને અડીને આવેલા અને માત્ર પાંચસો માથાંની વસતિવાળા આંબાવડ ગામના છપ્પન વરસના, માંડ બે ચોપડી ભણેલા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયા માટે જાકારાનો આવો અનુભવ પહેલો નથી. ૨૯ વરસ પહેલાં સ્વાધ્યાય પરિવાર દ્વારા જૂનાગઢમાં પાંડુરંગ શાસ્ત્રીની હાજરીમાં સ્નાતક સંમેલન ભરાયેલું. એ વખતે સાહિત્યપ્રેમી ભગવતસિંહ મોરીની સાથે ઉકાભાઈ ગયા ત્યારે પ્રવેશદ્વાર પાસે ઊભેલા સ્વયંસેવકે કહ્યું : “આ તો ગ્રેજ્યુએટ માટે છે ભાઈ, આંઈ તમે નો હાલો.” સાંભળીને તરત ઉકાભાઈએ સામો સવાલ પૂછ્યો : “ગ્રેજ્યુએટ એટલે કેટલી ચોપડી ભણવી પડે, ભાઈ?” સ્વયંસેવકે જવાબ આપ્યો : “ટોટલ પંદર ચોપડી.” એના અનુસંધાનમાં ઉકાભાઈ બોલે એ પહેલાં ભગવતસિંહજી બોલી ઊઠ્યા હતા : “દોસ્ત, આમણે પંદર નહીં, પંદરસો ચોપડી પંડયે વાંચી છે. આ તો આપણો સાચો ગ્રેજ્યુએટ છે.” ભગવતસિંહ મોરી ભલે અટકળે પંદરસો ચોપડી બોલ્યા હોય, પણ ઘરનાં કબાટોમાં કમ સે કમ પાંચ હજાર પુસ્તક હશે. અને આ પુસ્તકોય પાછાં કોઈ સામાન્ય કોટીનાં નહીં, લોકસાહિત્યના આદિગ્રંથ ‘પ્રવીણ સાગર’, ‘ભૃગુસંહિતા’થી માંડીને ગુજરાતી સાહિત્યની ક્લાસિક ગણાય તેવી નવલકથાઓ, વાર્તાસંગ્રહો, લલિત નિબંધસંગ્રહો અને એવાં જ ઉત્કૃષ્ટ તેવાં સાહિત્યનાં પુસ્તકો છે. આવાં પુસ્તકોનું સતત વાંચન-સેવન આ ખેતીવાડીમાં રચ્યાપચ્યા ઉકાભાઈ કરે છે. માના પેટમાં હતા ત્યાં જ પિતા ગુમાવી બેઠેલા ઉકાભાઈ કાકા મોહનભાઈના આશરે મોટા થયા. આવા શ્રમજીવી પરિવારના ખોરડામાં ચોપડીના નામે પસ્તી પણ ન હોય. પણ પિતા નિશાળમાં ભણતા એ વખતની એક ગુજરાતી ચોપડી ‘એડોલ્ફ હિટલર’ ઉકાભાઈને હાથ ચડી ગઈ. તે વાંચી નાખી. મજા પડી. પછી તો જ્યાંથી જે પુસ્તક હાથ આવે તે વાંચવા માંડ્યા. પ્રેમાળ કાકાને ખબર પડી એટલે એ જ્યારે ઉના કે જૂનાગઢ હટાણે જાય ત્યારે નાની નાની બાળકથાઓની ચોપડીઓ ઝોળીમાં નાખતા આવે. એમાં બાળક ઉકાને વાંચનનું વ્યસન પડી ગયું. રાતે બા પુરાણની, ‘રામાયણ’ની, ‘મહાભારત’ની નાની-મોટી વાર્તા કરે. ત્રણ ચોપડી ભણીને ખેતીના કામમાં જોતરાવાનો વારો આવ્યો પછી નવરાશ મળતી બંધ થઈ. એટલે ઉકાભાઈ ખેતરે કામે જાય ત્યારે ફાળિયામાં એકાદી ચોપડી સંતાડીને લઈ જાય. મિનિટ-બે મિનિટનો સમય મળે ત્યારે વાંચવા બેસી જાય. રાતે ઘેર આવે ત્યારે વાળુ કરીને પરસાળની થાંભલીને ફાનસ ટીંગાડી વાંચવા બેસી જાય. તે ઠેઠ ઝોલાં આવવા માંડે ત્યાં લગી વાંચતા રહે. વય વધવાની સાથોસાથ ઉકાભાઈના વાચનની રેન્જ વધી. પહેલાં ‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘રમકડું’ જેવાં મૅગેઝિન વાંચતા, પછી ‘કુમાર’, ‘અખંડ આનંદ’ વાંચતા થયા. એ પછી પુસ્તકો ખરીદતા થયા. પૈસાની છત નહીં, પણ જેમ લૂગડાં માટે પૈસા ગમે ત્યાંથી કાઢવા પડે તેમ ચોપડાં માટેય કાઢવા જોઈએ તેમ માનતા ઉકાભાઈ ગમે ત્યાંથી વેંત કરીને પુસ્તકો વસાવવા માંડ્યા અને વાંચવા માંડ્યા. અરે, ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્ય થઈ ગયા. ‘શબ્દસૃષ્ટિ’ અને ‘પરબ’ જેવાં માસિક ભારે રસથી આ ખેડુ વાંચવા માંડ્યો. લેખકો સાથે પત્રવ્યવહાર કરતો થયો. [‘ચિત્રલેખા’ અઠવાડિક : ૨૦૦૩]