સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીકુમાર પંડ્યા/“મારી ટપાલ શું કરે છે?”


ધતૂરાનાં ફૂલ જેવા ભૂંગળાવાળું જૂનવાણી ગ્રામોફોન અને એવી થોડી જૂનવાણી (એન્ટિક) વસ્તુઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- (આઈ.આઈ.એમ.)ના દરવાજા નજીક સાવ ખુલ્લામાં વેચવા રાખીને એક તરોતાજા જુવાનિયો આરામખુરશીમાં અઢેલીને બેઠો હતો. એ ગ્રામોફોન જોતાંની સાથે જ સ્મૃતિ સહેજ સળવળી. જિંદગીમાં પહેલુંવહેલું એવું ગ્રામોફોન ક્યાં જોયું હતું? જેતપુરના ઉજ્જડ ‘પા’માં. ‘પા’ એટલે પરું. ઢોળાવવાળા એ પરામાં વૈદ્યરાજ મયારામ સુંદરજીની મેડી હતી. એમના પુત્ર પ્રાણજીવન વૈદ્ય મારા દાદાના ઓળખીતા હતા. ને પ્રાણજીવન વૈદ્યના પુત્ર બાબુભાઈ વૈદ્ય મારા પિતાના મિત્ર હતા. બાબુભાઈ લેખક હતા. તેમની ‘ઉપમા’ નામની નવલકથા મારા પિતાને તેમણે ભેટ આપેલી તે મેં વાંચી હતી. તેમાં ‘બાના ઉમારી’ નામનું એક પાત્ર આવતું હતું. આ નામનો અર્થ મને સમજાતો નહોતો. તે મેં બાબુકાકાને પૂછ્યો હતો ત્યારે તેમણે મને સમજાવ્યું કે નવલકથા આફ્રિકન બેકગ્રાઉન્ડની છે અને સ્વાહિલી ભાષામાં ‘બાના’નો અર્થ ‘મહાશય’ એવો થાય છે. હું એમને આ પૂછતો હતો ત્યારે એના સાક્ષી બે હતા. એક ધતુરાના ફૂલ જેવા ભૂંગળાવાળું ગ્રામોફોન અને બીજો એક લાંબા વાળવાળો તાડ જેવો ઊચો પાતળિયો જુવાન. બાબુકાકાએ મને કહ્યું: “મારો સાળો મકરંદ છે. ગોંડલથી વૅકેશનમાં આવ્યો છે.” આ લેખ લખું છું તેને આગલે દહાડે, ૩૧મી જાન્યુઆરી, ૨૦૦૫ની સાંજે ફરીવાર આઈ.આઈ.એમ. પાસે અદલ એવું જ ગ્રામોફોન નજરે પડ્યું. સ્મૃતિના તળિયેથી એનાં અનુસંધાનો બહાર આવવા જતાં હતાં ને બાબુભાઈ વૈદ્ય અને મકરંદભાઈ ચિત્તના પર્દા ઉપર ઊપસી આવતા હતા, ત્યાં જ ભાઈ ઉર્વીશ કોઠારીનો ફોન આવ્યો—મકરંદભાઈ ગયા! મકરંદભાઈને છેલ્લે બે-એક વર્ષ અગાઉ મળ્યો હતો. એ વખતે જૂની વાતો ખૂબ થઈ. પછી મને કહે, “ઠીક ઠીક, મેં ડિલિવર કરેલી ટપાલ શું કરે છે? એને કેમ સાથે ના લાવ્યા?” એ બોલતા બોલતાં જ એમણે મારી સાથે આવેલા ગફૂરભાઈ બિલખીયા અને પ્રવીણ પટેલ સામે જોઈને એમનું ચિરપરિચિત મીઠું સ્મિત કર્યું. એક ક્ષણ પછી મારા મનમાં ઝબકારો થયો. હું તો સમજી ગયો, પણ ગફુરભાઈને મારે સમજાવવું પડ્યું: “મકરંદભાઈ મારાં પત્ની તરુની વાત કરે છે. તેમનો પહેલો પ્રેમપત્ર મકરંદભાઈએ મને ચાની ટ્રેમાં મૂકીને ડિલિવર કરેલો.” ૧૯૬૨ની એક સાંજનું ગોંડલના મકરંદભાઈના નિવાસના ચોગાનમાં ભૂંગળાવાળું એ આખું દૃશ્ય યાદ આવી ગયું. મારી માત્ર ચોવીસની ઉંમર. કૌટુંબિક દબાણ વશ થયેલાં ગાંડી છોકરી સાથેનાં લગ્ન તૂટતાં નહોતાં. ઝૂઝતો હતો. એ વખતે તરુનો અને મારો પરિચય પ્રણયમાં પાંગર્યો. એક તબક્કે મેં તરુ અને એનાં બા પાસે સ્પષ્ટતા કરી: હું પરણેલો છું. ડિવોર્સનો કેસ ગોંડલમાં ચાલે છે—તમને આ હકીકતથી વાકેફ કરવાનું જરૂરી સમજું છું. એ લોકોને હું સ્વીકાર્ય હતો. પણ આ વાસ્તવિકતા? મેં તરુને કહ્યું, હું સુધરાઈના ઓડિટના કામે ગોંડલ જાઉં છું, ત્યાં મહિનો રહીશ. તારો નિર્ણય જે હોય તે મને ટપાલથી જણાવજે. પહેલાં હું વતન જેતપુર ગયો. મા-બાપ સાથે મસલત કરી. પછી ગોંડલ આવ્યો. એમાં ત્રણ દિવસ વીતી ગયા. આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. સાંજનું બેસવા ઠેકાણું મકરંદ દવેના ફળિયાનું ચોગાન. વચ્ચે એક ઘટાદાર વૃક્ષ. એની આજુબાજુ નેતરની સોટીઓથી બનેલી અને પાછળ સાઇકલનું ટાયર મઢેલી થોડી મૂંઢા ખુરશી. એમાં રોજિંદા બેસનારા અનવર આગેવાન બાજુના શીવરાજગઢ ગામેથી આવે. બીજા અનિલ જોશી, ત્રીજા ભૂપેન્દ્ર ત્રિવેદી અને બીજા એકબે. આ સાયં બેઠકમાં સાહિત્યિક ચર્ચાઓ થાય. પણ એમાં મકરંદભાઈની સ્થિર હાજરી બે મિનિટની પણ નહીં—માત્ર જતા આવતા હોંકારા-હાકલા કરે એટલું જ. કારણ? સતત બીમાર બાની સેવાચાકરીમાં જ રમમાણ. મેં ગફુરભાઈને આ વાત કરી અને કહ્યું: આવી જ રીતે ૧૯૬૨ની એ સાંજે એમના ચોગાનમાં બેઠો હતો. ઉદાસ હતો. તરુવાળી વાતો મનમાં ઘોળાતી હતી ને ત્યાં મકરંદભાઈ બા માટે ચાની ટ્રે લઈને મારી પાસેથી પસાર થયા. બંને હાથ તો ટ્રેને પકડવામાં રોકાયેલા હતા એટલે હડપચીથી ટ્રેમાં પડેલા એક કવર ભણી ઇશારો કર્યો, કહ્યું: “તમારી ટપાલ છે. સુધરાઈનો પટાવાળો આપી ગયો છે.” એ પત્ર તરુનો હતો: “પ્રેમ રહેશે. લગ્ન પણ કરીશું—ભલે તમારા ડિવોર્સને ગમે તેટલો વખત લાગે. હું રાહ જોઈશ.” ચાલીસ વર્ષ પછી એ ઘટનાને યાદ કરીને મકરંદભાઈ મને પૂછતા હતા: “મારી ટપાલ શું કરે છે?” [‘આરપાર’ અઠવાડિક: ૨૦૦૫]